વાવઝોડું: ગુજરાતમાં 1.50 લાખ લોકોનું સ્થળાંતર કરાશે, 15 જિલ્લાને અસર થશે

  • May 17, 2021 10:40 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

તૌકતે વાવાઝોડાની તીવ્ર અસર ગુજરાતના દરિયાકિનારે થવાની સંભાવના હોવાથી વહીવટી તંત્રએ 1.50 લાખ લોકોનું સ્થળાંતર કરવાનું નક્કી કર્યું છે. આ વાવાઝોડું 17મીએ ગુજરાતના દરિયાકિનારે પહોંચશે. અત્યાર સુધીમાં 15000 લોકોનું સ્થળાંતર કરી દેવામાં આવ્યું  છે. હાલ વેરાવળથી 600 કિલોમીટર દૂર છે.

 


18મી મે ના રોજ સંભવિત અસરગ્રસ્ત 15 જિલ્લામાં 70 થી 175 કિલોમીટર પવનની ગતિ રહેવા સંભવ છે. રેસ્ક્યુ કામગીરી માટે સબંધિત જિલ્લામાં 44 એનડીઆરએફની ટીમ ફાળવવામાં આવી છે. આશ્રયસ્થાનો પર કોવિડની ગાઇડલાઇન પ્રમાણે નાગરિકોનું સ્થળાંતર કરાશે.

 


મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ કુમારે જણાવ્યું છે કે, ગુજરાત પર આવી રહેલા સંભવિત વાવાઝોડા તૌકતે સંદર્ભે રાજ્યનું વહીવટી તંત્ર સજ્જ છે. હવામાન વિભાગની આગાહી મુજબ આ વાવાઝોડુ દક્ષિણ ગુજરાતથી વેરાવળ તરફ 600 કિલોમીટર દૂર છે જેની ગતિની તીવ્રતા આગામી 24 કલાકમાં વધવાની સંભાવના છે. વાવાઝોડુ પોરબંદર અને ભાવનગર તરફ પ્રોજેક્ટ થયેલું જણાય છે. જે 17મી મેના રોજ ગુજરાતના દરિયાકિનારે પહોંચે તેવી સંભાવના છે.

 


17મીએ સૌરાષ્ટ્ર, કચ્છ, દિવ અને ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ જયારે સૌરાષ્ટ્ર, કચ્છ અને દિવમાં અતિભારે વરસાદ થવાની સંભાવના છે. 17 અને 18મી મેના રોજ પોરબંદર, ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી, ભરૂચ, આણંદ, દક્ષિણ અમદાવાદ, બોટાદ, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા, મોરબી, જામનગર, રાજકોટ, દાદરાનગર હવેલી, વલસાડ, નવસારી અને ખેડામાં 70 થી 175 કિલોમીટરની ગતિએ પવન ફૂંકાય તેવા સંભાવના છે.

 


સંભવિત અસર થનાર જિલ્લાઓમાં જિલ્લાકક્ષાએ કંટ્રોલ રૂમ કાર્યરત કરીને સતત ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. સલામતિના પગલાંરૂપે નાગરિકોને સલામત સ્થળે ખસી જવા માટે સૂચનાઓ આપી દેવાઈ છે અને જરૂર જણાય ત્યાં કોવિડ પ્રોટોકોલ મુજબ સ્થળાંતરની કામગીરી શરૂ કરી દેવાઈ છે. આજે બપોર સુધીમાં દક્ષિણ અમદાવાદ, અમરેલી, આણંદ, કચ્છ, ભરૂચ, ભાવનગર, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, જામનગર, જુનાગઢ, રાજકોટ, મોરબી, નવસારી પોરબંદર, સુરત, વલસાડ અને બોટાદ મળી કુલ 17 જિલ્લામાં 15000થી વધુ નાગરિકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.

 


સ્થળાંતર માટે એનડીઆરએફની 20 ટીમ સૌરાષ્ટ્ર અને કચ્છ ખાતે, ચાર ટીમ દક્ષિણ ગુજરાતમાં અને વધારાની 15 ટીમ હવાઈ માર્ગે મંગાવાઈ છે. એટલુ જ નહીં પાંચ એનડીઆરએફની ટીમો રિઝર્વ રાખવામાં આવી છે એટલે કે એનડીઆરએફની 45 ટીમ રેસ્કયુ કામગીરી માટે ફાળવવામાં આવી છે. આ ઉપરાંત 6 એસડીઆરએફની ટીમો પણ ડિપ્લોય કરી દેવાઈ છે.

 


પંકજકુમારે કહ્યું હતું કે માછીમારોને પાંચ દિવસ માટે દરિયો ન ખેડવા માટે પણ સૂચના આપવામાં આવી છે અને મરીન પોલીસ તથા કોસ્ટગાર્ડને દરિયામાં રહેલ માછીમારોની બોટોને પરત બોલાવવા જરૂરી સૂચનાઓ આપી છે. અત્યાર સુધીમાં 1977 બોટ પરત આવી ગઈ છે. મીઠાના અગરિયાઓને પણ સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યાં છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS