"અંબાણીની સુરક્ષા ગમે તેટલી કડક હોય અમારો એક સ્નાઇપર જીવ લઇ લેશે", 4 દિવસમાં ત્રીજી ધમકી, 400 કરોડની કરી માંગ

  • October 31, 2023 12:03 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


'પોલીસ પણ મને નહી પકડી શકે', મુંબઈ પોલીસે માંગી બેલ્જીયમ પોલીસની મદદ



એશિયાના સૌથી ધનિક વ્યક્તિ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણીને એક અઠવાડિયામાં ત્રીજી વખત જાનથી મારી નાખવાની ધમકી મળી છે. આ વખતે ધમકી આપનારએ ૪૦૦ કરોડની ખંડણી માંગી છે. આ પહેલા પણ શનિવારે ધમકી આપનાર વ્યક્તિએ ૨૦ કરોડ રૂપિયા માંગ્યા હતા અને બીજા દિવસે તેને વધારીને ૨૦૦ કરોડ રૂપિયાની માંગ કરી હતી. આ વખતે મેલ પર ધમકી આપનાર વ્યક્તિએ ૪૦૦ કરોડ રૂપિયાની માંગણી સાથે એમ પણ લખ્યું, "તમે અમારી વાત ન સાંભળી, હવે રકમ 400 કરોડ થઈ ગઈ છે, તમારી સુરક્ષા ગમે તેટલી કડક હોય, અમારો એક સ્નાઈપર પૂરતો છે." આ ઈમેલ પણ એ જ એડ્રેસ પરથી આવ્યો છે જેમાંથી અગાઉના બે ઈમેલ આવ્યા હતા.


મુંબઈ પોલીસ હજુ પણ ઈન્ટરનેટ પ્રોટોકોલ એટલે કે બે જૂના ઈમેલના આઈપી એડ્રેસ શોધવાનો પ્રયાસ કરી રહી છે. પોલીસે ઈન્ટરપોલ દ્વારા આ ઈમેલની વિગતોની ચકાસણી કરવા માટે બેલ્જિયમની વર્ચ્યુઅલ પ્રાઈવેટ નેટવર્ક કંપની પાસેથી મદદ માંગી છે. આ મેઇલ shadabkhan@mailfence.com પરથી મોકલવામાં આવ્યા છે. ટેકનિકલ નિષ્ણાતોના મતે આ આપી એડ્રેસ બેલ્જિયમનું છે. પરંતુ પોલીસને શંકા છે કે ધમકી આપનાર વ્યક્તિ અન્ય કોઈ દેશમાં છે અને પોલીસને ગેરમાર્ગે દોરવા માટે બેલ્જિયમના વર્ચ્યુઅલ પ્રાઈવેટ નેટવર્કનો ઉપયોગ કરી રહી છે.


છેલ્લા બે ઈમેલ પછી સોમવારે મોકલવામાં આવેલા ત્રીજા ઈમેલમાં ધમકી આપનાર વ્યક્તિએ લખ્યું છે કે, 'હવે અમે અમારી માંગ વધારીને ૪૦૦ કરોડ રૂપિયા કરી દીધી છે. જો પોલીસ મને શોધી ન શકે તો તેઓ મારી ધરપકડ નહીં કરી શકે.' રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના સિક્યોરિટી ઈન્ચાર્જે ગયા શુક્રવારે આ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પ્રથમ મેલમાં ૨૦ કરોડ રૂપિયાની ખંડણી માંગવામાં આવી હતી. શનિવારે બીજા મેલમાં તેને વધારીને ૨૦૦ કરોડ રૂપિયા કરવામાં આવી હતી. ક્રાઈમ બ્રાન્ચ અને મહારાષ્ટ્રની સાયબર ક્રાઈમ સેલ સંયુક્ત રીતે આ મામલાની તપાસ કરી રહી છે. પોલીસનું કહેવું છે કે પહેલી નજરે એવું લાગે છે કે આ ઈમેલ એડ્રેસ માત્ર ધમકી આપવા માટે બનાવવામાં આવ્યું છે.



અનેકવાર અંબાણી પરિવારને અપાઈ છે ધમકી


આ પહેલીવાર નથી જ્યારે મુકેશ અંબાણી અથવા તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી મળી હોય. ગયા વર્ષે ૫ ઓક્ટોબરે એક વ્યક્તિએ રિલાયન્સ ફાઉન્ડેશનની હોસ્પિટલમાં ફોન કરીને અંબાણી પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. હોસ્પિટલને બોમ્બથી ઉડાવી દેવાની પણ ચર્ચા હતી. જો કે, બીજા જ દિવસે તે વ્યક્તિની બિહારમાંથી ધરપકડ કરવામાં આવી હતી અને તેની ઓળખ રાકેશ કુમાર શર્મા તરીકે થઈ હતી. થોડા વર્ષો પહેલા મુકેશ અંબાણીના ઘર એન્ટિલિયાની બહાર વિસ્ફોટકોથી ભરેલું વાહન પણ મળ્યું હતું. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application