રાજકોટમાં ધ્રોલના એડવોકેટ પર હુમલો: પગ ભાંગી નાંખ્યો

  • March 23, 2021 01:31 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટમાં રામાપીર ચોકડી પાસે આવેલા શાસ્ત્રીનગરમાં ધ્રોલના એડવોકેટ યુવાનને ત્રણ શખસોએ લોખંડના સળીયા વડે બેફામ મારમારી તેના પગે ફ્રેક્ચર કરી દીધું હતું. સામાપક્ષે અપરિણીત એડવોકેટ સામે પરણીતાએ છેડતીની ફરિયાદ નોંધાવી છે. જેમાં આક્ષેપ કર્યો હતો કે, એડવોકેટ બે દિવસથી તેનો પીછો કરતો હોય અને બીભત્સ ચેનચાળા કરતો હતો. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


મારમારીના આ બનાવ અંગે ધ્રોલમાં ચાર ચોક ચંદનવાસમાં રહેતા અને વકીલાતની પ્રેક્ટિસ કરનાર અપરણિત યુવાન હેમંત ઘેલજીભાઈ ચાવડા(ઉ.વ ૩૦)દ્વારા યુનિવર્સિટી પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે પ્રકાશ ભગવાનજીભાઈ પરમાર, માધવ મૂળજીભાઈ પરમાર અને પિયુષ દામજીભાઈ કંટેશીયાના નામ આપ્યા છે. યુવાને પોતાની ફરિયાદમાં જણાવ્યા મુજબ તે ગઈકાલ ધ્રોલથી ઈકો ગાડીમાં બેસીને રાજકોટ માધાપર ચોકડીએ ઉતર્યો હતો અને તેને રાજકોટ મારા મામાના ઘરે કામ હોય જેથી અહિ આવ્યો હતો અને માધાપર ચોકડીથી રિક્ષામાં બેસીને રામાપિર ચોકડીએ ઉતર્યો હતો અને ત્યાં તેના મામા અરજણભાઈ ચનાભાઈ પરમારને મળ્યો હતો અને તેની પાસેથી બાઈક લઈને યાદવ પાન પાસે ફાકી ખાવા ગયો હતો.બાદમાં શાસ્ત્રી નગર આકાશ ડેરી પાસે હતો ત્યારે ત્યા તેને અગાઉ ધ્રોલમાં જેની સાથે ઝઘડો થયો હતો તે પ્રકાશ ભગવાનજીભાઈ પરમાર અને માધવજી મુલજી ભાઈ પરમાર અને તેના સગા પિયુષ દામજી ભાઈ કંટેશિયા ત્રણેય અહીં હાજર હોય જે યુવાનને જોઈ જતા તેને રોકી પિયુષ ગાળો દેવા લાગ્યો હતો. જેથી ના પાડતા આ પિયુષ એકદમ ઉશ્કેરાય જઈને તેની પાસે રહેલ એક લોખંડના સળિયા વતી મને ઘા મારતા ડાબા પગે ગોઠણથી નિચે વાગી જતા ગંભિર ઈજા થયેલ અને પ્રકાશ તથા માધવજી પણ લોખંડના સળિયા લઈ આવી મારતા જમણા પગે ઈજા થઇ હતી.
બાદમાં આ શખસો ચાલ્યા ગયા હતા.યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવતા તેમને ડાબા પગે ફ્રેક્ચર થયું હોવાનું નિદાન થયું હતું. યુવાને પોતાની ફરિયાદમાં વધુમાં જણાવ્યું છે કે,બનવાનું કારણ એ છે કે તેને અગાઉ ધ્રોલમાં રહેતી યુવતી સાથે પ્રેમ સંબંધ હોય જે બાબતનો ખાર રાખી તેના યુવતીના ભાઈ અને તેના પતિ સહિતનાએ મારમાર્યો હતો.વકીલ યુવાનની ફરિયાદ પરથી યુનિવર્સિટી પોલીસે ત્રણેય આરોપીઓ સામે આઈપીસીની કલમ ૩૨૫,૩૨૩,૫૦૪,૧૧૪,જીપીએક્ટ કલમ ૧૩૫ અને એટ્રોસીટી એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે.


સામાપક્ષે ૩૦ વર્ષીય પરિણીતા દ્વારા યુનિવર્સિટી પોલીસ મથકમાં કરવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે એડવોકેટ હેમંત ઘેલજીભાઈ ચાવડાનું નામ આપ્યું છે. પરણીતાએ પોતાની ફરિયાદમાં જણાવ્યા મુજબ તે જામનગર પતિ સાથે રહે છે તેણી રાજકોટમાં શાસ્ત્રીનગર પાસે તેના મોટા ભાઈના ઘરે આવી હતી દરમિયાન આરોપી હેમંત બે દિવસથી તેના ઘર પાસેથી પસાર થઈ દૂર ઊભો રહી આંખો મારતો હોય તેમજ ચેનચાળા કરતો હોય અને પરણિતાને કહેતો હતો કે ચાલ મારી સાથે ચાલતી થઈ જા નહિતર તારા પતિ તથા ભાઈને જાનથી મારી નાખીશ.


પરિણીતાએ પોતાની ફરિયાદમાં વધુમાં જણાવ્યું હતું કે, દોઢેક વર્ષ પૂર્વે તે તેના માવતરના ઘરે હતી ત્યારે હેમંત સાથે ફોનમાં વાતચીત કરવાનો વ્યવહાર હતો પરંતુ તેણીના લગ્ન થઈ ગયા બાદ તેણે ક્યારેય ફોન કર્યો ન હોય અને કોઈ સંબંધ ન હોય છતાં હેમંત વારંવાર પીછો કરતો હતો. દરમિયાન ગઇકાલે તેણે પીછો કરતા તે સમયે તેણીના પતિ તથા ભાઈ આવી જતા તેણે આ શખસને અટકાવ્યો હતો અને બાદમાં મારકૂટ પણ થઈ હતી. બનાવ અંગે પરિણીતાની ફરિયાદ પરથી પોલીસે એડવોકેટ હેમંત ચાવડા સામે આઈપીસીની કલમ ૩૫૪ ક,ઘ અને ૫૦૬( ૨) મુજબ ગુનો નોંધ્યો છે. આ અંગે વધુ તપાસ પી.એસ.આઇ બી.જી ડાંગર ચલાવી રહ્યા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS