જામનગર: નવી મોખાણામાં સીમ વિસ્તારમાં ખેતરમાં બે દીવસ દીપડો દેખાયો
અન્ય સ્થળે ટ્રેપ કેમેરા સાથે બીજું પાંજરુ મૂકવામાં આવ્યું
ચારેક દીવસ પૂર્વે ટ્રેપ કેમેરો તોડી દીપડો નાસી છૂટયો તો
જામનગર તાલુકાના નવી મોખાણા ગામના સીમ વિસ્તારમાં આવેલા ખેતરમાં બે દીવસ દીપડો દેખાયાની ફરિયાદ ગ્રામજનોએ કરી છે. આથી વનવિભાગે અન્ય સ્થળે ટ્રેપ કેમેરા સાથે બીજું પાંજરુ મૂકયું છે. ચારેક દીવસ પૂર્વે પાંજરા સુધી આવેલો દીપડો ટ્રેપ કેમેરો તોડી નાસી છૂટયો હતો.
નવી મોખાણા ગામની સીમમાં દીપડાના આંટાફેરા યથાવત રહ્યા છે. વનવિભાગના ચેકીંગ દરમ્યાન ફુટ માર્ક મળી આવ્યા હતાં.આથી વનવિભાગ દ્વારા પાંજરુ મૂકવામાં આવ્યું હતું. આટલું જ નહીં પાંજરામાં ટ્રેપ કેમેરો ફીટ કરાયો હતો. જેમાં દીપડાની હીલચાલ કેદ થઇ છે. સોમવારે રાત્રીના દીપડો પાંજરા સુધી આવ્યો હતો અને ટ્રેપ કેમેરો તોડી નાસી છૂટયો હતો. મારણ મૂકયું હોવા છતાં દીપડો પાંજરામાં ગયો ન હતો. દીપડાની આ હીલચાલ સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી. ગામની સીમને અડીને રણજીત સાગર ડેમ આવેલો હોય દીપડાનું આ વિસ્તારમાં રહેઠાણ હોવાનું અનુમાન વનવિભાગના અધિકારીઓએ વ્યકત કર્યું હતું. ગામની સીમ વિસ્તારમાં દીપડાના આંટાફેરા યથાવત રહ્યા છે. કારણ કે, ગામના સીમ વિસ્તારમાં વીડીને અડીને આવેલા ખેતરમાં કે જેમાં જારનું વાવેતર કરવામાં આવ્યું છે તેમાં સતત બે દીવસ દીપડો દેખાયો હતો. આ અંગે ગ્રામજનોએ વનવિભાગને જાણ કરી હતી.
આથી વનવિભાગે તપાસ કરતા ખેતરમાંથી દીપડાના ફુટમાર્ક મળી આવ્યા હતાં. જેના કારણે વનવિભાગે દીપડાને પકડવા બીજું પાંજરુ મૂકયું છે. આમ દીપડાને પકડી ૫ાડવા વનવિભાગ સતત કામગીરીમાં લાગ્યું છે.