જામનગર સહિત હાલારમાં નાની વયે હાર્ટના પ્રાણઘાતક હુમલાના બનાવો યથાવત રહયા છે, તાજેતરમાં અલગ અલગ બનાવોમાં યુવાનોને હાર્ટએટેક આવવાથી મૃત્યુ નિપજયા હતા, દરમ્યાન કાલાવડ તાલુકાના છતર ગામમાં ગઇકાલે મકરસંક્રાતીના દિવસે ૪૩ વર્ષનો યુવાન ઘરે આરામ કરતો હોય ત્યારે અચાનક છાતીમાં દુ:ખાવો થતા સરકારી હોસ્પીટલમાં લઇ જતા હાર્ટએટેકના કારણે મૃત્યુ થયાનું તબીબે જાહેર કર્યુ હતું જેના કારણે પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઇ ગઇ હતી.
મુળ કાલાવડ તાલુકાના છતર ગામમાં રહેતા અને હાલ ભગવતીકૃપા સોસાયટી ૮૪ મોટાવરાછા, સુરત ખાતે રહેતા નરેન્દ્રભાઇ રણછોડભાઇ અકબરી (ઉ.વ.૪૩) નામના યુવાન છતર ગામે આવ્યા હોય અને પોતાના ઘરે બપોરના સુમારે આરામ કરતા હતા, એ દરમ્યાન અચાનક તેઓને છાતીના ભાગે દુ:ખાવો થયો હતો.
આથી કાલાવડ સરકારી હોસ્પીટલ લઇ જવામાં આવ્યા હતા જયાં ચાલુ સારવાર દરમ્યાન બેભાન થઇ જતા ફરજ પરના તબીબે તપાસી હાર્ટએટેકના કારણે મૃત્યુ થયાનું જાહેર કર્યુ છે.
આ બનાવ અંગે છતર ગામમાં રહેતા અશોક રણછોડભાઇ અકબરી (ઉ.વ.૩૮)એ કાલાવડ ગ્રામ્ય પોલીસમાં જાણ કરતા પોલીસ ટુકડી હોસ્પીટલ ખાતે દોડી ગઇ હતી અને આગળની કાર્યવાહી કરી હતી, યુવાનના મૃત્યુના કારણે પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઇ ગઇ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે યુવા વર્ગમાં છેલ્લા કેટલાક સમયથી હાર્ટએટેકના જીવલેણ બનાવોનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહયુ છે.