BREAKING NEWS

જામનગર: લાલપુરના રીજપર ગામે હાઇ વોલ્ટેજ વીજ ટાવરના કરંટથી મોરનું મોત

  • July 10, 2026 10:00 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર: લાલપુરના રીજપર ગામે હાઇ વોલ્ટેજ વીજ ટાવરના કરંટથી મોરનું મોત

૪થી ૫ ગંભીર ઈજાગ્રસ્ત: વહીવટી તંત્રની નોટિસ છતાં કંપની દ્વારા કોઇ  કામગીરી ન થતા ગ્રામજનોમાં ભારે રોષ

જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના રીજપર ગામમાંથી તંત્ર અને ખાનગી કંપનીની ઘોર બેદરકારીનો એક ગંભીર કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક રાષ્ટ્રીય પક્ષી મોરનો ભોગ લેવાયો છે. 

રીજપર ગામમાં આવેલ ખેડૂત પરબતભાઈ ભીખાભાઈ બૈડિયાવદરાના ખેતર પાસે ઓપેરા કંપનીના હાઈ વોલ્ટેજ વીજ ટ્રાન્સમિશન ટાવર આવેલા છે. આ ટાવરોના કારણે સ્થાનિક ખેડૂતોને ખેતીકામમાં ભારે મુશ્કેલીઓ પડી રહી છે અને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. 

આ અંગે અગાઉ પ્રાંત અધિકારીને લેખિત રજૂઆત પણ કરવામાં આવી હતી. ખેડૂતોની રજૂઆતને ધ્યાને લઈને પ્રાંત અધિકારી દ્વારા ઓપેરા કંપનીને આ ટાવર હટાવવા માટે કડક નોટિસ ફટકારવામાં આવી હતી. આમ છતાં, કંપની દ્વારા આજ દિન સુધી ટાવર હટાવવા અંગે કોઈ પણ પ્રકારની નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી.

કંપનીની આ આળસુ નીતિ અને વહીવટી તંત્રના ઢીલા વલણના કારણે હાલમાં જ એક અત્યંત કરૂણ ઘટના ઘટી છે. આ હાઈ વોલ્ટેજ ટ્રાન્સમિશન ટાવરમાંથી પસાર થતા ભારે વીજપ્રવાહના કારણે શોર્ટ લાગતા એક નિર્દોષ મોરનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું છે, જ્યારે અન્ય ૪ થી ૫ મોરને જોરદાર કરંટ લાગતા તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. આ ઘટનાની જાણ થતાં જ ગ્રામજનો અને પક્ષીપ્રેમીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને તાત્કાલિક વન વિભાગને જાણ કરી હતી. વન વિભાગની ટીમે તાબડતોબ ઘટનાસ્થળે પહોંચીને મૃતક મોરના પંચનામાની વિધિ કરી હતી તેમજ ગંભીર રીતે દાઝી ગયેલા અન્ય ઈજાગ્રસ્ત મોરોનું રેસ્ક્યુ કરીને તેમને તાત્કાલિક સારવાર અર્થે ખસેડ્યા હતા.

સરકારી નોટિસ મળ્યા બાદ પણ ઓપેરા કંપની દ્વારા ગુનાહિત બેદરકારી દાખવીને ટાવર ન હટાવાતા રાષ્ટ્રીય પક્ષીનો જીવ ગયો છે, જેને પગલે પક્ષીપ્રેમીઓ અને રીજપર ગામના લોકોમાં વ્યાપક આક્રોશ ફાટી નીકળ્યો છે. લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને મૂંગા પક્ષીઓના જીવ જોખમમાં મૂકનાર ઓપેરા કંપની સામે વહેલામાં વહેલી તકે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે તેમજ તાત્કાલિક ધોરણે આ જોખમી ટાવરો ત્યાંથી હટાવવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠી છે.

​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application