જાણી લો, ચૂંટણીને ધ્યાનમાં રાખી આઇપીએલનું આયોજન કઇ રીતે કરશે બીસીસીઆઇ?

  • January 10, 2024 12:07 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઈન્ડિયન પ્રીમિયર લીગની 16મી સિઝન આ વર્ષે 22માર્ચથી યોજાશે. જ્યારે વુમન્સ પ્રીમિયર લીગની બીજી સિઝન ફેબ્રુઆરીના અંતથી શરૂ થશે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવાની છે. જેને ધ્યાનમાં રાખીને આઇપીએલનું આયોજન કરવામાં આવશે. લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર થવાને હજુ ઘણો સમય છે પણ આગામી સમયમાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે એ સૌ કોઇ જાણે છે. ત્યારે આ જ બાબતને ધ્યાનમાં રાખીને આઇપીએલનું આયોજન કરવામાં આવશે. વર્ષ 2019ની જેમ તમામ મેચ ભારતમાં યોજાશે.


એક તરફ લોકસભાની ચૂંટણી યોજાવાની છે બીજી તરફ આઇપીએલનું આયોજન કરવાનું છે ત્યારે બીસીસીઆઇએ ખાસ યોજના બનાવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આઇપીએલ  હોસ્ટિંગ શહેરોમાં જ્યારે લોકસભા ચૂંટણી યોજાશે તે સમયની મેચો અન્ય સ્થળો પર રિફર કરવામાં આવશે. જયારે આગામી તબક્કામાં જયાં ચૂંટણી હશે ત્યાંની મેચોને અન્ય સ્થળો પર યોજવામાં આવશે. બીસીસીઆઇ આ રીતે મેચોનું આયોજન કરવાની યોજના બનાવી રહ્યું છે.


કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના પુત્ર અને બીસીસીઆઈના સચિવ જય શાહ આઈપીએલનું ભારતમાં યોગ્ય આયોજન થાય તે માટે સખત મહેનત કરી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ અંગે બીસીસીઆઈ અને કેટલાક સરકારી મંત્રાલયો વચ્ચે વાતચીત પણ થઇ ગઇ છે. ચૂંટણી દરમિયાન મેચો માટે સુરક્ષાકર્મીઓ ઉપલબ્ધ થવા અંગે કોઈ મુશ્કેલી નહીં આવે. આપને જણાવી દઇએ કે આ પહેલા વર્ષ 2009 અને 2014માં સામાન્ય ચૂંટણીને કારણે આઈપીએલનું આયોજન વિદેશમાં કરવું પડ્યું હતું.


2009માં આઈપીએલ કમિશનર લલિત મોદી હતા, એ સમયે સમગ્ર ટુર્નામેન્ટ દક્ષિણ આફ્રિકામાં યોજાઈ હતી. જ્યારે 2014માં યુએઈના અબુધાબી, દુબઈ અને શારજાહમાં પ્રથમ 20 મેચોનું આયોજન કરવામાં આવ્યું હતું. 2 મેના રોજ ચૂંટણી બાદ આઇપીએલની બાકી રહેલી મેચો ભારતમાં યોજવામાં આવી હતી. પરંતુ 2019માં, સામાન્ય ચૂંટણીની સાથે આઇપીએલની તમામ મેચો દેશમાં યોજાઈ હતી. ત્યારે આ વખતે પણ લોકસભાની ચૂંટણીના માહોલમાં આઈપીએલની મેચો દેશમાં યોજાવાનું બીસીસીઆઇનું આયોજન છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application