સુત્રાપાડાના વાવડી ગામે ૧.૮૦ લાખના બાયોડીઝલ સહિત ૩.૬૧ લાખનો મુદ્દામાલ કબજે

  • June 19, 2021 12:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સુત્રાપાડા તાલુકાના વાવડી ગામે મામલતદાર તથા પોલીસે સયુંકત રીતે કામગીરી હાથ ધરી રૂા.૧.૮૦ લાખની કિંમતનો ગેરકાયદેસર બાયો ડીઝલનો જથ્થો જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.પ્રાપ્ત માહિતી મુજબ મામલતદાર રાજુભાઇ સાજણભાઇ હુણએ વાવડી ગામે સીમ વિસ્તારમાં ગેરકાયદેસર બાયો ડીઝલનું વેચાણ થઇ રહેલ હોવાની મળેલ બાતમીના આધારે સ્ટાફ પેટ્રોલિંગ પણ નીકળેલ દરમ્યાન ગેરકાયદેસર અનઅધિકૃત રીતે શંકાસ્પદ બાયો ડીઝલનો જથ્થો  જણાતા પીઆઇ ચાવડા, મામલતદાર કચેરીના શક્તિસિંહ પરમાર, સર્કલ આફીસર સહિતનાએ રૂબરૂ સ્થળ તપાસણી કરતા બિનઅધિકૃત રીતે બાયોડીઝલ અંગેના પુરાવા મળેલ જેમાં ફ્યુઅલ સ્ટેશન, નોઝલ સાથેનુ બાયોડીઝલ તેમજ તેને લગતી સાધન સામગ્રી મળી કુલ રૂા.૩,૬૧,૬૦૦ નો મુદામાલ મળી આવેલ હતો. વાવડી ગામના સીમ વિસ્તારમાં દિનેશભાઇ હીરાભાઇ જાદવ ના કબ્જામાં રહેલ સાધન સામગ્રી સુરક્ષિત રાખવા તથા બાયો ડીઝલ સહિતનો જથ્થો સોંપેલ હતો જ્યારે સ્થળ ઉપર જમીન માલિકની કબૂલાતના આધારે બાયા ડીઝલના વેંચાણકર્તા ભાવેશભાઇ ભીમભાઇ જાખોત્રા રહે.

વાવડી તા.સુત્રાપાડા આધાર પુરાવા તરીકે કોઇ બીલ કે રજીસ્ટરો મળી આવ્યા ન હતા જેથી બાયો ડિઝલ જથ્થો ત્રણ હજાર લીટર પ્રતિ લીટર ૬૦ રૂપિયા લેખે કુલ કિ.રૂા.૧.૮૦ લાખ તથા બાયો ડીઝલ, સાધન સામગ્રી અદાજીત રૂા.૧,૮૧,૭૭૦ મળી કુલ રૂા.૩,૬૧,૬૦૦ નો મુદામાલ જપ્ત કરી ધોરણસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.અત્રે નોંધનીય છે કે, છેલ્લા થોડા સમયથી ગીર સોમનાથ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં તંત્રની મીઠી નજર હેઠળ બેરોકટોક ગેરકાયદેસર રીતે બાયોડીઝલનું વેંચાણ થઇ રહેલ છે. છેલ્લા થોડા સમયમાં જિલ્લાના વેરાવળ - સુત્રાપાડા પંથકમાં ત્રણેક દરોડા પાડી ગેરકાયદેસર બાયો ડીઝલ વેંચાણનો પર્દાફાશ કર્યો છે જેમાં એક વખત તો સ્થાનીક તંત્રને અંધારામાં રાખી ગાંધીનગરની ટીમે દરોડો પાડી મોટા જથ્થા સાથે મુદામાલ જપ્ત કર્યો હતો. આટલી કાર્યવાહી થઇ રહી હોવા છતાં બાયોડીઝલનું ગેરકાયદેસર વેંચાણ બેરોકટોક થઇ રહ્યું છે જેમાં ક્યાંક ને ક્યાંક તંત્રની મિલીભગત હોવાનું જોરશોરથી ચર્ચાય રહ્યું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application