મ્યુનિ.અધિકારીઓએ કોરોના સારવાર ખર્ચ માગતા સ્ટેન્ડિંગમાં તડાફડી

  • June 04, 2021 04:41 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાનગરપાલિકામાં આજે બપોરે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં એજન્ડામાં રહેલી કુલ ૫૩ દરખાસ્તોમાંથી ૧૮થી વધુ દરખાસ્તો મહાપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓને કોરોના થતા તેના સારવાર ખર્ચ ચૂકવવાની મુકાઈ હતી. અલબત્ત આ તમામ દરખાસ્તો મંજૂર કરી દેવાઈ હતી પરંતુ વર્ગ–૧ના અમુક અધિકારીઓ પાસે મેડિકલેઈમ હોવા છતાં મહાપાલિકામાંથી પણ તેઓ સહાય મેળવતા હોવાના આક્ષેપો થતા ખળભળાટ મચી ગયો હતો.

 

 

વિશેષમાં સૂત્રોમાંથી જાણવા મળતી વિગતો અનુસાર સ્ટેન્ડિંગ કમિટીની બેઠક અંતર્ગત વોર્ડ નં.૨ના ભાજપના કોર્પેારેટર અને આરોગ્ય કમિટીના પૂર્વ ચેરમેન જયમીન ઠાકરે આરોગ્ય સહાય પેટે ચૂકવાતી રકમની દરખાસ્ત મામલે એવો મુદ્દો ઉઠાવ્યો હતો કે, વર્ગ–૧ના અધિકારીઓ અને ઈજનેરો આર્થિક રીતે સક્ષમ હોય છે તદ ઉપરાંત તેમની પાસે મેડિકલેઈમનું સુરક્ષા કવચ પણ હોય છે છતા તેઓ મહાપાલિકામાંથી મળતી આર્થિક સહાય લેવાનું ચૂકતા નથી. અમુક અધિકારીઓ અને ઈજનેરો વર્ગ–૧માં સમાવિષ્ટ્ર હોવા છતાં તેઓ તબીબી સહાય પેટે મળતી રકમ અચૂક મેળવી લે છે, આવું ન થવું જોઈએ. જયમીન ઠાકરે આ મુદ્દો રજૂ કર્યા બાદ સ્ટેન્ડિંગ કમિટીના અન્ય સભ્યો પણ ચર્ચામાં જોડાઈ ગયા હતા અને ભવિષ્યમાં આ પ્રકારની દરખાસ્તો આવે ત્યારે તેની વિશેષ ચકાસણી કરવી તેવા નિષ્કર્ષ પર આવ્યા હતા.

 


અત્રે ઉલ્લેખનીય છે કે, ભૂતકાળમાં તત્કાલીન સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ડો.જયમન ઉપાધ્યાયએ પણ મહાપાલિકાના સમગ્ર સ્ટાફનો ગ્રુપ ઈન્સ્યોરન્સ કે મેડિકલેઈમ લેવાનો મુદ્દો રજૂ કર્યેા હતો પરંતુ આ મામલો ફકત ચર્ચામાં જ રહ્યો હતો. આઠ દિવસ સુધી કયારેય તમામ કર્મચારીઓનો ગ્રુપ ઈન્સ્યોરન્સ કે ગ્રુપ મેડિકલેઈમ લેવાની દિશામાં કોઈ કાર્યવાહી કરાઈ નથી. આજે તબીબી સહાય ચૂકવવા પેટેની ૧૮ જેટલી દરખાસ્તો મુકાઈ હતી અને કુલ રૂા.૨૦ લાખ ૪૮ હજારની રકમ કોરોનાની સારવાર પેટે થયેલા ખર્ચ અંગે કર્મચારીઓને ચૂકવવામાં આવી હતી.

 


આજે સ્ટેન્ડિંગ કમિટીમાં તબીબી સારવારની આર્થિક સહાય ચૂકવવાની ૧૮ જેટલી દરખાસ્તો રજૂ થઈ હતી જેમાં વર્ગ–૧ના બે અધિકારીઓ પાર્ક ડાયરેકટર ડો.કે.ડી. હાપલિયા અને ડેપ્યુટી કમિશનર સી.કે. નંદાણીને કોરોનાની સારવાર પેટે થયેલા ખર્ચની રકમ ચૂકવવામાં આવી હતી.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS