રાજકોટના નવનિયુક્ત મદદનીશ પોલીસ કમિશનરના પિતાની પાવડાના ઘા મારી કરપીણ હત્યા

  • July 12, 2021 03:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વડોદરાના ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અને તાજેતરમાં જ પ્રમોશન મેળવી રાજકોટ ખાતે મદદનીશ પોલીસ કમિશનર તરીકે બદલી પામેલા રાજેશ બારીઆના પિતાની રુપિયાની લેતી-દેતીમાં તેમના વતનમાં ઘાતકી હત્યા કરાઈ છે. ચોંકાવનારી વાત એ છે કે, મર્ડર કર્યા બાદ હત્યાને અકસ્માતમાં ખપાવવા માટે આરોપીઓએ મૃતદેહને પુલ પરથી ટુ વ્હીલર સાથે જ ફંગોળી દીધો હતો. જોકે, પોલીસે આરોપીઓની આ કરતૂતને ઓળખી લઈ ગણતરીના કલાકોમાં જ તમામની ધરપકડ કરી લીધી હતી. બારીઆના પિતાની હત્યા થઈ તેના બીજા જ દિવસે તેમને એ.સી.પીના પ્રમોશન સાથે રાજકોટ ટ્રાન્સફર કરાયા હતા.

 

પીઆઈના પિતા શનાભાઈ બારીઆએ પોતાના ગામમાં રહેતા એક વ્યક્તિને રુપિયા ઉછીના આપ્યા હતા. જોકે, કોરોનાને કારણે ધંધો ઠપ્પ થઈ જતાં રુપિયા ઉધાર લેનારો વ્યક્તિ તેની ભરપાઈ નહોતો કરી શક્યો. બીજી તરફ, શનાભાઈએ રુપિયાની ઉઘરાણી સતત ચાલુ રાખીને તેની સાથે ઝઘડો કર્યો હતો. તેમણે આ વ્યવહારમાં વચ્ચે રહેલા શખસ સાથે પણ ઝઘડો કરી ગમે તેમ કરીને પોતાના રુપિયા પાછા અપાવવા માટે કહ્યું હતું.

 

શનાભાઈ સતત રુપિયાની ઉઘરાણી કરતા હોવાથી આખરે રુપિયા ઉછીના લેનાર અને અપાવનારે તેમની હત્યાનું કાવતરું ઘડ્યું હતું. જેના ભાગરુપે ચારેય આરોપીઓએ શનાભાઈને ઘેરી લઈ તેમના પર પાવડાથી હુમલો કર્યો હતો. પાવડાના ઘા ઝીંકીને શનાભાઈની હત્યા કર્યા બાદ તેને અકસ્માતમાં ખપાવવા માટે શનાભાઈના મૃતદેહને એક્ટિવા સાથે જ ગામની નજીકના પુલ પરથી ફંગોળી દેવામાં આવ્યો હતો.

 

પોલીસને શનાભાઈનો મૃતદેહ મળ્યો ત્યારે તેના પર માથામાં તેમજ ખભા પર ગંભીર ઈજાના નિશાન હતા. જેને જોતા જ લાગતું હતું કે તેમનું મર્ડર થયું છે. પોલીસે આ મામલે કાર્યાહી હાથ ધરીને 1. અલ્તાફ ઘોરી, સદ્દામ હસૈન ઘોરી, રમીઝખાન યાકુબ હુસૈન, અશફાક ઘોરી (તમામ રહે. ઝાડેશ્વર, જિ. નર્મદા)ની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આરોપીમાંથી બેની ઉંમર તો માંડ 18-20 વર્ષની જ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS