કોવિડ નેગેટીવનો રિપોર્ટ જાહેરમાં મૂકો: બનાસકાંઠા જિલ્લા કલેક્ટરોને વેપારીઓને આદેશ

  • April 20, 2021 08:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આદેશનું પાલન નહીં કરનારા વેપારીઓ સામે સખ્ત પગલાં લેવાશે, રાજ્યના એક જિલ્લાના કલેક્ટર આવો આદેશ કરી શકે તો અન્ય જિલ્લા કલેક્ટરો કેમ કરતા નથી તેવો પ્રશ્ન

 ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લા કલેક્ટરે જે આદેશ કર્યો છે તેવો આદેશ રાજ્યના 33 જિલ્લા કલેક્ટરો કરે તો કોરોના સંક્રમણને નિયંત્રણમાં રાખી શકાય છે પરંતુ બીજા જિલ્લાના કલેક્ટરોએ હજી સુધી આવો કોઇ આદેશ જાહેર કર્યો નથી. જે જિલ્લાના અધિકારી જાગૃત હોય તે જિલ્લાની જનતાને સારી સુવિધા અને મદદ મળી શકે છે.
બનાસકાંઠા જિલ્લામાં કોરોના સંક્રમણના કેસોમાં વધારો થતો જિલ્લા કલેક્ટરે એક જાહેરનામું બહાર પાડ્યું છે અને તેમાં જણાવાયું છે કે જિલ્લાના તમામ પાલિકા વિસ્તાર તેમજ ગામડાઓમાં ઉદ્યોગ-ધંધા કરતા વેપારીઓએ ફરજીયાતપણે કોરોના ટેસ્ટ કરાવીને તેનો રિપોર્ટ લોકો જોઇ શકે તે રીતે દુકાનની બહાર રાખવો પડશે. આ રિપોર્ટ નેગેટીવ હોવો જોઇશે. જો કે જેમણે વેક્સિન લીધી છે તેમને રિપોર્ટ જાહેરમાં મૂકવાની કોઇ આવશ્યકતા નથી.

 


બનાસકાંઠા જિલ્લા કલેક્ટરે શાકભાજીવાળા, હોટલ, રેસ્ટોરન્ટ, ખાણીપીણીનીલારી, રીક્ષા, ટેલી-કેબવાળા, પાનના ગલ્લા, ચાની કીટલી, દુકાન, હેરસલૂન તથા બ્યુટીપાર્લર, ખાનગી સિક્યુરીટી એજન્સી, સુથાર, લુહાર, ઈલેકટ્રીશીયન, પ્લમ્બર, ટેકનિશિયનો, શોપિંગ મોલ અને શોપિંગ કોમ્પ્લેક્સમાં કામ કરતાં વ્યક્તિઓ માટે આ જાહેરનામું પ્રસિદ્ધ કર્યુ છે.

 


જાહેરનામા મુજબ, બનાસકાંઠા જિલ્લાના પાલનપુર, ડીસા, ધાનેરા, ભાભર, થરાદ, થરા નગરપાલિકા વિસ્તાર તથા કાંકરેજના તાણા ગામના મહેસુલી વિસ્તારમાં ધંધો કરતા કોવિડ નેગેટીવ હોવા બાબતનો દસ દિવસથી વધુ સમયનો ન હોય તેવો રિપોર્ટ ધંધાના સ્થળે ફરજિયાત ઉપલબ્ધ રાખવાનો રહેશે. આદેશનું પાલન 22મી એપ્રિલ થી 9મી મે સુધી કરવાનું રહેશે.

 


આ હુકમ અન્વયે બનાસકાંઠા જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ અધિક્ષકના દરજ્જાથી પોલીસ કોન્સ્ટબલ સુધીનો હોદ્દો ધરાવનાર તમામ પોલીસ અધિકારીઓ તથા સંબંધિત નગરપાલિકાના મુખ્ય અધિકારી તેમજ નગરપાલિકાના વર્ગ-3 ના દરજ્જા સુધીના તમામ કર્મચારીઓને એવી સત્તા આપવામાં આવી છે કે તેઓએ તપાસ કરીને જાહેરનામાનો ભંગ કરનારા વેપારીઓ સામે ગુનો દાખલ કરી પગલાં લેવા પડશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS