અમદાવાદમાં હોમ આઇસોલેશનમાં રહેલા દર્દીને રેમડેસિવિર ઇન્જેક્શન નહીં મળે

  • April 21, 2021 08:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બીજા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પણ આવો નિર્ણય લેવામાં આવે તેવી સંભાવના, સરકારી ઓફિસોમાં કોરોનાના ભયથી કર્મચારીઓની પાંખી હાજરીઅમદાવાદમાં હોમ આઇસોલેશનમાં રહેલા કોરોના દર્દીઓને રેમડેસિવિરના ઇન્જેક્શન આપવામાં નહીં આવે તેવો નિર્ણય અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને લીધો છે. આ ઇન્જેક્શનની અછત નિવારવા માટે લેવાયેલા આ નિર્ણયની જેમ રાજ્યના બીજા મ્યુનિસિપલ કોર્પોરેશન આ પ્રકારનો નિર્ણય લે તેવી સંભાવના છે. બીજી તરફ સરકારી ઓફિસો તેમજ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસમાં કોરોનાના ભયના કારણે કર્મચારીઓની પાંખી હાજરી જોવા મળી રહી છે.

 


અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર મુકેશકુમારે આવો નિર્ણય લેતાં હવે આ ઇન્જેક્શન હોસ્પિટલોમાં જ દર્દીઓને આપી શકાશે. જો કે આજે પણ પ્રાઇવેટ હોસ્પિટલોમાં રેમડેસિવિરના ઇન્જેક્શન મળતાં નથી. આ નિર્ણયના કારણે હોસ્પિટલમાં દર્દીઓનો ભરાવો થવાની દહેશત છે.

 


કોરોના સામે લડતી દવાઓની અછતના મુદ્દે અદાલતોએ સખ્ત વલણ લીધું છે તેમ છતાં સરકાર હસ્તકની આ સંસ્થાઓ મનસ્વી નિર્ણયો લઇ રહી છે. આજે અમદાવાદની જનતા પૂર્વ કમિશનર વિજય નહેરાને યાદ કરી રહી છે જેઓ ગયા વર્ષે માર્ચમાં જ્યારે કોરોના સંક્રમણ ફેલાયું ત્યારે અમદાવાદનો હવાલો સંભાળતા હતા પરંતુ તેઓ સ્પષ્ટ વક્તા હોવાથી સરકારે તેમનું સાઇડ પોસ્ટીંગ કરી નાંખ્યું હતું. આજે તો સરકાર હોસ્પિટલોમાં પણ દર્દીઓને રેમડેસિવિર ઇન્જેક્શન પહોંચાડી શકતી નથી.

 


80 ટકા દર્દીઓ કે જેઓ હોમ આઇસોલેશનમાં સારવાર લઇ રહ્યાં છે તેઓને હવે જરૂરિયાત પ્રમાણેના ઇન્જેક્શન નહીં મળતાં તેઓ હોસ્પિટલમાં દાખલ થવા માટે મજબૂર બનશે અને બેડની મુશ્કેલીઓ વધશે. જો કે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે કોર કમિટીની બેઠકમાં એવો નિર્ણય લીધો છે કે ખાનગી હોસ્પિટલો, ક્લિનિક અને નર્સિંગ હોમ પણ કોરોના દર્દીની સારવાર કરી શકશે, એટલે કે હોમ આઇસોલેશનમાં રહેલા દર્દીઓ તેમના પરિવારના ડોક્ટર કે ક્લિનિકમાં સારવાર લઇ શકશે.

 


અમદાવાદમાં હોમ આઇસોલેશનમાં રહેલા દર્દીઓને રેમડેસિવિરના ઇન્જેક્શન આપવામાં આવશે તેવા આહનાએ કરેલા નિર્ણયને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને રદ્દ કરી દીધો છે. આહના સંસ્થાને હવે ઇન્જેક્શન નહીં મળી શકે. આ સંસ્થાને કોર્પોરેશને માત્ર બે વખત 450 ઇન્જેક્શન આપ્યાં હતા પરંતુ ત્યારપછી તે બંધ કરી દેવામાં આવ્યા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS