મેજિકલ ચોખા, રાંધ્યા વગર જ બની જાય છે ‘ભાત’ !

  • July 11, 2023 06:14 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારતના કેદુતો મોટી માત્રામાં ચોખાનું ઉત્પાદન કરે છે. ચોખા એ મોસમનો મુખ્ય રોકડિયો પાક હોવા છતાં, ઘણા રાજ્યોમાં બારમાસી પણ ઉગાડવામાં આવે છે. ચોખાની એવી જાતો છે જે ફક્ત ભારતમાં જ ઉગાડવામાં આવે છે અને સમગ્ર વિશ્વ તેને ખૂબ પસંદ કરે છે. ભારત બાસમતી ચોખાનો પણ મોટો નિકાસકાર છે. આ સિવાય બ્લેક સોલ્ટ રાઈસ પણ સૌથી ખાસ જાતોમાંની એક છે. ચોખા ગમે તે હોય, તેને ઉગાડવામાં તેમજ તેને રાંધવા અને પચાવવા માટે પુષ્કળ પાણીની જરૂર પડે છે.

ભારતમાં ચોખામાંથી ઘણી વાનગીઓ બનાવવામાં આવે છે. ઘણા લોકો ચોખાને પાણીમાં ઉકાળીને ખાય છે. ચોખાને રાંધવાની આ સૌથી સરળ રીત છે, પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે આવા ચોખા આપણા દેશમાં પણ ઉગાડવામાં આવે છે, જેના માટે તમારે ગરમ પાણી કે પાણી ઉકાળવાની જરૂર નહીં પડે, પરંતુ ચોખાને ઠંડા પાણીમાં જ રાંધવા પડશે. 

બોકા ચોખા મુખ્યત્વે આસામમાં ઉગાડવામાં આવે છે. આ ચોખાને અહીંની માટી અને આબોહવાથી એક અલગ જ સ્વાદ અને એક અલગ સુગંધ મળે છે. બોકા ચોખાની ખેતી આસામમાં કોકરાઝાર, બરપેટા, નલબારી, બક્સા, ધુબરી, દરરંગ અને કામરૂપમાં થાય છે. પહાડી આદિવાસી વિસ્તારોમાં બોકા ચોખા અથવા બોકા ચાવલ ઉગાડવામાં આવે છે. આ ચોખામાં 10.73% ફાઈબર અને 6.8% પ્રોટીન હોય છે. આ સિવાય બોકા ચોખામાં ઘણા પ્રકારના પોષક તત્વો હોય છે, જે વજન ઘટાડવામાં ખૂબ જ મદદરૂપ છે.

ઇતિહાસના પાના ફેરવીએ તો બોકા ચોખાનો પોતાનો એક સુવર્ણ ઇતિહાસ છે. આ ચોખાએ સૈનિકોને ન જાણે કેટલા યુદ્ધો જીતવામાં મદદ કરી છે. અહોમ સૈનિકો મુઘલ સેનાથી દેશને બચાવવા માટે બોકા ચોખાનું સેવન કરતા હતા. આ ચોખાને રાશન તરીકે યુદ્ધમાં લઈ જવામાં આવ્યા હતા, જેને રાંધવાની જરૂર નહોતી.

ચોખાને પાણીમાં 50 થી 60 મિનિટ રાખી દેવાથી જ ચોખા તૈયાર થઈ જાય છે. બોકા ચોખાને બોકા ચોલે અને ઓરિઝા સટિવા તરીકે પણ ઓળખવામાં આવે છે. આસામમાં બોકા ચોખામાંથી ઘણી પ્રકારની પરંપરાગત વાનગીઓ બનાવવામાં આવે છે, જેમાં બોકા ચોખાને દહીં, ગોળ, દૂધ, ખાંડ અથવા અન્ય ખાદ્ય પદાર્થો સાથે પીરસવામાં આવે છે.

ભારત સરકારે આસામમાં ઉગાડવામાં આવતા આ ચોખાને જીઆઈ ટેગ પણ આપ્યો છે, જોકે હવે તેની ખેતી પશ્ચિમ બંગાળ, બિહાર અને ઉત્તર પ્રદેશમાં પણ થઈ રહી છે. આ ચોખાને રાંધવા ખૂબ જ સરળ છે, પરંતુ તેને ઉગાડવા નહીં. લગભગ અડધા એકર ખેતરમાંથી ઉત્પાદનની પાંચ થેલીઓ ઉપલબ્ધ થાય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application