શહેરમાં કોરોનાની એન્ટ્રીથી લઈ આજ સુધી સંક્રમણ મુક્ત રહેતું અંધજન કલ્યાણ મંડળ, સંસ્થાના એક પણ સભ્યને નથી થયો કોરોના

  • July 17, 2021 02:56 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટમાં ગત માર્ચ માસમાં કોરોનાની મહામારી શરૂ થઈ હતી. જે પછી સમગ્ર દેશમાં સજ્જડ લોકડાઉન અમલી બન્યું હતું. પરંતુ ધીરે ધીરે નિયંત્રણો હળવા બનતાં કોરોનાની બીજી લહેર શરૂ થઈ હતી અને જેમાં મોટા ભાગના પરિવારના કોઈને કોઈ સંક્રમિત બન્યા હતા. જો કે આ કહેર વચ્ચે પણ શહેરની કાન્તા સ્ત્રી વિકાસ ગૃહ શાળા નજીક આવેલ અંધજન કલ્યાણ મંડળમાં અત્યાર સુધીમાં કોરોનાનો ઝીરો કેસ નોંધાયો છે. 65 જેટલાં સભ્યો હોવા છતાં તમામ ગાઈડલાઈનનો ચુસ્તતાથી પાલન કરવામાં આવતાં સમગ્ર સંસ્થા કોરોનાથી મુક્ત રહી શકી હતી.

 

અંધજન કલ્યાણ મંડળમાં આશ્રય લેતાં મોટા ભાગના સભ્યો કોઈને કોઈ નોકરી કરીને રોજગારી મેળવતાં સભ્યો છે ત્યારે સંક્રમણનો ભય વધી જતો હોય છે. તેમ છતાં સંપૂર્ણ તકેદારીને પગલે અહીં કોરોનાના ઝીરો કેસ નોંધાયા છે. આ અંગે વાત કરતાં સંસ્થાના કલાર્ક જયદિપ પારેખે જણાવ્યું હતું કે, કોરોનાની શરૂઆત સાથે લાગુ પડેલાં પ્રથમ લોકડાઉન વખતે અહીં આશ્રય લેતાં જે સભ્યોને પોતાનો પરિવાર છે તેમને ઘરે મોકલી દીધા હતાં. પરંતુ અન્ય રાજ્યના સભ્ય પાસે અહીં રહેવા સિવાય અન્ય કોઈ વિકલ્પ ન હતો. આ સમયે અમે થર્મલ ગન, સેનેટાઈઝર, ઓક્સીમીટર વસાવી લીધું હતું અને તેનો યોગ્ય રીતે ઉપયોગ કરતાં હતાં.

 

અગાઉ એક રૂમમાં 8 સભ્યોને આશ્રય આપતાં પરંતુ પછી સાવચેતીના ભાગરૂપે એક રૂમમાં 3 જ સભ્યોને રાખવામાં આવ્યા હતા. બહારથી આવતી કોઈ પણ વસ્તુ કે કુરિયરને સેનેટાઈઝ કરીને જ રિસીવ કરતાં, તો શાકભાજીને ધોઈને ઉપયોગમાં લેતાં હતાં. તમામ સભ્યોની રોગપ્રતિકારક શક્તિ વધે તેવું જ ભોજન આપવામાં આવતું હતું અને દિવસમાં બે વખત ઉકાળો આપવામાં આવતો હતો. સંસ્થામાં 10 જેટલાં સભ્યોની ઉંમર 60 વર્ષ કરતાં વધુ છે. એટલું નહીં 2 વખત સંસ્થામાં કોરોના રેપિડ ટેસ્ટ કેમ્પ રાખવામાં આવ્યો હતો તો તમામને કોરોનાની વેક્સિનના પ્રથમ ડોઝથી સુરક્ષિત કરવામાં આવ્યાં છે. અનેક સભ્યોએ બીજો ડોઝ પણ લઈ લીધો છે તો બાકીના સભ્યોને ટૂંક સમયમાં બીજો ડોઝ આપવામાં આવશે.

 

અત્રે ઉલ્લેખનીય છે કે કોરોનાની બીજી લહેરમાં શહેરની અનેક સંસ્થાઓમાં કોરોનાના નોંધપાત્ર કેસ નોંધાયા હતા ત્યારે આવી પરિસ્થિતિમાં કોરોનાના ઝીરો કેસ નોંધાવા એ એક સિધ્ધિથી કમ નથી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS