ખંભાળિયામાં નવનિયુક્ત પાલિકા પ્રમુખએ ચાર્જ સંભાળતા જ એક્શન મોડમાં
પાલિકા પ્રમુખના પ્રયાસોથી બે દિવસમાં નગરજનોને શુઘ્ધ પાણી મળ્યું
ખંભાળિયા શહેરમાં છેલ્લા ઘણા સમયથી નગરપાલિકા દ્વારા વિતરણ કરવામાં આવતું પીવાનું પાણી ડહોળું, પીળાશ પડતું અને દુર્ગંધયુક્ત આવતું હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી હતી. આ ગંદા પાણીના કારણે શહેરમાં રોગચાળો અને પાણીજન્ય બીમારીઓ ખૂબ જ વધી ગઈ હોવાની બૂમરાણ મચી હતી, અને આ મામલે છેક ગાંધીનગર સી.એમ. કાર્યાલય સુધી લોકફરિયાદો પહોંચી હતી. આ ગંભીર જળ સમસ્યાને ધ્યાને લઈને નગરપાલિકાના નવનિયુક્ત પ્રમુખ વિજયભાઈ નારણભાઈ કણઝારીયાએ પોતાનો ચાર્જ સંભાળતાની સાથે જ ગણતરીના કલાકોમાં વહીવટી તંત્રને દોડતું કરી દીધું છે અને દૂષિત પાણીના વિતરણ મુદ્દે એક્શન પ્લાન તૈયાર કર્યો છે.
શહેરના આ સળગતા પ્રશ્નના કાયમી નિરાકરણ માટે નવનિયુક્ત પ્રમુખ દ્વારા નગરપાલિકાના સભ્યો, વોટરપાર્ક શાખાના ઈજનેર, વોટર વર્ક્સ વિભાગના પંપ ઓપરેટરો અને સુપરવાઈઝરો સાથે એક ખાસ તાકીદની બેઠક બોલાવવામાં આવી હતી. આટલું જ નહીં, પાણી પુરવઠાની લાઈનોથી સંપૂર્ણ વાકેફ એવા નગરપાલિકાના જૂના અને નિવૃત્ત વાલ્વમેનો, હાલના ઈજનેર તેમજ અગાઉ પાણી પુરવઠા વિભાગમાં ફરજ બજાવી ગયેલા એન.આર. નંદાણીયા અને રાજુભાઈ વ્યાસ સહિતના અનુભવી સ્ટાફને પણ આ બેઠકમાં ખાસ બોલાવવામાં આવ્યા હતા.
બેઠકમાં પ્રમુખે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે જે કર્મચારી કે અધિકારીના વિસ્તારમાં ગંદુ પાણી આવશે, તેના માટે તેમની જવાબદારી ફિક્સ કરવામાં આવશે. જો સગવડો આપવા છતાં પણ ગંદુ પાણી વિતરણ થશે તો જવાબદાર અધિકારી કે કર્મચારી સામે કડક પગલાં લેવામાં આવશે.
બેઠક દરમિયાન વિગતવાર ચર્ચામાં સામે આવ્યું હતું કે, હાલમાં શહેરને પીવાનું પાણી પૂરું પાડતા ઘી ડેમમાંથી જે સપ્લાય થાય છે તે પાણી ખૂબ જ ડહોળું છે. આથી પ્રમુખે ડેમમાંથી સપ્લાય થતા પાણીમાં યોગ્ય રીતે ક્લોરીનેશન કરવા, જરૂર જણાયે ક્લોરીનેશનનું પ્રમાણ વધારવા તેમજ તાત્કાલિક ફિલ્ટર પ્લાન્ટની સફાઈ કરવા માટે જરૂરી સૂચનાઓ આપી હતી. આ ઉપરાંત પાણીની મુખ્ય લાઈનોમાં ગટરના પાણી ભળી જવાની વિગતો પણ બહાર આવતા, ભવિષ્યમાં આવું ન થાય તે માટે કડક સૂચનાઓ અપાઈ છે અને જ્યાં પણ ખુલ્લા નળ જોડાણો હોય તેને સત્વરે બંધ કરવા તાકીદ કરવામાં આવી છે.
