સોમાના પૂર્વ પ્રમુખ સમીર શાહ અને તેની ટીમ દ્વારા બંધારણ તૈયાર
સૌરાષ્ટ્ર-ગુજરાતના ઓઇલ મિલરોના પ્રશ્નોને વાચા આપવા માટે ગુજરાત રાજ્ય ખાદ્યતેલ તેલીબિયા વ્યવસાયિક સંગઠન નામનું નવું સંગઠન રચવાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે છેલ્લા કેટલાક સમયથી આ અંગેની તૈયારીઓ ચાલતી હતી અને તાજેતરમાં બંધારણ તૈયાર કરી દેવામાં આવ્યું છે. ઓઇલ મિલરોના નવા સંગઠનની રચનાની મુખ્ય ભૂમિકામાં સૌરાષ્ટ્ર ઓઇલ મિલ્સ એસોસિયેશન (સોમા)ના પૂર્વ પ્રમુખ સમીર શાહ અને તેની ટીમ હોવાનું બહાર આવ્યું છે.
નવા સંગઠનમાં એક પ્રમુખ, બે ઉપપ્રમુખ રાખવામાં આવશે જેમાંથી એક ઉપપ્રમુખ સીંગદાણા એકમમાંથી અને બીજા ઉપપ્રમુખ મીલ તથા સોલવન્ટ રિફાઇનરી એકમમાંથી લેવામાં આવશે. આ ઉપરાંત માનદમંત્રી માનદ સહમંત્રી અને ખજાનચી તથા કારોબારી સમિતિની વ્યવસ્થા પણ નવા સંગઠન માળખામાં રાખવામાં આવશે. દરેક કેટેગરીમાં સભ્યપદ રૂપિયા 100 રાખવામાં આવેલ છે પરંતુ લવાજમ ફી રૂપિયા 1000 થી રૂપિયા 2000 રાખવામાં આવી છે. બંધારણને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું નથી પરંતુ એ જાહેર કરાયું છે અને જો કોઈ એમાં સૂચનો કરવા માગતા હોય તો તે આવકાર્ય હોવાનું જણાવાયું છે.