અમારા દર્દીને દાખલ કરવા જ પડશે કહી તબીબને માર મારી ધમાલ મચાવી

  • April 27, 2021 02:55 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શહેરમાં એક તરફ કોરોના કેસ સતત વધી રહ્યા છે તો બીજી તરફ સરકારી હોસ્પિટલમાં નિદાન માટે કલાકો ઉભા રહેવું પડે છે અને ખાનગી હોસ્પિટલમાં પણ ભલામણના ધોધ વહાવા છતાં બેડ મળતા નથી આ સ્થિતિમાં હવે દર્દીઓના સગાના રોષનો ભોગ તબીબ અને હોસ્પિટલ સ્ટાફ બની રહ્યા છે, જે વાતની સાબિતી આપતી એક ઘટના રાજકોટમાં રાત્રીના બનવા પામી છે.

 

 

શહેરમાં બસ સ્ટેન્ડ પાછળ કનક રોડ પર આવેલી સત્કાર કોવિડ હોસ્પિટલમાં રાત્રિના દર્દીને દાખલ કરવા મામલે દર્દીના સગા સહિતનાઓએ ધમાલ મચાવી હતી. ડોક્ટરને ઢીકાપાટુનો મારમારી વચ્ચે પડેલા નર્સિંગ સ્ટાફ સાથે પણ મારકૂટ કરી બેફામ ગાળો ભાંડી હતી તેમજ તમામને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ મામલે સત્કાર હોસ્પિટલના ડોક્ટરની ફરિયાદ પરથી પોલીસે આર.આર હોટલવાળા દિવ્યરાજસિંહ ઝાલા તથા તેની સાથેના બે અજાણ્યા શખસો સામે એપેડેમીક ડીસીજ એકટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

 


બનાવની જાણવા મળતી વિગતો મુજબ શહેરના કાલાવડ રોડ પર પુષ્કરધામ મેઇન રોડ પાસે શિવધામ સોસાયટી શેરી નંબર 1 માં રહેતા ડોક્ટર અમરભાઈ જગદીશભાઈ કાનાબાર (ઉ.વ 29) દ્વારા એ.ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે દિવ્યરાજસિંહ ઝાલા તથા તેની સાથેના બે અજાણ્યા શખસોના નામ આપ્યા છે. ડોક્ટર અમરભાઈ કાનાબારે પોતાની ફરિયાદમાં જણાવ્યા મુજબ તેઓ બસ સ્ટેન્ડ પાછળ કનક રોડ પર આવેલી સત્કાર હોસ્પિટલ પોતાની ફરજ પર હતા. દરમિયાન રાત્રીના રિસેપ્શનમાં કર્મચારીઓ તેજસ ગોસ્વામી અને જયદિપ ડોડીયા બેઠા હતાં. તે વખતે જયદિપ્નો મને ફોન આવેલો અને કહેલું કે સાહેબ તમે નીચે આવો. આટલી વાત થઇ ત્યાં રિસેપ્શન પર આવેલા ત્રણ શખ્સો પૈકી એક શખ્સે જયદિપ પાસેથી ફોન લઇ કહેલું કે-’તું નીચે આવ, હું દિવ્યરાજસિંહ ઝાલા આર.આર. હોટેલવાળા બોલુ છું’. જેથી હું નીચે રિસેપ્શન પર આવતાં દિવ્યરાજસિંહે મને કહેલું કે અમારું પેશન્ટ લેવું પડશે. જેથી મેં તેને કહેલું કે સ્ટાફનો અભાવ છે, બેડની વ્યવસ્થા અને ઓકિસજનની લાઇનવાળો બેડ પણ અત્યારે ઉપલબ્ધ નથી.

 

 


જેથી દિવ્યરાજસિંહ અને તેની સાથેના 30 થી 35 વર્ષના બે શખ્સોએ મારી સાથે ગાળાગાળી શરૂ કરી હતી. મેં ગાળો બોલવાની ના પાડતાં દિવ્યરાજસિંહે ઉશ્કેરાઇ જઇ મને ઢીકાપાટુ મારવાનું ચાલુ કરી દીધું હતું. સ્ટાફના જયદિપ અને તેજસભાઇ તથા સન્નીસિંઘ જોગીન્દરસિંઘ એમ બધા મને બચાવવા વચ્ચે પડતાં આ ત્રણેયને પણ આ શખ્સોએ ઢીકાપાટુ માયર્િ હતાં. આ રીતે માથાકુટ કરી ત્રણેય હોસ્પિટલમાંથી બહાર નીકળી ગયા હતાં.

 

 


એ પછી ફરીથી ત્રણેય અમને મારવાના ઇરાદે જબરદસ્તીથી પાછા હોસ્પિટલમાં આવ્યા હતાં અને ’તમે કેમ અમારું પેશન્ટ અહિ દાખલ ન કરો?’ તેમ કહી બીજી વખત પણ ગાળો દઇ માર માર્યો હતો. જેથી હોસ્પિટલના બીજા ડોકટર હર્ષિલભાઇ કોટકે પોલીસ ક્ધટ્રોલ રૂમમાં ફોન કરતાં આ ત્રણેય જણા ’તમારે જ્યાં ફરિયાદ કરવી હોય ત્યાં કરી લ્યો’ તેમ કહી ફરીથી ગાળો બોલવા માંડ્યા હતાં અને ’અહિ કેમ હોસ્પિટલ ચાલુ રાખછો છો, તમને મારી નાંખીશ’ એવી ધમકી આપી હતી.

 

 


બનાવ અંગે પોલીસને જાણ કરતા એ.ડિવિઝન પોલીસ મથકના પી.એસ.આઇ જે.એમ ભટ્ટે તથા ટીમ તાકીદે અહીં દોડી આવી હતી. પરંતુ તે પૂર્વે આરોપીઓ નાસી ગયા હતા. બનાવ અંગે તબીબની ફરિયાદ પરથી પોલીસે દિવ્યરાજસિંહ ઝાલા તથા તેની સાથેના બે અજાણ્યા શખસો સામે આઈપીસીની કલમ 323,452,504, 506 (2), 114 તથા એપિડેમિક ડીસીઝ એકટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS