જાણી લો, માત્ર કોંગ્રેસ જ નહીં આ રાજકીય પક્ષો પણ રામમંદિરના કાર્યક્રમથી રહેશે દૂર

  • January 11, 2024 05:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

એક તરફ સમગ્ર દેશ રામ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા સમારોહની રાહ જોઈ રહ્યો છે. તો બીજી તરફ આ મુદ્દે રાજકારણ પણ એટલું જ ચાલી રહ્યું છે. કોંગ્રેસ હાઇકમાન્ડે તો કાર્યક્રમમાં ભાગ ન લેવાની વાત સપ્ષ્ટ કરી દીધી છે. આ વાતે જોર પણ એટલું જ પકડયું છે. ત્યારે આપને જણાવી દઇએ કે માત્ર કોંગ્રેસ જ નહી બલ્કે અન્ય ઘણા રાજકીય પક્ષોએ રામમંદિરના ભવ્યાતિભવ્ય સમારોહમાં ભાગ લેવાનો સ્પષ્ટપણે ઇન્કાર કરી દીધો છે.


કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને સોનિયા ગાંધીએ રામ મંદિરના અભિષેક સમારોહ માટેનું આમંત્રણ સ્વીકાર્યું ન હતું. એટલું જ નહીં આ અભિષેક સમારોહ એ ભાજપ અને આરએસએસની ઘટના ગણાવી હતી. જોકે કોંગ્રેસ હાઇકમાન્ડના આમંત્રણ ન સ્વીકારવાની વાત અંગે ખૂદ કોંગ્રેસ પક્ષમાં અન્ય નેતાઓએ નારાજગી વ્યક્ત કરી છે. જેમાં કોંગ્રેસના નેતા આચાર્ય પ્રમોદે આમંત્રણને નકારવાને ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ અને આત્મઘાતી નિર્ણય ગણાવ્યો છે. આ સાથે જ ગુજરાત કોંગ્રેસના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ પણ નારાજગી વ્યક્ત કરી છે.


શિવસેના(યુબીટી) એ પણ કહ્યું છે કે તે રામ મંદિરના કાર્યક્રમમાં ભાગ લેશે નહીં. શિવસેનાના નેતા સંજય રાઉતે કહ્યું કે પાર્ટીનો કોઈ નેતા તેમાં ભાગ નહી લે. આ સાથે આ કાર્યક્રમને ભાજપનો કાર્યક્રમ પણ ગણાવ્યો હતો.


આ તરફ સીપીએમ પણ રામમંદિર કાર્યક્રમથી દૂર રહેવાનું જણાવે છે. સીપીએમના નેતાઓ વૃંદા કરાત અને સીતારામ યેચુરી એક ધર્મને પ્રોત્સાહન આપવાનો કાર્યક્રમ ગણાવી રહ્યા છે. જયારે મમતા બેનર્જી માટે આ કાર્યક્રમમાં હાજરી આપવી મુશ્કેલ છે. તેણે આ અંગે પોતાના પક્ષના નેતાઓને પણ સંકેતો આપ્યા છે. જોકે મમતા દીદી રામમંદિર મુદ્દે ભાજપ પર પ્રહારો કરી ચૂકયા છે.


સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવ પણ આ કાર્યક્રમમાં હાજરી આપે તેવું જણાતું નથી. વાસ્તવમાં, આલોક કુમાર વિશ્વ હિન્દુ પરિષદ દ્રારા અખિલેશને આમંત્રણ આપવા ગયા હતા. પરંતુ અખિલેશ યાદવે તે આમંત્રણનો સ્વીકાર કર્યો નહોતો અને કહ્યું હતું કે અમે એવા કોઈ વ્યક્તિનું આમંત્રણ સ્વીકારતા નથી જેને અમે ઓળખતા નથી. જો કે, અખિલેશે વધુમાં કહ્યું કે અમારા પ્રિય ભગવાન શ્રીરામ આવી રહ્યા છે અને તેઓ જ્યારે બોલાવશે ત્યારે અમે જઈશું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application