ઉત્તમ સંગીત પીરસનાર અને સ્ત્રી-પુરુષ બંનેના અવાજમાં ગીતો ગાવા માટે પ્રખ્યાત મહેશ કનોડિયા પંચ મહાભૂતમાં વિલિન

  • October 28, 2020 11:51 AM 4247 views

ગુજરાતી ફિલ્મના સંગીતકાર અને પાટણના પૂર્વ લોકસભા સાંસદ મહેશ કુમાર કનોડિયાનું લાંબી માંદગી બાદ ગાંધીનગર ખાતે દુ:ખદ અવસાન થયુ હતું. તેઓ પોતાની "મહેશકુમાર એન્ડ પાર્ટી" દ્વારા દેશ-વિદેશમાં પણ જાણીતા હતા. તેઓ ઉમદા ગાયક હતા અને કુદરતી બક્ષીસ સાથે સ્ત્રી તથા પુરૂષ બંનેના અવાજમા ગીતો ગાતા હતા. મહેશ કનોડિયાએ જુદાજુદા ગાયકોના 32 પ્રકારના અવાજમાં ગીતો પણ ગાયા હતા. 


મહેશ કનોડિયાનો જન્મ મોઢેરાથી નજીક આવેલા મહેસાણા જિલ્લાના કનોડા ગામમાં થયો હતો. મહેશ કનોડિયાના પિતા મીઠાભાઈ તથા માતા દલીબેન વણાટકામ કરતાં હતાં. તેઓ સાડી, ટુવાલ, ધોતિયાં જેવા કપડાં બનાવતા હતાં. મહેશ કનોડિયાને ત્રણ ભાઈઓ(નરેશ કનોડિયા, શંકર કનોડિયા, દિનેશ કનોડિયા) તથા ત્રણ બહેનો (નાથીબેન, પાની બેન તથા કંકુબેન) છે. ચાર ભાઈ, ત્રણ બહેનો તથા માતા-પિતા એક રૂમના મકાનમાં રહેતા હતાં. મહેશ કનોડિયાના ભાઈ નરેશ કનોડિયાએ નાની ઉંમરમાં જ ભાઈ સાથે સ્ટેજ પર પર્ફોમન્સ આપવાની શરૂઆત કરી હતી. આ બેલડીએ અનેક ફિલ્મોમાં સંગીત આપ્યું હતું અને વિદેશોમાં સ્ટેજ પર્ફોમન્સ આપ્યું હતું.


મહેશ કનોડિયાને શ્રેષ્ઠ સંગીત માટેનો એવોર્ડ ફિલ્મ જીગર અને અમી માટે (1970-71) (સંગીતકાર તરીકે),  શ્રેષ્ઠ સંગીત માટેનો એવોર્ડ ફિલ્મ તાનારીરી માટે (1974-75) (સંગીતકાર તરીકે), દ્વિતીય શ્રેષ્ઠ ફિલ્મ માટેનો એવોર્ડ ફિલ્મ જોગ સંજોગ માટે (1980-81) (નિર્માતા તરીકે), શ્રેષ્ઠ સંગીત માટેનો એવોર્ડ ફિલ્મ જોગ સંજોગ માટે (1980-81) (સંગીતકાર તરીકે), શ્રેષ્ઠ પાર્શ્વગાયક માટેનો એવોર્ડ ફિલ્મ અખંડ ચૂડલો માટે (1981/82), શ્રેષ્ઠ સંગીત માટેનો એવોર્ડ ફિલ્મ લાજુ લાખણ માટે (1991-92) (સંગીતકાર તરીકે) એનાયત કરાયા હતા.


ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા જ નરેશ કનોડિયા પણ કોરોના પોઝિટિવ આવતાં યુ એન મહેતા હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યાં છે અને તેમની હાલત પણ સુધારા પર છે.

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application