BREAKING NEWS

અમરેલીમાં આવારા તત્વોએ સિંહની પાછળ કાર દોડાવી પજવણી કરી, વન વિભાગ હરકતમાં આવ્યું: SITની રચના

  • May 08, 2026 12:48 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમરેલી જિલ્લામાં એશિયાટિક સિંહોની સુરક્ષા સામે ફરી એકવાર ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા એક વીડિયોમાં કેટલાક શખ્સો કાર દ્વારા સિંહનો પીછો કરતા અને તેને પરેશાન કરતા દેખાતા વન વિભાગ હરકતમાં આવ્યું છે. આ ઘટનાએ પ્રાણીપ્રેમીઓ, પર્યાવરણ કાર્યકરો તેમજ સામાન્ય નાગરિકોમાં ભારે રોષ ફેલાવ્યો છે. સિંહોને કુદરતી વસવાટ વિસ્તારમાં શાંતિથી રહેવા દેવાની જગ્યાએ કેટલાક લોકો માત્ર મનોરંજન અને સિંહ દર્શનના નામે તેમની પજવણી કરતા હોવાની ચિંતાજનક સ્થિતિ સામે આવી છે. ઘટનાને લઈને ગુજરાત વન વિભાગે ઉચ્ચસ્તરીય તપાસ શરૂ કરી છે અને વિશેષ તપાસ ટીમ (એસઆઈટી)ની રચના કરી છે.


વાયરલ વીડિયોમાં સ્પષ્ટપણે જોવા મળે છે કે કેટલાક લોકો કાર ખૂબ નજીક લઈ જઈ સિંહની પાછળ દોડાવી રહ્યા છે. આ પ્રકારની હરકતો સિંહોના સ્વાભાવિક વર્તનમાં ખલેલ પહોંચાડે છે અને માનવ તથા વન્યજીવન વચ્ચેના સંઘર્ષને વધારવાનો ભય ઉભો કરે છે. ઘટનાને ગંભીરતાથી લેતા ગુજરાત વન વિભાગે તાત્કાલિક ઉચ્ચસ્તરીય તપાસ શરૂ કરી છે.


ધારી ગીર પૂર્વના ડીસીએફ વિકાસ યાદવે સમગ્ર મામલે ગંભીર નોંધ લઈ તપાસના આદેશ આપ્યા હતા. ત્યારબાદ જુનાગઢના સીએફ રામ રતન નાલાના માર્ગદર્શન હેઠળ વિશેષ તપાસ ટીમ (એસઆઈટી)ની રચના કરવામાં આવી છે. આ ટીમમાં ઊના સહાયક વન સંરક્ષક, જૂનાગઢ ટાસ્ક ફોર્સના રેન્જ ફોરેસ્ટ ઓફિસર, ખાંભા મોબાઇલ સ્ક્વોડના રેન્જ ફોરેસ્ટ ઓફિસર અને ગીરગઢડા રેન્જના અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. ટીમ વાયરલ વીડિયોની સત્યતા, ઘટનાસ્થળ અને સંડોવાયેલા લોકોની ઓળખ અંગે તપાસ કરી રહી છે.


પ્રાથમિક માહિતી મુજબ, વાયરલ વીડિયો અમરેલી જિલ્લાના રેવન્યુ વિસ્તારનો હોવાનું માનવામાં આવી રહ્યું છે. નોંધનીય છે કે અમરેલી જિલ્લામાં એશિયાટિક સિંહોની સૌથી વધુ વસતિ જોવા મળે છે. છેલ્લા કેટલાક સમયથી સિંહ દર્શનના નામે લોકો દ્વારા નિયમોનો ભંગ કરી સિંહોની નજીક જવાની અને તેમને હેરાન કરવાની ઘટનાઓમાં વધારો નોંધાઈ રહ્યો છે. જેના કારણે સિંહોની સુરક્ષા અને વન વિભાગની કામગીરી અંગે સવાલો ઊભા થઈ રહ્યા છે.


વન્યજીવન નિષ્ણાતોનું માનવું છે કે આવી ઘટનાઓ સામે કડક કાર્યવાહી જરૂરી છે, જેથી ભવિષ્યમાં કોઈપણ વ્યક્તિ સિંહોની સુરક્ષા સાથે ચેડાં કરવાની હિંમત ન કરે. હવે તપાસ બાદ દોષિતો સામે કાયદેસરની કાર્યવાહી થાય છે કે નહીં તેના પર સૌની નજર ટકેલી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application