જિ.પં.માં કારોબારીના નવા ચેરમેનનો 'ચમત્કાર' ઝેરોક્ષમાં નકલ દીઠ ૫૦ પૈસાથી દોઢ રૂપિયાનો ઘટાડો

  • June 10, 2021 06:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અધિકારીઓને સમયસર હાજર રહેવા, લોકોના કામ કરવા અને મિટિંગમાં ઉપસ્થિત રહેવા સ્પષ્ટ્ર શબ્દોમાં ચેતવણી

 


રાજકોટ જિલ્લા પંચાયતની કારોબારી સમિતિની એક બેઠક આજે ચેરમેન સહદેવસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને મળી હતી. પ્રથમ બેઠકમાં જ ઝેરોક્ષના કોન્ટ્રાકટ બાબતે ચર્ચા કરવામાં આવી હતી. અન્ય સરકારી કચેરીઓની સરખામણીએ રાજકોટ જિલ્લા પંચાયતમાં ઝેરોક્ષનો નકલદીઠ ભાવ અનેકગણો વધુ મંજૂર થયો હોવાનું જણાવી આ બાબતે એજન્સીનું ધ્યાન દોરવામાં આવતા તેમણે ભાવ ઘટાડવા માટે સહમતી આપી છે અને કારોબારીની પ્રથમ બેઠકમાં જ ચેરમેને 'ચમત્કાર' દેખાડયો છે.

 


રાજકોટ જિલ્લા પંચાયતમાં ઝેરોક્ષની એક નકલનો ભાવ રૂા.૧–૪૩ પૈસા મંજૂર કરવામાં આવ્યો હતો તે ઘટાડીને માત્ર ૯૦ પૈસા કરાયો છે. બન્ને સાઈડમાં ઝેરોક્ષ કરવાની હોય તો તેનો ભાવ રૂા.૨–૭૫ પૈસા મંજૂર થયો હતો તે ઘટાડીને એક રૂપિયો કરી દેવામાં આવ્યો છે. આવી જ રીતે એ૪ સાઈઝના ઝેરોક્ષના ભાવમાં પણ મોટો ઘટાડો કરવા માટે એજન્સી સહમત થઈ છે. આ એકમાત્ર નિર્ણયના કારણે રાજકોટ જિલ્લા પંચાયતને વર્ષે લાખો રૂપિયાનો ફાયદો થશે.

 


આજની બેઠકમાં કયા વિભાગના કયા અધિકારી ગેરહાજર છે તેનો હિસાબ પણ ચેરમેને જાહેરમાં માગ્યો હતો. જો કે તમામ વિભાગના પ્રતિનિધિઓ અને અધિકારીઓ હાજર હોવાથી આ ઈસ્યુ આગળ વધ્યો ન હતો પરંતુ ચેરમેન સહદેવસિંહે સ્પષ્ટ્ર શબ્દોમાં જણાવ્યું હતું કે, જિલ્લા પંચાયતમાં અમુક અધિકારીઓ અને કર્મચારીઓ નિયત સમય કરતા વહેલા આવી જાય છે પરંતુ બાકીના ૧૨ વાગ્યા સુધી બપોરે દેખાતા નથી. આ પરિસ્થિતિ ચલાવી લેવામાં નહીં આવે. ગ્રામ્ય વિસ્તારના લોકો માટે કામ કરવા માટે છે અને તે માટે કમસેકમ બધાએ સમયસર આવવું પડશે. જરૂર પડયે વધુ સમય રોકાવું પડશે અને લોકોના કામ કરવા પડશે. આમાં યાં કઈં કોઈ પ્રશ્ન ઉભો થશે તો અમે તમારી સાથે છીએ. આજની બેઠકમાં ચેરમેન સહદેવસિંહ જાડેજા, પ્રમુખ ભૂપતભાઈ બોદર, જિલ્લા વિકાસ અધિકારી અનિલ રાણાવસિયા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી નિર્ભય ગોંડલિયા સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

ઓકિસજન કોન્સ્ન્ટ્રેટરના ભાવ વધુ આવતા રિ–ટેન્ડરિંગ કરાશે
રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ, ડીડીઓ સહિતના અધિકારીઓ અને ચૂંટાયેલા સભ્યોએ કોરોનાની વર્તમાન પરિસ્થિતિમાં પોતાની ગ્રાન્ટ આરોગ્ય વિભાગના હવાલે કરી દીધી છે અને તેમાંથી જુદા જુદા સાધનોની ખરીદી થઈ રહી છે. ઓકિસજન કોન્સ્ન્ટ્રેટરના ભાવ રૂા.૫૩ હજાર આવતા પદાધિકારીઓ ચોંકી ઉઠયા છે. એક કોન્સ્ન્ટ્રેટરનો ભાવ રૂા.૪૩ હજાર આસપાસ છે ત્યારે ૧૦ હજાર વધુ કેમ આપવા ? તેવો સવાલ ઉઠાવી ચેરમેન સહદેવસિંહ જાડેજાએ નવેસરથી ભાવ માગવા માટે જણાવ્યું છે. જિલ્લા પંચાયતમાં જનરેટર સેટ વસાવવાની દરખાસ્ત પણ આજની બેઠકમાં આવી હતી પરંતુ તે અંગે પ્રમુખ જે નિર્ણય કરે તે મુજબ આગળ વધવા જણાવાયું હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS