કોરોના પછી હવે ગુજરાતમાં મ્યૂકર માઇકોસિસને મહામારી જાહેર કરવામાં આવે તેવી સંભાવના

  • May 20, 2021 11:05 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હરિયાણા અને રાજસ્થાને તો મહામારી જાહેર કરી દીધી, દિલ્હીએ દવાઓ બજારમાં વેચવા પર પ્રતિબંધ મૂક્યો, ગુજરાતમાં દવાઓની અછતનો મોટો પ્રશ્ન



કોરોના મહામારી પછી હવે ગુજરાતમાં પણ મ્યૂકર માઇકોસિસને એપેડેમિક એટલે કે મહામારી તરીકે જાહેર કરવામાં આવે તેવી સંભાવના છે. આ રોગને મહામારી જાહેર કરનારા દેશના બે રાજ્યો હરિયાણા અને રાજસ્થાને ગંભીરતા જોઇને આ પગલું ભર્યું છે, જેના પગલે ગુજરાતમાં પણ આ રોગને મહામારી તરીકે જાહેર કરવામાં આ શકે છે.

 


મ્યૂકર માઇકોસિસની દવાઓ કે જેની ગુજરાતમાં અછત છે. સંગ્રહાખોરી અને કાળાબજારી થતી હોવાની શંકા છે તેથી આ રોગની દવાઓના વેચાણ પર નિયંત્રણ આવે તેવી પણ શક્યતા જોવાઇ રહી છે. દિલ્હીની સરકારે આ રોગની દવાઓને ઓપ્ન બજારમાં વેચવા પર કડક પ્રતિબંધ મૂકી દીધો છે અને માત્ર જરૂરતમંદ દર્દીને હોસ્પિટલમાંથી સીધી આપવામાં આવે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

 


ગુજરાતમાં કોરોનાથી સાજા થઇ રહેલા દર્દીઓ મ્યૂકર માઇકોસિસનો શિકાર બની રહ્યાં છે. દવાના અભાવે દર્દીઓ વધુ ક્રિટીકલ સ્થિતિમાં પણ આવી ગયા છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આ રોગના 447 જેટલી દર્દીઓ છે. તેમના માટેના ઇન્જેક્શનની અછત વતર્ઇિ રહી છે. સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડો. જેવી મોદીએ કહ્યું હતું કે જૂની સિવિલમાં 370 જેટલા દર્દીઓ સારવાર લઇ રહ્યાં છે જેમાં ગઇકાલે 20 દર્દીઓ સાજા થતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

 


આ રોગની સારવારમાં વપરાતાં એમ્ફોટેરિસિન-બી ઇન્જેક્શન હાલ બજારમાં ઉપલબ્ધ નથી જેના કારણે દર્દીઓને સિવિલમાં ફરજીયાત દાખલ થવું પડે છે. હરિયાણા અને રાજસ્થાન સરકારે આ રોગને મહામારી તરીકે જાહેર કરી છે તેથી દરેક કેસ અને મૃત્યુઆંકની નોંધ લેવામાં આવશે જે ગુજરાતમાં અત્યારે લેવામાં આવતી નથી. એક અંદાજ પ્રમાણે ગુજરાતમાં મ્યૂકર માઇકોસિસના 600થી વધુ કેસો હોવાનું અનુમાન છે પરંતુ સરકાર સત્તાવાર આંકડો જાહેર કરતી નથી.

 


આ મહામારી રાજસ્થાન, દિલ્હી, મધ્યપ્રદેશ, હરિયાણા, મહારાષ્ટ્ર સહિતના ઉત્તર ભારતના રાજ્યોમાં ફેલાઇ રહી છે. રાજસ્થાનમાં તો 100 જેટલા કેસ સામે આવ્યા છે તેમ છતાં તે રોગને મહામારી તરીકે જાહેર કરવામાં આવ્યો છે જેની સરખામણીએ ગુજરાતમાં છ ગણા કેસ છે છતાં હજી સુધી આ રોગને મહામારી તરીકે જાહેર કરવામાં આવ્યો નથી પરંતુ આરોગ્યના સૂત્રો કહી રહ્યાં છે કે સરકાર આ દિશામાં વિચારણા કરી રહી છે. ડોક્ટરો અને ઉચ્ચ અધિકારીઓનો અભિપ્રાય લઇને જાહેરાત કરે તેમ મનાય છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS