નાસાના સૂર્ય યાનની ગતિ રાઈફલની બુલેટ કરતા 200 ગણી વધુ, પાર્કર સોલર પ્રોબે બનાવ્યો નવો રેકોર્ડ

  • October 14, 2023 10:44 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વીજળીની ગતિ કરતાં બમણી ઝડપ, એક કલાકમાં અવકાશયાનની સ્પીડ ૬ લાખ ૬૪ હજાર કિમીથી વધુ થઈ



નાસાનું સૂર્ય યાન મનુષ્ય દ્વારા બનાવવામાં આવેલ સૌથી ઝડપી ગતિશીલ પદાર્થ બની ગયું છે. નાસાના પાર્કર સોલર પ્રોબે ગયા મહિને ૬ લાખ ૬૪ હજાર ૮૪ કિમી પ્રતિ કલાકની રેકોર્ડ ઝડપ હાંસલ કરી હતી, જે વીજળીની ગતિ કરતાં બમણી અથવા રાઈફલની બુલેટ કરતાં ૨૦૦ ગણી વધુ ઝડપી છે. આ ઝડપ ૨૭ સપ્ટેમ્બરે તેના ૧૭મા સોલાર સ્વિંગ દરમિયાન હાંસલ કરવામાં આવી હતી.


જોન્સ હોપકિન્સ એપ્લાઇડ ફિઝિક્સ લેબોરેટરીના માઈકલ બકલીએ નાસાના બ્લોગ પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે અવકાશયાનની સ્થિતિ સારી છે. તમામ સિસ્ટમ સામાન્ય રીતે કામ કરી રહી છે. લગભગ એક ડઝન ભૌતિકશાસ્ત્રીઓ, ઇજનેરો અને સહાયક સ્ટાફની એક ટીમ ૨૦૧૮ માં નાસા મિશનની શરૂઆતથી તેનું સંચાલન કરી રહી છે. આ અવકાશયાન બનાવવા માટે ૧.૫ અબજ ડોલરનો ખર્ચ થયો હતો. વીજળીની ઝડપ કરતાં વધુ ઝડપે આગળ વધતું યાન ટેલિમેટ્રી ડેટા મોકલી રહ્યું છે.


નાસાનું પાર્કર સોલર પ્રોબ તેના મિશનના અંત સુધીમાં તેના પહેલાના કોઈપણ અવકાશયાન કરતાં સૂર્યની સાત ગણી નજીક પહોચશે. આ અવકાશયાન ૧૨ ઓગસ્ટ ૨૦૧૮ના રોજ લોન્ચ કરવામાં આવ્યું હતું. તે સૂર્યના બાહ્ય વાતાવરણની નજીક ઉડશે, જેથી તારાના જીવનનો અભ્યાસ કરી શકાય. વૈજ્ઞાનિકોનું માનવું છે કે આનાથી સૌર જ્વાળાઓને વધુ સારી રીતે સમજવામાં મદદ મળશે.



ગુરુત્વાકર્ષણની મદદથી મળી રહી છે હાઈ સ્પીડ


શુક્રના ગુરુત્વાકર્ષણની મદદથી અત્યાર સુધીની આ સૌથી વધુ ગતિ પ્રાપ્ત થઈ છે. શુક્ર સૂર્યથી અંદાજે ૧૦૮૨૦૮૯૨૭ કિમીના અંતરે છે. પાર્કર સ્પેસક્રાફ્ટે ૨૧ ઓગસ્ટના રોજ 'વિનસ ફ્લાયબાય-૬' પૂર્ણ કર્યું, જેનો અર્થ છે કે તેણે એક મહિનામાં ૧૦૦ મિલિયન કિમીની મુસાફરી કવર કરી છે. એપ્રિલ ૨૦૨૧માં, પાર્કર સોલર પ્રોબ સૂર્યના ઉપરના વાતાવરણમાંથી પસાર થયો. પછી તેને ૧૩૦૦ ડિગ્રી સેલ્સિયસ તાપમાન અને પૃથ્વી કરતાં ૫૦૦ ગણા વધુ રેડિયેશનનો સામનો કરવો પડ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application