રાજ્યમાં દરવર્ષે કેન્સરના નવા કેસ સામે 54%થી વધુ દર્દીઓનાં મોત

  • August 04, 2021 02:46 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતમાં ૭૦ વર્ષથી દારૃબંધી છે. ચાર વર્ષ અગાઉ ગુજરાત સરકારે નશાબંધીના કાયદો વધુ કડક કર્યો છે. જો કે, એ ચારમાંથી ત્રણ વર્ષથી દરવર્ષે રાજ્યમાં કેન્સરના નવા નોંધાતા કેસની સામે ૫૪ ટકાથી વધુ દર્દીઓના મૃત્યુ થઈ રહ્યા છે. ગુજરાતની આવતીકાલ માટે અત્યંત ચિંતાજનક હકિકતનો ચિતાર ભારત સરકારના સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે જાહેર કર્યો છે.

 

ભારતમાં જે રાજ્યોમાં દારૃબંધી નથી, છૂટથી દારૃ મળે અને પિરસાય છે તેના કરતા પણ ગુજરાતમાં કેન્સરની ખરાબ સ્થિતિ છે. સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના અહેવાલ મુજબ વર્ષ ૨૦૧૮થી ૨૦૨૦ સુધીના ત્રણ વર્ષમાં ગુજરાતમાં કેન્સરના ૨,૦૩,૫૭૦ નવા કેસ નોંધાયા હતા. જેમાંથી ૧,૧૧,૯૩૩ના મોત થયા છે. જે નવા કેસોના પ્રમાણમાં ૫૪.૯૮ ટકા થવા જાય છે.

 

કેન્સરની ભયાવહ અને અત્યંત ખર્ચાળ બીમારીમાં ચાલુ વર્ષે ૨૦૨૧માં જ અત્યાર સુધીના ૬-૭ મહિનામાં જ ૭૧,૫૦૭ નવા કેસ નોંધાયા છે. માર્ચ- ૨૦૨૦ પછી કોવિડ-૧૯ની વૈશ્વિક મહામારી વચ્ચે પણ ગુજરાતમાં કેન્સરના કેસ ઝડપથી ડિટેક્ટ થયા છે. કારણ કે, વર્ષ ૨૦૧૯માં અગાઉના વર્ષ કરતા ગુજરાતમાં ૧,૭૭૨ કેસ વધ્યા હતા. વર્ષ ૨૦૨૦માં ૧,૮૧૯ અને ૨૦૨૧ના ૬ મહિનામાં ૧,૮૪૭ કેસ વધ્યા છે.

 

આથી, નવા કેસ ડિટેક્ટ થવાની સાથે કેન્સરગ્રસ્ત દર્દીઓ ઉપર કોરોનાનું જોખમ વધતા મૃત્યુના પ્રમાણમાં ઉછોળો નોંધાયો છે. અત્રે ઉલ્લેખ કરવો અનિવાર્ય છે કે, ભારતમાં કેન્સરના દર્દીઓની સંખ્યાની દૃષ્ટિએ ગુજરાત ૧૦મા ક્રમે છે.

 

તમાકુના વ્યસન તેમજ બદલાયેલી આહારશૈલીને કારણે ગુજરાતમાં સૌથી વધુ મોંઢાના કેન્સરના દર્દીઓ છે. અમદાવાદ સિવિલના રિસર્ચ અહેવાલ મુજબ કેન્સરથી પિડાતા ૧૦૦ પુરુષો દર્દીઓમાં ૨૨ને મોંઢાના ભાગે કેન્સર હોય છે. જ્યારે જીભના કેન્સરના દર્દીઓની સંખ્યા ૧૧ ટકા આસપાસ રહે છે.

 

મહિલાઓમાં સ્તન કેન્સરનું પ્રમાણ ઊંચું છે. ૨૧.૫ ટકાને સ્તન અને ૧૪.૨૩ ટકાને ગર્ભાશયમાં કેન્સર હોય છે. મહિલાઓમાં મોંઢાના કેન્સરનું પ્રમાણ આઠ ટકા અને જીભના કેન્સરનું પ્રમાણ પાંચ ટકા આસપાસ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS