ગુજરાતમાં પેરા કોચ મેળવવા મુશ્કેલ, નેશનલ ગેમ્સમાં પ્રતિનિધિત્વ કરવું હોય તો સ્વ ખર્ચે જવું પડે : મહિલા એથ્લેટિક સોનલ વસોયા 

  • March 08, 2020 10:14 AM 425 views

સોનલ વસોયા પાસે પેરા એથ્લેટીક , પેરા પાવર લિફ્ટિંગ, વીલ ચેર કબડી ત્રણેય રમતોમાથી મળેલા કલ ૪૩ મેડલ છે. પેરા એથલીટમાં ગોળાફેંક ,ભાલાફેંક , ચક્ર ફેંક, ઇન્ટરનેશનલ પાર્ટિસિપ્ન્ટ દુબઈ ભાષા વર્લ્ડ કપ ૨૦૧૯, નેશનલ પાર્ટિસિપ્ન્ટ ૨૦૧૮, ભાલાફેંકમા સિલ્વર મેડલ,ચક્રફેંકમાં બ્રોન્ઝમેડલ,નેશનલ પાર્ટિસિપ્ન્ટ ૨૦૧૬ ગોળા ફેંકમાં બ્રોન્ઝમેડલ,નેશનલ પાર્ટિસિપ્ન્ટ ૨૦૧૨,ગોળા ફેંકમાં સિલ્વર મેડલ ભાલા ફેંકમાં બ્રોન્ઝમેડલ રાજ્ય લેવલે ૨૦૧૧થી ૨૦૧૯ સુધીમાં ગોલ્ડ સિલ્વર અને બ્રોન્ઝ ત્રણેય થઈ ૧૨ મેડલ છે.જિલ્લા લેવલે ૨૦૧૧ થી ૨૦૧૯ સુધીના ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ ટોટલ ૨૨ મેડલ, પેરા એથ્લેટીકમાં ટોટલ મેડલ ૩૯ છે. પેરા પાવર લિફ્ટિંગમા નેશનલ પેરા પાવર લિફ્ટિંગ ૨૦૧૬માં ગુજરાતને સિલ્વરમેડલ અપાવ્યો. નેશનલ પેરા પાવર લિફ્ટિંગ ૨૦૧૮ પાર્ટિસિપ્ન્ટ, રાજ્ય લેવલે પેરા પાવર લિફ્ટિંગ ૨૦૧૭મા ગોલ્ડ મેડલ, રાજ્ય લેવલ પેરા પાવર લિફ્ટિંગ ૨૦૧૮મા બ્રોન્ઝમેડલ ,પેરા પાવર લિફ્ટિંગમાં ટોટલ નેશનલ અને રાજ્ય લેવલે ૩ મેડલ પેરા વિલચેર કબડી* ઇન્ટરનેશનલ પાર્ટિસિપ્ન્ટ નેપાળ ૨૦૧૯,ઇન્ડિયા માં પ્રથમ સીલ્વર મેડલ પ્રાપ્ત થયું છે. તેમની સાથેની મુલાકાત અત્રે પ્રસ્તુત છે.

 

૧)તમને પ્રેરણા કોઈ પાસેથી મળી કે તમારું પોતાનું મોટીવેશન છે ?

મારી પ્રેરણા મારી વિકલાંગતા જ છે, સમાજમાં રહેતા સામાન્ય લોકોને હું ૮૫ ટકા વિકલાંગ છું, છતાં કશુંક કરી શકું છું એ સંદેશ આપવા માંગતી હતી. વિકલાંગતા એ અભિશાપ નથી. વિકલાંગ પણ દેશને ગૌરવ અપાવી શકે છે તે બાબતનો સમાજમાં સ્વીકાર થાય, એ જ આત્મબળથી આજે હું સારી ખેલાડી બની શકી છું.

 

૨) હતાશાની ક્ષણોમાં તમને ટકાવી રાખનાર એક બાબત વિશે જણાવો.

મોટીવેશનલ વિડીયો... સાંભળું છું જેમાં ખાસ કરીને અપૂર્વ સ્વામી, કાજલ ઓઝા અને શ્રદ્ધા ઝા... વગેરે પસંદ છે.

 

૩) તમારા ક્ષેત્રમાં સુવિધાઓ મળે છે ? 

ના, બિલકુલ નહીં, ગુજરાતમાં પેરા કોચ મેળવવા મુશ્કેલ છે. એકેડેમી પણ ગાંધીનગરમાં આવેલી છે. જેમાં અમુક ઉંમર સુધી જ પ્રવેશ મળે છે. ૩૪ વર્ષની ઉંમર મર્યાદા નડી રહી હોય સ્વખર્ચે પ્રેક્ટિસ કરવી પડી રહી છે. શક્તિદૂત યોજના હેઠળ સામાન્ય વ્યક્તિને દર મહિને ભથ્થુ મળે છે, પરંતુ વિકલાંગ વ્યક્તિને તેનો લાભ મળતો નથી. ઇન્સ્ટ્રુમેન્ટ ખૂબ મોંઘા હોય જાતે વસાવી શકતા નથી. માટે હાલ પોતે ગાંધીનગર પીજીમાં રહીને પ્રેક્ટિસ કરી રહી છું. નેશનલ ગેમ્સમાં પણ પ્રતિનિધિત્વ કરવું હોય તો સ્વ ખર્ચે જવું પડે છે. સ્પોર્ટ્સ પર્સન તરીકે દર મહિને વર્કઆઉટ અને ફુડ માટે ૧૫ થી ૨૦ હજારનો ખર્ચ થતો હોય છે. ત્યારે નેશનલ ગેમ વખતે એક વખતમાં આટલો ખર્ચો થઈ જતો હોય છે. હાલ, મારી પોતાની આવક નથી માટે પરિવારજનોના સહકારથી આ શક્ય બની રહ્યું છે. પરંતુ પરિવાર પણ મિડલ ક્લાસ હોય આ ક્યાં સુધી પોષાશે તે કહી શકાય નહીં 

 

૪) તમને જો કહેવામાં આવે તો તમારા ક્ષેત્રમાં તમે શું સુધારા કરવા માંગો ?

૧ -વિકલાંગો નો બેરોજગારીનો આંકડો વધી રહ્યો છે. નોકરીમાં વિકલાંગો માટે ત્રણ ટકા અનામતની જોગવાઈ છે. જેમાં વિકલાંગતા માં પહેલા સાત પ્રકારની વિકલાંગતાનો સમાવેશ થતો હતો તે વધારીને 21 કરી નાખવામાં આવ્યો છે તે ઘટાડવા માંગીશ. કારણ કે એમબીએનો અભ્યાસ કર્યો હોવા છતાં નોકરી માટે શિક્ષણ નહીં પરંતુ રમત ગમત ક્ષેત્ર પર આધાર રાખી રહી છું.
૨- સરકારમાં વિકલાંગો માટેની જે પોસ્ટ હોય તેમા અનામતની ટકાવારી વિકલાંગોનો સર્વે કરી તેના આધારે નિર્ધારિત કરીશ.

૩- લાયકાત મુજબ કામ મળે તે માટે પૂરતો પ્રયત્ન કરીશ

૪- અનામતનો લાભ લઇ ન શક્યા હોય અને નોકરીથી વંચિત રહી ગયા હોય તેવા વિકલાંગને તેના ઘરે બેસીને બેરોજગારી દૂર થાય અથવા તો પેન્શન મળી રહે તેવો પ્રયત્ન કરીશ.

 

૫) તમારા હાથમાં સત્તા આપવામાં આવે તો મહિલાઓ માટે સૌથી પ્રથમ કયો નિર્ણય લો ?

સમાજમાં રહેલી વિકલાંગ મહિલાઓ સ્વનિર્ભર બની જાય તે પ્રકારના પૂરતા પ્રયત્નો હાથ ધરીશ

 

૬) તમારી દ્રષ્ટિએ મહિલાઓ માટે આજનું વાતાવરણ કેવું છે ?

મારી દ્રષ્ટિએ મહિલાઓ માટે હાલ સલામત વાતાવરણ નથી પરંતુ સરકાર આ મામલે જેટલું કરશે એટલું ઓછું જ પડવાનું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application