જામનગર: દીપડો, નવી મોખાણામાંથી પાંજરા દૂર કરાયા
ગ્રામજનોની ફરિયાદના પગલે વનવિભાગ દ્વારા સર્ચ ઓપરેશન
જામનગરના નવી મોખાણા બાદ દીપડો હવે ખીમલીયા ગામમાં દેખાયાની ફરિયાદ ગ્રામજનોએ કરતા વનવિભાગ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે. પરંતુ કોઇ ફુટમાર્ક મળ્યા નથી. નવી મોખાણામાંથી પાંજરા દૂર કરાયા છે. જો કે, ડેમ વિસ્તારમાં દીપડાના આંટાફેરા યથાવત રહ્યા છે.
જામનગર તાલુકાના નવી મોખાણા ગામની સીમમાં દીપડો દેખાયો હતો. વનવિભાગની તપાસમાં દીપડાના ફુટમાર્ક મળી આવ્યા હતાં. આથી દીપડાને પકડવા વનવિભાગ દ્વારા ગામની સીમમાં બે સ્થળે મારણ સાથે પાંજરા મૂકવામાં આવ્યા હતાં. આ દરમ્યાન દીપડો પાંજરા પાસે આવ્યો હતો અને ટ્રેપ કેમેરો તોડી નાસી ગયો હતો. જો કે, છેલ્લા બે-ત્રણ દીવસથી દીપડો દેખાયો નથી. પરંતુ આથી નવી મોખાણા ગામની સીમમાં દીપડાને પકડવા જે બે સ્થળે પાંજરા મૂકાયા હતાં તે દૂર કરવામાં આવ્યા છે. પરંતુ દીપડો હવે સોમવારે ખીમલીયા ગામમાં દેખાયો હોવાની ફરિયાદો ગ્રામજનોએ કરી છે. આથી વન વિભાગ દ્વારા નવી મોખાણા બાદ ખીમલીાય ગામમાં દીપડાને પકડવા માટે સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. પરંતુ દીપડાના કોઇ ફુટમાર્ક ન મળ્યાનું વનવિભાગના અધિકારીઓએ જણાવ્યું છે.
અત્રે નોંધનીય છે કે, પખવાડીયાથી વધુ સમયથી ડેમ વિસ્તારમાં દીપડાએ અડીંગો જમાવ્યો હોય અને આ વિસ્તારમાં રહેઠાણ બનાવ્યું હોવાની આશંકા પણ વનવિભાગના અધિકારીઓએ વ્યકત કરી છે. આથી ડેમ વિસ્તારની નજીક આવેલા ગામડાઓમાં દીપડાના આંટાફેરા યથાવત રહ્યા છે. જો કે, બીજી બાજુ દીપડાને પકડી પાડવા વનવિભાગ દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.