BREAKING NEWS

પૂર્વ કૃષિ મંત્રી અને એક બિલ્ડરને સોશિયલ મીડિયાના માધ્યમથી બદનામ કરનાર મુખ્ય સૂત્રધાર જામનગરના વિશાલ કણસાગરાને આખરે ઝડપી લેવાયો

  • January 16, 2026 04:16 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પૂર્વ કૃષિ મંત્રી અને એક બિલ્ડરને સોશિયલ મીડિયાના માધ્યમથી બદનામ કરનાર મુખ્ય સૂત્રધાર જામનગરના વિશાલ કણસાગરાને આખરે ઝડપી લેવાયો

નેપાળમાં બેસીને સોશિયલ મીડિયામાં પોસ્ટ અપલોડ કરતો હતો: ભારતમાં આવ્યા બાદ સાયબર પોલીસના શકંજામાં આવી ગયો: આઠ દિવસના રિમાન્ડ પર

જામનગર ગ્રામ્યના ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના પૂર્વ કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ તેમજ જામનગરના અગ્રણી બિલ્ડર પિતા પુત્ર ને સોશિયલ મીડિયાના માધ્યમથી બદનામ કરનાર વિશાલ કણસાગરા ને આખરે જામનગર સાયબર પોલીસે ઝડપી લીધો છે, અને આઠ દિવસના રિમાન્ડ પર લીધો છે. જેનેપાળમાં બેસીને નેટવર્ક ચલાવતો હોવાનું ધ્યાનમાં આવ્યું છે.

 જામનગરના અગ્રણી બિલ્ડર જમનભાઈ ફળદુ અને તેમના પુત્રને સોશિયલ મીડિયામાં બદનામ કરવાનું કાવતરું રચવા અંગે બે આઈડી ધારકો સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી, ત્યારબાદ ગુજરાત રાજ્યના પૂર્વ કૃષિ મંત્રી અને જામનગર ગ્રામ્ય વિસ્તારના ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલે પણ સાયબર ક્રાઈમ પોલીસ મથકનો સંપર્ક સાધ્યો હતો, અને પોતાને સોશિયલ મીડિયાના માધ્યમથી બદનામ કરનાર ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ની આ.ઇડી. ના ધારક સામે ફરિયાદ નોંધાવી હતી.

આ ઉપરાંત જામનગરના અન્ય એક બિલ્ડર સ્મિત પરમારે પણ સાયબર ક્રાઈમ પોલિસ મથકમાં વિશાલ કણસાગરા નામની આઈડીના ધારક સામે પોતાની પાસે ખંડણી માંગવા સંદર્ભે અને સોશિયલ મીડિયામાં બદનામ કરવા અંગેની ફરિયાદ નોંધાવી હતી.
 દરમિયાન સાઇબર ક્રાઈમ પોલીસે આ પ્રકરણમાં હેમતલાલ કણસાગરા અને પરસોત્તમ પરમાર નામના બે જામનગરના આરોપીઓની અટકાયત કરી લીધી હતી. જે બંનેને રિમાન્ડ પર લીધા બાદ હાલ બંનેને જેલ હવાલે કરી દેવાયા છે, જ્યારે આ પ્રકરણમાં મુખ્ય સૂત્રધાર વિશાલ કણસાગરા કે જે પકડાયેલા આરોપી હેમતલાલ કણસાગરા નો પુત્ર છે. જે ફરાર હતો, અને પોતે જ સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી રહ્યો છે, તેવી ચોક્કસ કડી જામનગર સાયબર પોલીસને મળી હતી.

 દરમિયાન હેમતલાલ કણસાગરા કે જે જેલ હવાલે હોય તેને જામીન પર છોડાવવા માટે વિશાલ કણસાગરા કે જે પોતે નેપાળ ભાગ્યો હતો, અને નેપાળમાંથી આ બધી પોસ્ટ મૂકીને સોશિયલ મીડિયામાં નાણા પડાવવા માટે બિલ્ડર વગેરેને બદનામ કરતો હતો, જે ભારતમાં આવીને જામનગર પહોંચ્યો હતો. તે દરમિયાન જામનગર સાઇબર પોલીસ સ્ટેશનની ટીમે તેનું લોકેશન શોધીને ઝડપી લીધો છે, અને અદાલત સમક્ષ રજુ કરી આઠ દિવસના રિમાન્ડ પર લીધો છે.

 પોલીસ દ્વારા તેના મોબાઈલ ફોન વગેરે કબજે કરવામાં આવ્યા હતા, પરંતુ તે પહેલા તેણે તમામ પોસ્ટ વગેરે ડીલીટ કરી નાખી હતી. પરંતુ સાઇબર સેલની ટીમે તમામ ડેટા રિકવર કરી લીધો છે, અને પોતે જે આઈડી મારફતે લોકોને બદનામ કરવાનું ષડયંત્ર ચલાવતો હતો. જે ડેટા વગેરે કબજે કરી લેવા માટેની કાર્યવાહી હાથ ધરી છે, અને તેમાં પણ સાયબર સેલ ની ટીમને સફળતા મળી છે. હજુ આ પ્રકરણમાં અન્ય કોઈ વ્યક્તિઓ સામેલ છે કે કેમ, તે અંગેની પણ ઊંડાણપૂર્વકની તપાસ ચાલી રહી છે.

 વિશાલ કણસાગરા ની ક્રાઈમ કુંડળી

જામનગર નો વતની વિશાલ કણસાગરા, કે જે સોશિયલ મીડિયાના માધ્યમથી અગાઉ પણ અનેક કારસ્તાન કરી ચૂક્યો છે, અને જામનગરના પોલીસ મથકમાં તેની સામે અત્યાર સુધીમાં સાયબર ફ્રોડ સંબંધી ૧૧ ગુનાઓ દાખલ થઈ ચૂક્યા છે, અને તેમાં તે પકડાયો પણ છે.

ઉપરાંત તેના પિતા હેમતલાલ કણસાગરા કે જેની સામે પણ સાઈબર ફ્રોડના અન્ય ચાર ગુનાઓ દાખલ થઈ ચૂકેલા છે. વિશાલ પોતે સોશિયલ મીડિયાના માધ્યમથી આઇડી વગેરે બનાવવાનું જાણતો હોવાથી બિલ્ડર સહિતના વ્યક્તિઓ પાસે નાણા પડાવાના બહાને આ કરતુત કરતો હોવાનું પણ કબુલ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application