હવે મનપા પ્રાઈવેટ હોસ્પિટલે શબવાહિનીઓ નહીં મોકલે

  • April 23, 2021 03:25 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ શહેરમાં કોરોનાએ કાળો કહેર વર્તાવતા હવે શબવાહિનીઓ ખૂટી પડવા લાગી છે. સામાન્ય દિવસોમાં તો માંડ ૨થી ૪ શબવાહિનીઓનો નિયમિત ઉપયોગ કરવાનો થતો હોય છે તેમ છતાં મહાપાલિકા પાસે ૧૩ શબવાહિનીઓ ઉપલબ્ધ છે પરંતુ હાલમાં ૧૩ પણ ઓછી પડતા આજરોજ મેયર ડો.પ્રદીપભાઈ ડવે ફાયરબ્રિગેડ વિભાગ, આરોગ્ય વિભાગ સહિતના વિભાગોની તાકિદની બેઠક બોલાવી હતી અને શબવાહિનીઓની સ્થિતિની સમીક્ષા કરી યાં આગળ અવસાન થયું હોય ત્યાં સમયસર શબવાહિની પહોંચે તે જોવા માટે કડક તાકિદ કરી હતી તેમજ બેઠકના અંતે એવો નિર્ણય લેવાયો હતો કે કોઈપણ ખાનગી હોસ્પિટલમાં યારે કોઈ મૃત્યુ થાય ત્યારે તે મૃતદેહને ઘર કે સ્મશાન સુધી પહોંચાડવાની જવાબદારી જે તે પ્રાઈવેટ હોસ્પિટલની જ રહેશે ત્યાં આગળ મહાપાલિકાની શબવાહિની મોકલવાની રહેશે નહીં.

 

 


વિશેષમાં મેયર ડો.પ્રદીપભાઈ ડવે જણાવ્યું હતું કે, હાલમાં સેંકડો દર્દીઓ હોમ આઈસોલેશન હેઠળ સારવાર મેળવી રહ્યા છે ત્યારે હોમ આઈસોલેશનમાં મૃત્યુ પામનાર દર્દીઓ તેમજ સિવિલ હોસ્પિટલમાં મૃત્યુ પામનાર દર્દીઓના મૃતદેહને લઈ જવાને જ મહાપાલિકાની શબવાહિનીઓએ ટોપ પ્રાયોરિટી આપવાની રહેશે. આ ઉપરાંત કોરોના સિવાયના કારણોસર જો કોઈપણ વ્યકિતનું તેમના ઘરે મૃત્યુ થયું હોય તો તેમને સ્મશાન સુધી પહોંચાડવાની જવાબદારી મહાપાલિકાની શબવાહિનીની રહેશે. તેમણે ઉમેર્યું હતું કે, હાલમાં મહાપાલિકા પાસે ૧૩ શબવાહિની ઉપલબ્ધ છે તેમાંથી એક શબવાહિની સિવિલ હોસ્પિટલ ખાતે રાખવામાં આવી છે. યારે અન્ય ૧૨ શબવાહિનીઓ શહેરભરમાં સેવા માટે કાર્યરત હોય છે. આગામી દિવસોમાં વધુ શબવાહિનીઓ સ્ટેન્ડબાય રાખવા સૂચના અપાઈ છે. તાત્કાલીક અસરથી કોઈ ખરીદી કરવામાં નહીં આવે પરંતુ પાંચ શબવાહિનીઓ ભાડેથી મેળવીને દોડાવાશે અને આ માટે ડ્રાઈવર પણ એજન્સી પાસેથી મેળવાશે. શકય હોય ત્યાં સુધી મોટી શબવાહિનીઓ ઉપલબ્ધ થાય તો ઠીક છે નહીં તો ઈકો કારમાં હંગામી ધોરણે શબવાહિની બનાવીને સેવામાં મુકાશે.

 

 

હોસ્પિટલો ઘર કે સ્મશાન સુધી મૃતદેહ મુકવા નહીં આવે તો પરિવારની હાલત કફોડી થશે
શબવાહિનીઓ ઓછી પડતા આજે મેયર ડો.પ્રદીપભાઈ ડવે જે નિર્ણય લીધો છે તે સારો છે પરંતુ જો પ્રાઈવેટ હોસ્પિટલો મહાપાલિકાના આ નિર્ણયને નહીં અનુસરે તો મૃતકના પરિવારજનોની હાલત માઠી થઈ જશે તે નકકી છે. જેઓ હોસ્પિટલો મૃતદેહને ઘર કે સ્મશાન સુધી નહીં જાય તો પરિવારજનોએ નાછૂટકે ખાનગી વાહન ભાડે મેળવવા પડશે અને તેમાં મૃતદેહો લઈ જવા પડશે અથવા તો પ્રાઈવેટ હોસ્પિટલો સામાન્ય દિવસોમાં પણ જે રીતે ચાર્જ વસુલે છે તે રીતે રૂા.૫૦૦થી ૧૦૦૦નો ચાર્જ પડાવવાનું શરૂ કરશે તેવી પુરી ભીતિ છે. આ વ્યવસ્થાનું મોનિટરિંગ થાય તે માટે તેમજ જો કોઈ સમસ્યા સર્જાય તો કોનો સંપર્ક કરવો તે માટે સંબંધિત અધિકારી કે વિભાગના ટેલિફોનીક નંબર જાહેર કરવામાં આવે તે જરૂરી છે.

 

 

હે રામ સહિતના ધૂન–ભજન મૃતકના ઘર પાસે પહોંચ્યા પછી જ વગાડવા શબવાહિનીના ડ્રાઈવરોને આદેશ
મહાપાલિકાની શબવાહિનીઓ દિવસભર શહેરમાં દોડતી રહે છે અને મૃતદેહ લેવા જતી હોય કે મુકવા જતી હોય 'હે રામ' સહિતના ધૂન–ભજન સતત સ્પીકરમાં વગાડવાનું ચાલુ રાખે છે જેના લીધે શહેરમાં એક ખોફનો માહોલ ઉભો થઈ રહ્યો છે. દિવસભર શબવાહિનીઓ નીકળતી રહેતી હોય નબળા હૃદયના માણસો તે જોઈને જ ડરી જાય છે. આવી ફરિયાદો મળતા મેયર ડો.પ્રદીપભાઈ ડવે ફાયરબ્રિગેડ વિભાગને એવી સૂચના આપી છે કે યારે કોઈપણ મૃતદેહ લેવા જતા હોય ત્યારે મૃતકના ઘર પાસે પહોંચ્યા પછી જ ધૂન–ભજનનું સ્પીકર ચાલુ કરવાનું રહેશે અને જો કોઈ કિસ્સામાં મૃતદેહને લઈને જતા હોય ત્યારે રસ્તામાં ટ્રાફિક હોય કે સિલ પર શબવાહિની ફસાઈ હોય તેવા સંજોગોમાં સ્પીકર ચાલુ કરી શકાશે. વિના કારણે અથવા ફાયરબ્રિગેડ સ્ટેશનથી ઉપડે ત્યાંથી મૃતકના ઘર સુધી પહોંચે ત્યાં સુધી ધૂન–ભજન વગાડવાના રહેશે નહીં અને મૃતદેહ લીધા બાદ સ્મશાને જતી વેળાએ પણ વગાડવાના રહેશે નહીં. જરૂર પડે તો ધીમા અવાજે વગાડી શકાશે. લોકો ભયભીત થઈ જાય તેવી સ્થિતિનું નિર્માણ ન થાય તે માટે કડક તાકિદ કરાઈ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS