વિચરતી અને વિમુક્ત સમુદાયોના વિકાસ અને કલ્યાણ બોર્ડના સદસ્ય ભરતભાઈ પટણીએ જામનગર જિલ્લાના SEED ના લાભાર્થીઓ સાથે કલેકટર કચેરી ખાતે બેઠક યોજી
જામનગર તા.૨ જુન, વિચરતી અને વિમુક્ત સમુદાયોના વિકાસ અને કલ્યાણ બોર્ડના સદસ્ય ભરતભાઈ પટણીની અધ્યક્ષતામાં જામનગર કલેકટર કચેરી ખાતે SEED (Scheme for Economic Empowerment of DNTs) યોજનાના લાભાર્થીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ હતી.
બેઠક દરમિયાન સદસ્યએ જામનગર જિલ્લામાં SEED યોજના હેઠળ વિવિધ લાભો પ્રાપ્ત કરનારા લાભાર્થીઓ સાથે સીધી ચર્ચા કરી હતી. તેમણે યોજનાના અમલીકરણની સ્થિતિ, લાભાર્થીઓને મળતી સહાય, યોજનાના લાભ મેળવવામાં આવતી મુશ્કેલીઓ તેમજ ભવિષ્યમાં વધુ લોકોને યોજનાનો લાભ મળી રહે તે અંગે વિગતવાર માહિતી મેળવી હતી.
ભરતભાઈ પટણીએ જણાવ્યું હતું કે વિચરતી અને વિમુક્ત જાતિઓના સામાજિક અને આર્થિક સશક્તિકરણ માટે કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ કલ્યાણકારી યોજનાઓ અમલમાં મુકવામાં આવી રહી છે. જામનગર જિલ્લામાં આ યોજનાના લાભાર્થીઓને રેશનકાર્ડ, આધારકાર્ડ વગેરે જેવા ડોક્યુમેન્ટ કાઢી આપવામાં આવે,સરકારના નિયમ મુજબ રહેઠાણ માટે જમીન ફાળવવા, વીજળી,પાણી તથા સરકાર દ્વારા વિવિધ યોજનાઓ અંતર્ગત પૂરી પાડવામાં આવતી સહાયના લાભો એનાયત કરવામાં આવે તે પ્રકારે કામ કરવા તેઓએ લગત અધિકારીઓને જણાવ્યું હતું.
બેઠકમાં લાભાર્થીઓએ પોતાના અનુભવો રજૂ કરી યોજનાથી થયેલા લાભ અંગે માહિતી આપી હતી તેમજ કેટલીક રજૂઆતો અને સૂચનો પણ રજૂ કર્યા હતા. સદસ્યએ રજૂ થયેલા પ્રશ્નોના યોગ્ય નિરાકરણ માટે સંબંધિત અધિકારીઓને જરૂરી કાર્યવાહી કરવા જણાવ્યું હતું.તેઓએ ‘હર હાથ કો કામ, હર હાથ કો દામ’ સૂત્રને સાર્થક કરવા હેતુસર વિચરતી અને વિમુક્ત સમુદાયોના લાભાર્થીઓને રોજગારી મળી રહે તે માટે પ્રયાસો કરવા લગત અધિકારીશ્રીઓને જણાવ્યું હતું.
આ બેઠકમાં નિવાસી અધિક કલેકટર શારદા કાથડ, જામનગર ગ્રામ્ય પ્રાંત અધિકારીશ્રી બ્રિજેશ કાલરીયા, વિકસતી જાતિના જિલ્લા નાયબ નિયામક એ.કે.પરમાર, અગ્રણીઓ, અધિકારીઓ વગેરે હાજર રહ્યા હતા.