ગુજરાતમાં લેભાગુ ડોકટરોનો રાફડો: છ મહિનામાં ૫૩ ઝડપાયા

  • June 01, 2021 10:12 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બોગસ દવા, બોગસ ઈન્જેકશન અને બોગસ ડોકટર પકડવા રાજયવ્યાપી ઝુંબેશ કોરોના મહામારીમાં બોગસ ઇન્જેંકશનોથી માંડીને બોગસ દવાઓ તેમજ બોગસ ડોકટરોનો ધીકતો ધંધો ચાલુ થઇ ગયો છે. તેમાંય દર્દીઓની સંખ્યા વધતાં બિલાડીના ટોપની માફક ડોકટરો પણ ફટી નીકળ્યા હતા. આવા બોગસ ડોકટરોને પકડવા માટે ઝુંબેશ હાથ ધરવાની રાજયના પોલીસ વડા આશીષ ભાટીયાના આદેશના પગલે રાજયની પોલીસે સપાટો બોલાવી દીધો છે. છ મહિનાના સમયગાળામાં રાજયમાંથી એક, બે નહીં બલ્કે ૫૩ ડો.મુન્નાભાઈને પકડી પાડીને તેમની સામે ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે. .

 


હાલમાં કોરોનાની મહામારીના વચ્ચે નાના શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં જયાં મોટી હોસ્પિટલો ન હોય ત્યાં અમુક લેભાગૂ તત્વો દ્રારા તબીબી સારવારના નામે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં થતાં હોવાનું પોલીસના ધ્યાનમાં આવ્યું હતું. આ પ્રકારના બોગસ ડોકટરો દ્રારા માન્ય તબીબી ડિગ્રી કે પ્રેકટીસ કરવાનો પરવાનો ન હોવા છતાં ગામડાંના લોકોને કોરોનાની સારવારના નામે તબીબી સારવાર આપવામાં આવતી હોવાનું પ્રકાશમાં આવ્યું હતું. બાદમાં તબિયત બગડે ત્યારે દર્દીને અન્ય જગ્યાએ મોટી હોસ્પિટલોમાં રીફર કરીને દર્દીના સ્વાસ્થ્યને જોખમમાં મૂકતાં હોવાની હકીકત રાજયના પોલીસ વડા આશીષ ભાટીયાના ધ્યાન પર આવી હતી. જેથી તેમણે આ બાબતને ગંભીરતાથી લઇને રાજયમાં આવા બોગસ તબીબો શોધી કાઢવા માટે રાજયભરની પોલીસને આદેશ જારી કર્યેા હતો.

 


જેના પગલે રાજયભરમાં પોલીસ દ્રારા નકલી ડોકટરોને પકડી પાડવા માટે સ્પેશ્યલ ડ્રાઇવ ચાલુ કરી હતી. આ ડ્રાઇવ દરમિયાન ૨૮મી મેના રોજ રાજકોટ શહેરમાંથી એક અને વડોદરા શહેરમાં એક એમ કુલ ૨ બોગસ ડોકટરો પકડી પાડીને તેમની સામે ગુનો દાખલ કર્યા હતા. ત્યાં વળી તા.૨૯ અને ૩૦મીના રોજ આવા ૧૮ બોગસ ડોકટરો પકડી પાડવામાં આવ્યા હતા. જેમાં વડોદરા ગ્રામ્ય જીલ્લામાં–૪, પંચમહાલ જિલ્લામાં–૪, વલસાડ જિલ્લામાં –૯ અને મોરબી જિલ્લામાં –૧ મળી આવ્યા હતા. આ તમામ બનાવો પૈકી મોટાભાગના બનાવોમાં આરોપીઓ પરપ્રાંતના વતની હોવાનો પર્દાફાશ થયો છે. તેઓ ગુજરાત બહારથી આવીને ગ્રામ્ય વિસ્તારોમાં તબીબી પ્રેકટીસ કરતા હતા. અને ગામડાંના લોકોને તબીબી સારવારના નામે એલોપેથી દવાઓ આપતા હતા.

 


પોલીસ દ્રારા રાજયભરમાંથી છેલ્લાં બે માસમાં એટલે કે ૧–૪–૨૧થી ૩૧–૫–૨૧ સુધીમાં કુલ ૫૩ બોગસ ડોકટરો પકડી પાડવામાં આવ્યા છે. આ અંગે કુલ ૫૩ ગુનાઓ દાખલ કરીને ૫૭ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. હજુ પણ આવા બોગસ ડોકટરોને પકડવાની કાર્યવાહી અને તપાસ ચાલુ હોવાનું રાજયના પોલીસ વડા આશીષ ભાટીયાએ જણાવ્યું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS