ભગવાન શ્રી કૃષ્ણ અને રુકમણી વિવાહ સત્કાર સમારોહ
દેવભૂમિ દ્વારકાના હર્ષદ (ગાંધવી) તથા ભોગાત પહોંચેલી શોભાયાત્રાનું ગ્રામજનો દ્વારા સ્વાગત કરાયું
ભગવાન શ્રી કૃષ્ણ અને રુકમણીજીની જાનને આવકારવા મોટી સંખ્યામાં ભક્તજનો ઉમટ્યા
માધવપુર ઘેડ ખાતે ભગવાન શ્રીકૃષ્ણ તથા રુકમણીજીના વિવાહનો પ્રસંગ પૂર્ણ થતા દ્વારકા ખાતે ભગવાન શ્રીકૃષ્ણ-રુકમણીજીના સત્કાર સમારોહ શોભાયાત્રાનો આરંભ આજે થયો હતો. માધવપુર ઘેડથી દેવભૂમિ દ્વારકા જિલ્લાના ગાંધવી (હર્ષદ) ખાતે પહોંચેલી શોભાયાત્રાનું ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ઉપરાંત ભોગાત ગામે પણ ભવ્ય સ્વાગતા કરવામાં આવ્યું હતું.

જાનના સ્વાગતમાં આજુબાજુના ગામમાંથી મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા. ભગવાનશ્રી કૃષ્ણ અને દેવી રુક્મણીજી જાનના દર્શનનો લ્હાવો લેવા માટે લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. જાનનું ગાંધવી (હર્ષદ) તેમજ ભોગત ખાતે આગમન થતા લોકો દ્વારા પારંપરિક પોશાકમાં શરણાઈ અને ઢોલ નગારા સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. રાસ મંડળી દ્વારા નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું. બહોળી સંખ્યામાં ઉપસ્થિત ભકતજનોએ ભગવાન શ્રીકૃષ્ણ અને દેવી રુક્મણીજીના આશીર્વાદ મેળવ્યા હતા.

આ વેળાએ જિલ્લા યુવા વિકાસ અધિકારી પરબત હાથલિયા, મામલતદાર આર.એચ.સુવા, તાલુકા વિકાસ અધિકારી ગૌરવ પરમાર સહિત અધિકારીઓ તેમજ વિશાળ સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા.