જામનગર: પડાણાની આઈસ ફેક્ટરીમાં વીજચોરી બદલ સંચાલકને પાવર ચોરી રકમનો ત્રણ ગણો દંડ
રૂ. ૫૭.૭૪ લાખનો માતબર દંડ ફટકારતી સ્પેશિયલ કોર્ટ: સરકારી વકીલની દલીલો માન્ય રાખતી કોર્ટ
ગુજરાતમાં વધતી જતી વીજચોરીના દૂષણને ડામવા માટે ન્યાયતંત્ર દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું છે. સિક્કા સબ ડિવિઝન હેઠળના પડાણા ગામમાં આવેલી એક આઈસ ફેક્ટરીમાં વર્ષ ૨૦૧૯માં પકડાયેલી પાવરચોરીના કેસમાં સ્પેશિયલ જજ વી. પી. અગ્રવાલે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. કોર્ટે આરોપી હીરાભાઈ માધાભાઈ મકવાણાને પાવરચોરીની રકમ કરતાં ત્રણ ગણો, એટલે કે કુલ રૂ. ૫૭,૭૪,૮૩૨/- નો દંડ ફટકાર્યો છે. જો આરોપી ૩૦ દિવસમાં આ રકમ ભરવામાં નિષ્ફળ જશે, તો તેમણે એક વર્ષની જેલની સજા ભોગવવી પડશે. સરકારી વકીલ રાજેશ કે. વસીયરની ધારદાર દલીલો અને રજૂ કરાયેલા પુરાવાઓને આધારે કોર્ટે સમાજમાં દાખલો બેસે તેવો આ આકરો હુકમ કર્યો છે.
ગત તા. ૦૪/૦૪/૨૦૧૯ ના રોજ ચેકીંગ અધિકારી કે. જી. પટેલ અને તેના સ્ટાફ ધ્વારા સીકકા સબ ડીવીઝન હેઠળ આવતાં પડાણા ગામમાં આઈસ ફેકટરીમાં હીરાભાઈ માધાભાઈ મકવાણાની હાજરીમાં વીજકનેકશન ચેક કરતાં તેઓ ધ્વારા તેઓ ધ્વારા ડાયરેકટ બીનઅધિકૃત રીતે પાવરચોરી કરતાં રંગે હાથે પકડાય ગયેલ જેથી ચેકીંગ અધિકારી ધ્વારા તપાસણી અહેવાલ તૈયાર કરવામાં આવેલ અને ત્યારબાદ મીટર રાજકોટ પી.જી.વી.સી.એલ. બેલમાં ચેક કરવા માટે મોકલતા મીટરની સીટી કોયલ ઓપન કરીને જોતા તે કપાયેલ હાલતમાં હોય અને ખરેખરનો વપરાશ મીટરમાં ઓછો નોંધાતો હોય તે રીતે પાવરચોરી પકડાયેલ હોય ત્યારબાદ ફરીયાદી ચીમનલાલ વિરજીભાઈ ભલાણી કે જેઓ સીકકા સબ ડીવીઝનમાં નાયબ ઈજનેર તરીકે ફરજ બજાવતા હતા.
આ કામના આરોપી હીરાભાઈ માધાભાઈ મકવાણા વિરૂધ્ધ જીયુવીએનએલ પો. સ્ટે. માં રૂ. ૧૯,૨૪,૯૪૪.૫૦/- ની વિજચોરી અંગે ઈન્ડીયન ઈલેકટ્રીસીટી એકટની કલમ - ૧૩૫ મુજબની ફરીયાદ દાખલ કરેલ ત્યારબાદ સ્પે. કોર્ટમાં કેસ ચાલવા ઉપર આવતા સરકાર દ્વારા કુલ - ૧૦ સાક્ષી અને ૪૪-દસ્તાવેજી પુરાવાઓ તપાસવામાં આવેલ હતા અને સરકાર તરફે વકીલ હાજર થઈ એવી દલીલ કરેલ કે આરોપીની હાજરીમાં વીજ ચેકીંગ કરવામાં આવેલ છે અને હાલ ગુજરાતમાં પાવરચોરીના કેસ વધતા જાય છે જેથી આવા કેસો અટકે માટે આરોપીને સમાજમાં દાખલો બેસે તેવી સજા કરવી જોઈએ એવી દલીલ કરતાં સરકારી વકીલની દલીલો ધ્યાને લઈ સ્પે. જજ વી. પી. અગ્રવાલ આરોપીને હીરાભાઈ માધાભાઈ મકવાણાને રૂ. ૫૭,૭૪,૮૩૨ એટલે કે પાવરચોરીની રકમ કરતા ત્રણ ગણો દંડ ફટકારેલ છે અને જો આરોપી દ્વારાા ૩૦ દિવસમાં દંડની રકમ જમા ન કરાવે તો તેને એક વર્ષની સજા ભોગવવાનો હુકમ કરેલ છે. આ કેસમાં સરકાર તરફે સરકારી વકીલ રાજેશ કે. વસીયર ઉપસ્થિત રહયાં હતા.