જામનગર: કાલાવડમાં માનસિક બીમારી અને આર્થિક સંકડામણથી યુવકનો આપઘાત
કાલાવડ શહેરના વિકાસ કોલોની, આંબેડકનગર વિસ્તારમાં રહેતા યુવકે માનસિક બીમારી અને આર્થિક સંકડામણના કારણે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતાં પરિવારમાં શોકની લાગણી ફેલાઈ છે.
કાલાવડના આંબેડકરનગર વિકાસ કોલોનીમાં રહેતા સાગરભાઈ ઉર્ફે ભીખો હરીભાઈ ચાવડા (ઉં. ૨૬) છેલ્લા ઘણા સમયથી મગજની બીમારીથી પીડાતા હતા અને તેમની સારવાર ચાલી રહી હતી. છેલ્લા બે મહિનાથી તેમની તબિયત વધુ બગડતાં તેઓ કોઈ કામધંધો કરી શકતા ન હતા અને આર્થિક સંકડામણમાં રહેતા હતા. જેના કારણે તેઓ ગુમસુમ રહેતા હોવાનું પરિવારજનોએ જણાવ્યું હતું.
દરમિયાન તા. ૬ના રોજ માનસિક બીમારી અને આર્થિક સંકડામણથી કંટાળી તેમણે પોતાના ઘરે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે કાલાવડ ટાઉન પોલીસ સ્ટેશનમાં હરીભાઇ ચાવડા દ્વારા જાણ કરવામાં આવી હતી.