ધ્રોલના ત્રિકોણબાગ પાસે ધોળા દિવસે ફાયરિંગ, એકનું મોત

  • March 06, 2020 02:11 PM 11772 views

  • સ્વિફટ કારમાં ધસી આવેલાં શખસોએ ત્રિકોણ બાગ નજીક પેટ્રોલ પંપ પાસે ચારથી પાંચ રાઉન્ડ ફાયરીંગ કરતાં મૂળ મજોઠના દિવ્યરાજસિંહનું મોત

 

આજે ભરબપોેરે ધ્રોલના ત્રિકોણ બાગ નજીક સ્વિફટ કારમાં આવેલાં અજાણ્યા શખસોએ મૂળ મજોઠ ગામના રેત માફિયા તરીકે કૂખ્યાત દિવ્યરાજસિંહ જાડેજા નામના યુવાન ઉપર સરાજાહેર ધડાધડ ફાયરીંગ કરતાં ગંભીર હાલતમાં જામનગરની જીજી હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ટૂંકી સારવાર બાદ દિવ્યરાજસિંહનું મોત નીપજ્યું હતું. નોંધનિય છે કે, એકા’દ વર્ષ પૂર્વે સોયલ નજીક હત્યાના બનાવમાં જેલમાં રહેલ દિવ્યરાજસિંહ જાડેજા હમણાં જ જેલ બહાર આવ્યો હતો અને અજાણ્યા હત્યારાઓએ આજે મોકો જોઈ ફાયરીંગ કરી રેત માફિયાને મોતને ઘાટ ઊતારી દીધો હતો.


જાણવા મળતી વિગતો મુબ આજે 12:30ના સમયગાળામાં ધ્રોલના ત્રિકોણ બાગ નજીક આવેલાં પેટ્રોલ પંપ પાસે વ્હાઈટ સ્વિફટ કારમાં ધસી આવેલાં અજાણ્યા હુમલાખોરોએ મૂળ મજોઠ ગામના અને હાલ ધ્રોલ ગાયત્રીનગરમાં રહેતાં દિવ્યરાજસિંહ જાડેજા (ઉ.વ.30) ઉપર ધડાધડ ચારથી પાંચ રાઉન્ડ ફાયરીંગ કર્યા હતાં અને આ ગોળીઓ દિવ્યરાજસિંહના ગળા, પડખા, પેટ તથા સાથળના ભાગમાં ખૂંપી ગઈ હતી. ધ્રોલમાં સરાજાહેર ફાયરીંગની ઘટના બનતાં લોકોના ટોળેટોળાં એકત્રિત થઈ ગયાં હતાં અને થોડીવાર માટે હાઈ-વે ઉપર પણ  ટ્રાફિક જામ થઈ ગયો હતો.


બીજી તરફ ગંભીર હાલતમાં દિવ્યરાજસિંહ જાડેજાને જામનગરની જીજી હોસ્પિટલમાં ખસેડાયો હતો જ્યાં ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું. ઉલ્લેખનિય છે કે, મૃતક દિવ્યરાજસિંહ જાડેજા વિરૂદ્ધ પોલીસમાં અનેક ગુના નોંધાયા છે. જેમાં એક મર્ડર, બે જીવલેણ હુમલા, એક ફાયરીંગ, એક રાયોટીંગ તેમજ અન્ય ગુનાઓની સાથે મજોઠ પંથકમાં વ્યાપક પ્રમાણમાં રેતી નીકળતી હોય રેતી ઉપાડવા મામલે પણ અનેક માથાકૂટો થઈ હોવાનું સૂત્રો જણાવી રહ્યાં છે અને આ હત્યાના બનાવ પાછળ પણ રેતીનો ડખ્ખો કારણભૂત હોવાનું મનાઈ રહ્યું છે. તાજા ભૂતકાળમાં જ મૃતક દિવ્યરાજસિંહે ધ્રોલ પીએસઆઈ સાથે પણ માથાકૂટ કરી હોવાનું જાણવા મળે છે.