શહેરીજનોને નિયમિત અને શુદ્ધ પીવાનું પાણી મળી રહે તે માટે વિજયભાઈ કણઝારીયાએ ગુજરાત પાણી પુરવઠા બોર્ડના ઉચ્ચ અધિકારીઓ સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. હાલમાં ખંભાળિયાને નર્મદાની લાઈન મારફતે દરરોજ ૩ એમએલડી પાણી મળે છે, જેમાં વધુ ૩ એમએલડીનો વધારો કરી દૈનિક ૬ એમએલડી પાણી આપવા માટેની રજૂઆત કરવામાં આવી છે. ખંભાળિયા શહેરનો વ્યાપ વધતા હાલ દૈનિક જરૂરિયાત અંદાજિત ૯ થી ૧૦ એમએલડીની છે, જેની સામે ઘી ડેમમાં આશરે ૮ ફૂટ જેટલું પાણી સંગ્રહિત છે. શહેરીજનોને ચોખ્ખું પાણી આપવા માટે નર્મદાના નીર લેવાઈ રહ્યા છે અને આગામી દિવસોમાં નગરપાલિકાને રોજનું ૬ એમએલડી નર્મદાનું પાણી મળતું થઈ જશે. પાલિકા પ્રમુખે નગરજનોને અપીલ કરી છે કે પાણી અંગેની કોઈ પણ સમસ્યા હોય તો સીધો નગરપાલિકા કચેરીનો સંપર્ક કરવો.
પાણીની સમસ્યાની સાથે સાથે શહેરમાં સફાઈ અને સ્વચ્છતા અભિયાન અંગે પણ એક મહત્વની બેઠક યોજવામાં આવી હતી, જેમાં ચીફ ઓફિસર રાહુલ કરમુર પણ જોડાયા હતા. ખંભાળિયા પાલિકામાં રાજ્યમાં સૌથી વધુ રોજમદાર સફાઈ કામદારો હોવા છતાં પણ શહેરમાં ગંદકી અને કચરાના ઢગલા ખડકાયેલા રહેતા હોવાની તેમજ સફાઈમાં બેદરકારી દાખવવામાં આવતી હોવાની વ્યાપક ફરિયાદો ઉઠતી રહે છે. આ બાબતને ગંભીરતાથી લઈને પાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર તેમજ અન્ય સ્ટાફ અને અધિકારીઓની બેઠક યોજીને તાકીદે સફાઈ રાખવા તથા કચરાના ઢગલા ન થાય તે સુનિશ્ચિત કરવા આદેશ અપાયા છે. સફાઈ બાબતે પણ બેદરકારી દાખવનારાઓ સામે કડક પગલાં લેવાની ચીમકી આપવામાં આવી છે. આમ, નવા પ્રમુખે ચાર્જ લેતાની સાથે જ પાણી અને સફાઈ જેવા પ્રાણપ્રશ્નોના ઉકેલ માટે કડક વલણ અપનાવ્યું છે.
ખંભાળીયા શહેરમાં એક મહિનાથી ચાલી રહેલો ગંદા પાણીનો પ્રશ્ર્ન આખરે ઉકેલાય ગયો છે, શહેરના લોકોને હવે શુઘ્ધ પાણી મળવાનું શરૂ થઇ ગયું છે, જેનાથી સ્થાનિકોને મોટી રાહત મળી છે, પાલિકાના નવા પ્રમુખ વિજયભાઇ કણઝારીયા પદભાર સંભાળ્યા બાદ પ્રશ્ર્ન હલ કરવા તાત્કાલિક પગલા લીધા હતા અને માત્ર બે દિવસમાં જ આ સમસ્યાનો અંત આવ્યો છે, પાણી પૂરવઠા તંત્ર દ્વારા ગંદા પાણીની સમસ્યા ઘ્યાનમાં રાખીને નર્મદાના પાણીનો જથ્થો ૩ એમએલડીથી વધારીને ૬ એમએલડી કરવામાં આવ્યો, ઉપરાંત શહેરમાં પાણીની પાઇપલાઇનમાં ૩ મુખ્ય લીકેજ બંધ કરવામાં આવ્યા હતા, જેના કારણે પાણીનો બગાડ અટકયો અને શુઘ્ધ પાણીનો પૂરવઠો સુનિશ્ર્ચિત થયો.