જામનગરમાં ઓશવાળ કોલોનીને જોડતા મુખ્ય માર્ગની દુર્દશાથી લોકો ત્રાહીમામ
વાહનચાલકો અને રાહદારીઓને આવાગમનમાં ભારે હાલાકી, અકસ્માતનો ખતરો
ખોદકામ કર્યા બાદ માર્ગનું સમારકામ કરવામાં ન આવતા પારાવાર સમસ્યા, મનપાના મૌનથી ભારે રોષ
જામનગરમાં ઓશવાળ કોલોનીને જોડતા મુખ્ય માર્ગની દુર્દશાથી લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. વાહનચાલકો અને રાહદારીઓને આવાગમનમાં ભારે હાલાકી પડી રહી છે. આટલું જ નહીં અકસ્માતનો ખતરો પણ ઝંળુબી રહ્યો છે. ખોદકામ કર્યા બાદ માર્ગનું સમારકામ કરવામાં ન આવતા પારાવાર સમસ્યા હોવા છતાં મહાપાલીકા મૌન સેવતા લોકોમાં ભારે રોષની લાગણી ફેલાઇ છે.
જામનગરમાં એમ.પી.શાહ માર્ગ(સુમેર કલબ રોડ)થી ઓશવાળ કોલોનીને જોડતો મુખ્ય રસ્તો આવેલો છે. આ માર્ગ ઓશવાળ કોલોની, શંકરટેકરી ઉધોગનગર, રણજીતનગર, સહીતના વિસ્તારોને જોડતો જાહેર અને મહત્વનો માર્ગ છે. જેના કારણે આ માર્ગ ટ્રાફીકથી સતત ધમધમતો રહે છે. આ માર્ગનું ભૂગર્ભ ગટર ,પાણી કે અન્ય કોઇ કામગીરી સબબ ખોદકામ કરવામાં આવ્યું હતું. પરંતુ ખોદકામ કર્યા બાદ માર્ગનું યોગ્ય રીતે સમારકામ કરવામાં આવ્યું નથી. કારણ કે, સમારકામ કરવાને બદલે આ માર્ગ પર જયાં ખોદકામ કરાયું હતું ત્યાં કાંકરી પાથરી દેવામાં આવી છે. આથી આ માર્ગ પર આવાગમન કરતા વાહનચાલકો પર અકસ્માતનો ખતરો ઝંળુબી રહ્યો છે. કારણ કે, વાહનો સ્લીપ થવાના બનાવ સામાન્ય બન્યા છે. ત્યારે કોઇ જીવલેણ અકસ્માત થશે તો જવાબદારી કોની તે સવાલ ઉઠ્યો છે. છેલ્લાં ઘણાં દીવસોથી આ સમસ્યા હોવા છતાં મનપાનુ તંત્ર મૌન સેવતા વાહનચાલકો અને રાહદારીઓ તથા આ વિસ્તારમાં રહેતા લોકોમાં ભારે રોષની લાગણી ફેલાઇ છે. નવાઇની વાત તો એ છે કે, આ સમસ્યા અંગે મનપામાં રજૂઆત પણ કરવામાં આવી છે.પરંતુ આ રજૂઆતનો ઉલાળીયો કરવામાં આવ્યો હોય તેવી સ્થિતિ પ્રર્વતી રહી છે. કારણ કે, માર્ગનું સમારકામ કરવામાં આવ્યું નથી.