ધ્રોલ: બાલંભામાં પાણીની તંગી મુદ્દે સરપંચ સહિતના આગેવાનો જામનગર દોડ્યા
પાણી પુરવઠા અધિકારીને રૂબરૂ રજૂઆત બાદ ટૂંક સમયમાં નિયમિત પાણી વિતરણની ખાતરી
બાલંભા ગામમાં છેલ્લા કેટલાક સમયથી વર્તાઈ રહેલી પાણીની ગંભીર તંગીને ધ્યાને લઈને ગામના સરપંચ સહિતના સ્થાનિક આગેવાનોએ આજે જામનગર ખાતે આવેલી પાણી પુરવઠા કચેરીની રૂબરૂ મુલાકાત લીધી હતી. બાલંભા ગામના પ્રતિનિધિમંડળે જામનગર મુકામે પાણી પુરવઠા અધિકારી રાજ્યગુરુ સાથે રૂબરૂ મુલાકાત કરી ગામમાં પ્રવર્તી રહેલી પાણીની વિકટ પરિસ્થિતિનો ચિતાર રજૂ કર્યો હતો.
આ બેઠક દરમિયાન બાલંભાના આગેવાનોએ પાણીના પ્રશ્નો અંગે પાણી પુરવઠા અધિકારી રાજ્યગુરુ સાથે વિસ્તૃત અને સચોટ ચર્ચા-વિચારણા કરી હતી. ગામલોકોને પીવાના પાણી માટે પડતી મુશ્કેલીઓનો સત્વરે ઉકેલ લાવવા રજૂઆત કરવામાં આવી હતી.
ગ્રામજનોની આ રજૂઆતને અધિકારી રાજ્યગુરુએ ખૂબ જ ગંભીરતાપૂર્વક સાંભળી હતી અને હકારાત્મક પ્રતિસાદ આપ્યો હતો.
પાણી પુરવઠા અધિકારી દ્વારા યોગ્ય જવાબ સાથે ગ્રામજનોને આશ્ર્વાસન આપતા ખાતરી આપવામાં આવી હતી કે હવેથી બાલંભા ગામને રેગ્યુલર અને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહેશે. ગ્રામજનોની રજૂઆતને ધ્યાને રાખીને પાણીના પ્રશ્નનો કાયમી અને યોગ્ય ઉકેલ લાવવામાં આવશે તેવી ખાતરી મળતા જ બાલંભાના આગેવાનોએ રાહતનો શ્ર્વાસ લીધો હતો અને પાણી પુરવઠા અધિકારી રાજ્યગુરુનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.