ખંભાળિયા પંથકમાં ડીઝલનો જથ્થો મેળવવા માટે વાહનો-ખેડૂતોની લાંબી લાઈનો
સુચારૂ વિતરણ વ્યવસ્થા માટે મામલતદાર દ્વારા આદેશો જારી કરાયા
ખંભાળિયા સહિત જિલ્લાના જુદા જુદા વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસો થયા પેટ્રોલ પંપમાં ડીઝલ મેળવવા માટે મોટી સંખ્યામાં વાહન ચાલકો તેમજ ખેડૂતોની લાંબી લાઈનો જોવા મળી રહી છે. ત્યારે બિનજરૂરી રીતે સંગ્રહખોરી ન થાય તેમજ જરૂરિયાતમંદોને ડીઝલનો પૂરતો જથ્થો મળી રહે તે હેતુથી અહીંના મામલતદાર દ્વારા પેટ્રોલ પંપ ધારકો માટે કેટલાક નિયમો જાહેર કરવામાં આવ્યા છે.
ખંભાળિયા શહેર તથા તાલુકામાં આવેલા વિવિધ કંપનીના પેટ્રોલ પંપમાં ડીઝલનો જથ્થો ખૂટી રહ્યો હોવાની ફેલાયેલી વ્યાપક અફવાઓનું તંત્ર દ્વારા ખંડન કરવામાં આવ્યું છે. આ વચ્ચે અહીંના જુદા જુદા પેટ્રોલ પંપમાં ડીઝલનો જથ્થો મેળવવા માટે છેલ્લા કેટલાક દિવસોથી મોટી સંખ્યામાં વાહનો તેમજ વિવિધ પ્રકારના પાત્રમાં ડીઝલ લેવા આવતા ખેડૂતોને લઈને જોવા મળી રહી છે. અહીંના મોટાભાગના પેટ્રોલ પંપમાં આ પ્રકારે જોવા મળતી ખૂબ મોટી લાઈનો વચ્ચે વાહન ચાલકો, ખેડૂતોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે તંત્ર દ્વારા ઇંધણની સંગ્રહખોરી રોકવા માટે ખેતીકામ, ટ્રેક્ટર તેમજ પંપ સેટ માટે ખેડૂતોને ખુલ્લા પાત્ર કે બેરલમાં મેળવવાની ખેડૂત દીઠ વધુમાં વધુ ૨૦૦ લીટર સુધીનો ઇંધણનો જથ્થો આપવાની જોગવાઈ કરવામાં આવી છે.
આ મુદ્દે ખંભાળિયાના મામલતદાર વાય.પી. ગઢવી દ્વારા આ વિસ્તારના પેટ્રોલ પંપના સંચાલકો અને મેનેજરોને સંબોધીને જાહેર કરવામાં આવેલા એક પત્રમાં જણાવાયું છે કે હાલની પરિસ્થિતિને ધ્યાનમાં લેતા કોઈપણ વ્યક્તિ આ જોગવાઈનો દુરુપયોગ કરી, બિનજરૂરી સંગ્રહખોરી ન કરે તે હેતુથી વ્યક્તિગત ખરાઈ કરવી અનિવાર્ય છે. આથી ઇંધણનો ખુલ્લા પાત્ર કે બેરલમાં જથ્થો આપવા બાબતે વિવિધ પ્રકારની સૂચના આ પત્રમાં આપવામાં આવી છે.
જેમાં ખુલ્લા પાત્ર કે બેરલમાં ઇંધણ લેવા આવતા ખેડૂતોની આધારકાર્ડ, ચૂંટણીકાર્ડ, ૭/૧૨ અને ૮ - અ ની નકલ વિગેરે દ્વારા ખરાઈ કરવી ફરજિયાત બનાવવામાં આવી છે. આ ઉપરાંત આવા અસામીઓનું મેન્યુઅલ રજીસ્ટર નિભાવવા તથા આને લગતા નિયમો ચુસ્તપણે અમલ કરવા પણ વધુમાં જણાવાયું છે. આટલું જ નહીં, આ નિયમોની અમલવારી ન કરનારા પેટ્રોલ પંપ સંચાલકો સામે ધોરણસર કાર્યવાહી પણ કરવામાં આવનાર છે.
અત્રે ઉલ્લેખનીય છે કે હાલના સમયમાં ખેડૂતો માટે વિવિધ પ્રકારના સાધનો, ઓજારો, પંપ ચલાવવા માટે ડીઝલનો જથ્થો અનિવાર્ય બની રહ્યો છે. ત્યારે વર્તમાન પરિસ્થિતિમાં ખેડૂતો તેમજ અન્ય વાહન ચાલકોને ડીઝલને લગતી હાલાકીમાંથી મુક્તિ મળી રહે તે માટે જરૂરી પગલાં લેવામાં આવે તેવો સુર સાંભળવા મળી રહ્યો છે.