કાલાવડ રોડ-કેનાલ રોડ પર વધુ કેસ: 15થી 90 વર્ષ સુધીના ઝપટે

  • April 06, 2021 02:35 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કાલાવડ રોડ પર એપાર્ટમેન્ટ વિસ્તારો, વોર્ડ નં.14મા કેનાલ રોડ પર લક્ષ્મીવાડી, ગુંદાવાડી, કેવડાવાડી, જયરાજ પ્લોટ, વર્ધમાનનગર, પ્રહલાદ પ્લોટ, કરણપરા, વાણિયાવાડી, રામનાથપરા સહિતના વિસ્તારોમાં ફરી વધુ કેસ મળવા લાગ્યા: જ્યાં નહિવત કેસ હતા તેવા ઉપલાકાંઠે પણ સંક્રમણ પ્રસર્યું

 


રાજકોટ શહેરમાં કોરોનાનો ત્રીજો રાઉન્ડ ચાલી રહ્યો છે જેમાં વધુ ઝડપથી વાયરસનું સંક્રમણ પ્રસરી રહ્યાનું પ્રાથમિક ચિત્ર ઉપસી રહ્યું છે. છેલ્લા એક સપ્તાહ દરમિયાનમાં મળેલા કેસોને ધ્યાને લઈને વિશ્ર્લેષણ કરાય તો કાલાવડ રોડ અને કેનાલ રોડ વિસ્તાર પર સૌથી વધુ કેસ મળ્યા છે. જ્યારે આ બન્ને માર્ગોની તુલનામાં કેનાલ રોડ પર વધુ કેસ છે. કાલાવડ રોડ અને અમિન માર્ગ વિસ્તાર પર હાઈરાઈઝ બિલ્ડિંગ અને એપાર્ટમેન્ટ વિસ્તારોમાં કેસનું પ્રમાણ વધ્યું છે. જ્યારે કેનાલ રોડ પર લક્ષ્મીવાડી, ગુંદાવાડી, કેવડાવાડી, જયરાજ પ્લોટ, વર્ધમાનનગર, પ્રહલાદ પ્લોટ, કરણપરા તેમજ વાણિયાવાડી સહિતના વિસ્તારોમાં કોરોનાનું સંક્રમણ ભયજનક હદે પ્રસરી ગયું છે. હાલ સુધી જ્યાં ખુબ જ ઓછા કેસ મળતા હતા તેવા ઉપલાકાંઠા વિસ્તારમાં પણ હવે ધડાધડ પોઝિટિવ કેસ મળવા લાગ્યા છે. આ તમામ વિસ્તારોમાં મળેલા કોરોનાના પોઝિટિવ કેસનું કોઈ ચોકકસ વયજૂથ નથી પરંતુ 15 વર્ષથી લઈને 90 વર્ષ સુધીના આબાલ વૃધ્ધ સૌ કોઈ ઝપટે ચડી રહ્યા છે.

 


વિશેષમાં મહાપાલિકાની આરોગ્ય શાખાના ગ્રાઉન્ડ ઝીરો પર ફિલ્ડવર્ક કરતાં સ્ટાફના સૂત્રોના જણાવ્યા મુજબ કાલાવડ રોડ અને અમિન માર્ગ પર કોરોના વાયરસનું સંક્રમણ હાઈરાઈઝ બિલ્ડિંગના વિસ્તારોમાં વધુ જોવા મળી રહ્યું છે. આ બન્ને રાજમાર્ગો પર એપાર્ટમેન્ટની સંખ્યા શહેરના અન્ય વિસ્તારોની સરખામણીએ અનેકગણી વધુ હોય આ વિસ્તારોમાં સંક્રમણ ઝડપથી પ્રસરી રહ્યું છે. ન્યુ રાજકોટમાં વેસ્ટ ઝોન હેઠળના વોર્ડ નં.8 અને 10મા અગાઉની સરખામણીએ ઝડપભેર કેસ વધવા લાગ્યા છે.  સૂત્રોએ ઉમેર્યું હતું કે, વોર્ડ નં.14માં કેનાલ રોડ પર તો ગત માર્ચ મહિનામાં કોરોના આવ્યો ત્યારથી જ કોરોનાના લગાતાર કેસ મળી રહ્યા છે. માર્ચ-2020માં પ્રથમ રાઉન્ડ, ડિસેમ્બર-2020મા બીજો રાઉન્ડ અને હાલ માર્ચ-એપ્રિલ 2021માં ત્રીજા રાઉન્ડ વખતે પણ કેનાલ રોડ પર સંક્રમણ વધવા લાગ્યું છે. કેનાલ રોડનો ભાગ્યે જ કોઈ એવો વિસ્તાર બાકી છે કે જ્યાં કોરોના વાયરસનું સંક્રમણ જોવા મળ્યું ન હોય. લક્ષ્મીવાડી આરોગ્ય કેન્દ્રમાં ટેસ્ટ કરાવવા માટે સતત નાગરિકોનો ધસારો જોવા મળી રહ્યો છે. વોર્ડ નં.14ને લાગુ હોય તેવા વોર્ડ નં.7ના વિસ્તારો જેમાં રામનાથપરા, કરણપરા વિગેરેમાં પણ કેસ મળવા લાગ્યા છે.

 


સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, ગત સપ્તાહમાં બે-ત્રણ દિવસ એવા રહ્યા હતા કે તેમાં 20થી 40 વર્ષ સુધીની યુવાવય જૂથના નાગરિકો વધુ સંક્રમિત થયા હતા પરંતુ ગત સમગ્ર સપ્તાહનો અહેવાલ જોતા સમગ્ર શહેરમાં હાલ 15 વર્ષની વયથી લઈને 90 વર્ષની વય સુધીના નાગરિકો સંક્રમિત થઈ ગયા છે.

 


બિન સત્તાવાર વર્તુળોમાંથી જાણવા મળતી વિગતો મુજબ તાજેતરમાં જે નાગરિકોના કોરોનાથી મૃત્યુ થયા છે તેમાં ત્રણ નાગરિકો 40 વર્ષથી નીચેની વયના યુવાનો છે.


આરોગ્ય શાખાની લાખેણી સલાહ: પરિવારના વડિલો-બાળકોથી મહેરબાની કરીને દૂર રહો
આરોગ્ય શાખાના સ્ટાફના વર્તુળોએ શહેરીજનોને લાખેણી સલાહ આપતાં જાહેર અપીલ કરી છે કે હાલમાં કોરોના વાયરસનું સંક્રમણ ખુબ ઝડપથી પ્રસરી રહ્યું હોય, ઘરની બહાર અવરજવર કરતા હોય તેવા પરિવારના યુવાન સભ્યોએ તેમના પરિવારના વડિલો અને નાના બાળકોથી શકય હોય તેટલું દૂર રહેવા પ્રયાસ કરવો જોઈએ. અમુક પરિવારોમાં સભ્યો વડિલોના ચરણસ્પર્શ કરીને ઘર બહાર નીકળતા હોય છે પરંતુ આ વાતાવરણમાં ચરણ સ્પર્શ કરવાનું ટાળવું જોઈએ અને શકય તેટલું દૂર રહેવું જોઈએ. તદ્ ઉપરાંત ઘરે પહોંચ્યા પછી બાળકોને ઉંચકવાનું કે તેની સાથે રમવાનું પણ ટાળવું જોઈએ.માસ્ક પહેરો, સોશિયલ ડિસ્ટન્સ જાળવો અને હાથ ધોતા રહો તો જ કોરોનાથી બચશો
રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખાના વર્તુળોએ શહેરીજનોને જાહેર અપીલ કરતાં જણાવ્યું છે કે, કોઈપણ સંજોગોમાં ચહેરા પરથી માસ્ક નીચે ઉતારવું ન જોઈએ. પરિવારના સભ્યો હોય કે બહારના લોકો તમામથી 3 ફૂટનું સોશિયલ ડિસ્ટન્સ રાખવું અને સમયાંતરે સતત સાબુ અને સેનેટાઈઝરથી હાથ ધોતા રહેવા જોઈએ તો જ કોરોનાથી બચી શકાશે.

 

જેલમાં આઠ કેદીને કોરોના રેન બસેરા જેલમાં ફેરવાશે
ખાનગી હોટલો, હોસ્પિટલોના સંચાલકો સાથે સાંજે તાકીદની બેઠક: તબીબોના જુદા જુદા સંગઠન સાથે પણ મિટિંગનું આયોજન


રાજકોટ ખાતેની જેલમાં 8 કેદીઓને કોરોના પોઝિટિવ હોવાનું બહાર આવતા ખળભળાટ મચી જવા પામેલ છે જે કેદીઓને કોરોના પોઝિટિવ હોવાનું બહાર આવ્યું છે તેમને અન્ય કેદીઓ સાથે રાખી શકાય તેમ નથી અને રેન બસેરા માટેની વ્યવસ્થા સલામતીની દ્રષ્ટિએ ફૂલપ્રૂફ ન હોવાથી જરૂરી કાર્યવાહી કરવા માટે આજે મહાનગરપાલિકાના ઇજનેરોની ટીમે રેન બસેરાની મુલાકાત લીધી હતી.

 


મોચી બજાર માં કોર્ટ કંપાઉન્ડની પાછળના ભાગે મહાનગર પાલિકાનું રેન બસેરા આવેલું છે ત્યાંથી 100 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે સલામતીની દ્રષ્ટિએ આ સ્થળ કેદીઓ માટે યોગ્ય ન હોવાથી સારવાર માટે આવતા કેદી ભાગી ન જાય તે માટે ગ્રીલ નાખવા સહિતની કામગીરીનો ધમધમાટ શરૂ કરી દેવાયો છે. ટૂંક સમયમાં આ કામગીરી પૂરી થયા બાદ કોરોના સંક્રમિત કેદીઓને રેન બસેરા માં રાખવામાં આવશે હાલ પણ કેદીઓને રેન બસેરામા જ રાખવામાં આવે છે પરંતુ પોલીસ બંદોબસ્ત વધારે મુકવો પડે છે.

 


કોરોનાના કેસની સંખ્યા અને મૃત્યુઆંકમાં થઈ રહેલા ચિંતાજનક વધારાને કાબૂમાં લેવા માટે રાજકોટ જિલ્લા કલેકટર, મહાનગરપાલિકા અને આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથેની સંયુક્ત બેઠક આજ બપોરથી કલેકટર રેમ્યા મોહનના અધ્યક્ષ સ્થાને શરૂ થઈ ગઈ છેે. ખાનગી હોટેલમાં  કોરોના કેર સેન્ટર શરૂ કરવા માટે મીટીંગ યોજવામાં આવી હતી અને તેમાં અમુક હોટેલના સંચાલકો તૈયાર થયા હોવાનું જાણવા મળે છે સૂર્યકાંત હોટલમા સેલ્સ હોસ્પિટલના સંચાલકો વાતચીત કરી રહ્યાનું જાણવા મળે છે. કોરોનાના સામાન્ય લક્ષણો ધરાવતા દર્દીઓ અહીં રહી શકશે.

 


બપોરે 4:00 વાગ્યે ઈન્ડીયન મેડીકલ એસોસિએશન, સર્જન એસોસિએશન,ફિઝીશયન એસોસિએશન સહિત તબીબી જગતના જુદાજુદા સંગઠનના આગેવાનો સાથે મીટીંગ યોજી હતી અને વર્તમાન પરિસ્થિતિમાં બેડ વધારવાથી માંડી અન્ય બાબતોમાં ઉપયોગી થવા માટે તંત્ર દ્વારા અનુરોધ કરાયો હતો.

 


સમરસ અને સિવિલ હોસ્પિટલમાં બેડ વધારાશે
સમરસ હોસ્ટેલ માં બીજી રિંગ આવતીકાલથી શરૂ કરવામાં આવશે અને તેમાં ઓક્સિજન ની સુવિધા સાથેની 110 બેડની વ્યવસ્થા ઉભી કરવામાં આવશે તેમ અધિક કલેકટર પરિમલ પંડ્યાએ જણાવ્યું હતું તેમણે વધુમાં જણાવ્યું હતું કે સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં પીએમએસએસવાય બિલ્ડિંગમાં વધુ 60 બેડ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

 


ખાનગી હોસ્પિટલો બેડ વધારવા તૈયાર
કલેકટર તંત્ર સાથેની બેઠક બાદ ખાનગી હોસ્પિટલો નવી ચાલુ થઈ રહી છે અને કાર્યરત્ હોસ્પિટલોમાં બેડ ની સંખ્યા વધી રહી છે દોશી હોસ્પિટલ નવેસરથી શરૂ થઈ છે તો સ્ટર્લિંગ હોસ્પિટલમાં હાલ 80 બેડની વ્યવસ્થા છે તે વધારીને 98 બેડ કરી દેવાયા છે જીનેસીસ હોસ્પિટલ માં 21 બેડની વ્યવસ્થા નવી ઉભી કરવામાં આવી છે. અધિક કલેકટર પરિમલ પંડ્યાના જણાવ્યા મુજબ ગોંડલમાં ખાનગી તૈલી હોસ્પિટલમાં કોરોના દર્દીઓની સારવાર થઈ શકશે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS