આજકાલ બિગ બ્રેકિંગ: ગુજરાત રાજ્યમાં લોકડાઉન જાહેર 

  • October 28, 2020 11:34 AM 

 

ગુજરાતમાં કોરોના વાયરસને પગલે લોકોને ઘરમાંથી બહાર નીકળતા રોકવા લોકડાઉન લાદી દેવાયો છે. કોરોનાના 30 પોઝિટિવ કેસ નોંધાયા છે. હાલ કેટલાક શંકાસ્પદ દર્દીઓના રિપોર્ટ પણ ટેસ્ટ માટે મોકલાયા છે. કોરોનાના દર્દીઓના કેસમાં વધારે થાય તો તંત્ર તેને કેવી રીતે પહોંચી વળશે તેની તૈયારીઓ પણ કરવામાં આવી છે. જો કે આ તમામ પરિસ્થિતિઓની વચ્ચે આજે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. આજે ગુજરાત રાજ્યમાં લોકડાઉનની જાહેરાત કરી દેવામાં આવી છે. 

 

આ અગાઉ 25 તારીખ સુધી રાજ્યના મહાનગરોમાં લોકડાઉનની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ હવે રાજ્યભરમાં લોકડાઉનની સત્તાવાર રીતે ઘોષણા કરી દેવામાં આવી છે. આજ રોજ કોરોના વાયરસ અંગે રાજ્યના પોલીસ મહાનિદેશક શિવાનંદ ઝા  અને અધિક મુખ્ય સચિવ ગૃહ વિભાગ સંગીતા સિંહએ એક બેઠક બાદ પત્રકાર પરિષદ યોજી આ અંગે સત્તાવાર રીતે ઘોષણા કરી હતી.

 

આ લોકડાઉન રાજ્યમાં આજે રાત્રે ૧૨ વાગ્યાથી અમલી રહેશે. આ લોકડાઉન 31 માર્ચ સુધી રહેશે તેવી ઘોષણા શિવાનંદ જાએ કરી 144નું જાહેરનામું બહાર પાડયું છે. જે હવે સમગ્ર રાજ્યમાં લાગૂ કરવામાં આવે છે. આ લોકડાઉન દરમિયાન જીવન જરૂરીયાતની વસ્તુઓ યથાવત રહેશે. પોસ્ટ, કુરિયર,બેન્ક જેવી જરૂરી સેવાઓ પણ યથાવત રહેશે. 

 

આ જાહેરનામામાંથી હોસ્પિટલ મેડિકલ સ્ટોર, ફળફળાદીના સ્ટોર, ખાદ્ય પદાર્થોના સ્ટોરને મુક્તિ આપવામાં આવી છે. આ ઉપરાંત પશુઆહાર, ઘાસચારો ચાલુ રહેશે અને પ્રિન્ટ ઇલેક્ટ્રોનિક મીડિયાને પણ જાહેરનામામાંથી મુક્તિ આપવામાં આવી છે. આ સિવાય જીવન જરૂરીયાતની વસ્તુ સિવાયના તમામ વેપાર પણ 31 માર્ચ સુધી બંધ રહેશે. 

 

અધિક મુખ્ય સચિવ સંગીતા સિંહએ જણાવ્યું હતું કે આજે મધ્યરાત્રિથી લાગુ થતા જાહેરનામાનો જે ભંગ કરશે તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જે જગ્યાએ લોકડાઉનનું પાલન થશે નહીં ત્યાં કડકાઈથી પાલન કરાવવામાં આવશે. તેથી લોકો સંપૂર્ણ સહકાર કરે અને 31 તારીખ સુધી અનિવાર્ય સંજોગો સિવાય ઘરેથી બહાર ન નીકળે. આ તકે પોલીસ વડાએ સ્પષ્ટ કરી દીધું હતું કે સરકારના નોટિફિકેશન પ્રમાણે જ વર્તન કરવું પડશે. પોલીસ વડાએ ઉમેર્યું હતું કે જો આ કડકાઈ નહીં રાખવામાં આવે તો વિદેશમાં શું પરિસ્થિતિ છે તેનાથી લોકો વાકેફ છે. આ સ્થિતિ અહીં ન થાય તે માટે લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખી આ નિર્ણય લેવાયો છે. 

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS