વેરાન કેવડિયાને ધરતીનું ઘરેણું બનાવી દીધું મોદીએ

  • October 31, 2020 08:00 PM 1134 views

કેવડિયાને નરેન્દ્ર મોદીએ વૈશ્ર્વિક પર્યટન સ્થળ બનાવી દીધું છે. સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્ર્વની સૌથી મોટી પ્રતિમા માત્ર બનાવીને અટકી જવાને બદલે કેવડિયાની આજુબાજુના વિશાળ વિસ્તારમાં પર્યટન માટે એટલી સુવિધાઓ વિકસાવી કે પ્રવાસીને પુરતું મનોરંજન મળી રહે. સ્ટેચ્યુ ઓફ યુનિટીની આજુબાજુ જંગલ સફારી, થીમ પાર્ક, ચિલ્ડ્રન પાર્ક, સી-પ્લેન વગેરે જે સુવિધાઓ વિકસાવવામાં આવી છે તે વડાપ્રધાનની પરિકલ્પ્નાના પ્રકલ્પ છે. ગુજરાતના લોકોએ સરદાર સરોવર ડેમ અને કેવડિયા કોલોની અગાઉ જોઈ છે. ડેમ સિવાય ત્યાં કશું જ નહોતું. રહેવા-જમવાની પણ પુરતી સુવિધા નહોતી. જંગલ વિસ્તાર અને ખળખળ વહેતી નર્મદા નદી સિવાય કશું જ નહોતું. ત્યાં આજે સરદારની પ્રતિમા તો છે જ, તેની આજુબાજુનો વિસ્તાર એટલો વિકસી ગયો છે કે ઓળખી ન શકાય. એકતા દિવસે વડાપ્રધાને આરોગ્ય વન, એકતા મોલ, ક્રુઝ બોટ, ગ્લો ગાર્ડન, કેકટસ ગાર્ડન વગેરે સુવિધાઓનું લોકાર્પણ કર્યું અને આજે દેશની સર્વપ્રથમ સી-પ્લેન સેવાનું લોકાર્પણ કર્યું.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની એ ખાસિયત છે કે તેઓ અન્ય કરતાં ઘણું મોટું વિચારી શકે છે. તે માત્ર આફતને અવસરમાં પલટાવવાની જ કુશળતા નથી ધરાવતા, પરંપરા કરતા વધુ આગળ અને ધારણાં કરતાં વધુ વિશાળ દૃષ્ટિથી જોવાની તેમની ક્ષમતા છે. તેમની રાજકીય કૂનેહ અને તેમાં ગમે તેમ કરીને સફળ થવાની આવડતની વાત બાજુએ રાખીએ તો પણ, નવા નવા પ્રકલ્પો અને યોજનાઓ થકી તે હંમેશા દેશને કશુંક નવું આપતા રહ્યા છે. કાશ્મીરમાંથી 370મી કલમ હટાવવા કે પાકિસ્તાન પર સર્જિકલ સ્ટ્રાઈક કરવા જેવી બાબતો કરીને તેઓ બેસી જતાં નથી. તે સતત કંઈક અલગ કરતાં રહે છે અને આ દરમિયાન એમની રાજકીય સોગઠાબાજી તો ચાલતી જ રહે છે. અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ બનાવીને તેઓ બેસી ન રહ્યા. તેમણે ગિફટ સિટીનો પ્રોજેકટ આપ્યો. ભલે આ પ્રોજેકટ એટલો સફળ ન થયો પણ, પોતાની રીતે આ એક બહં જ મહાત્વાકાંક્ષી પ્રોજેકટ છે. ગાંધીનગરમાં મહાત્મા મંદિર જેવી સુવિધાઓ ઉભી કરનાર નરેન્દ્રભાઈ અમદાવાદ મેટ્રોના પ્રોજેકટમાં ખત્તા ખાઈ ગયા અથવા તેમણે કશીક અલગ ગણતરીઓ કરી હશે કે આ પ્રોજેકટ હજુ બની જ રહ્યો છે. સામાન્ય રીતે તેઓ જે ટાઈમલાઈન આપે તે પ્રમાણે પ્રોજેકટ પુરા પણ કરાવે છે જેનું ખાતમુહર્ત કર્યું હોય તેનું લોકાર્પણ પણ કરવાની તેમની પ્રચલિત ઉક્તિ છે. કેવડિયાનો વિકાસ ગુજરાતને વિશ્ર્વ પર્યટન નકશા પર વધુ મજબૂત બનાવશે. નર્મદાના આ આદિવાસી પ્રદેશને નંદનવન જેવો બનાવી દેવાનું તમામ શ્રેય એકમાત્ર નરેન્દ્ર મોદીને જાય છે. તે તેનો ડ્રીમ પ્રોજેકટ છે. કચ્છના ભેંકાર રણમાં જેમણે રણોત્સવ આપીને લોકોને રણનો પ્રવાસ કરતાં કરનાર મોદી કેવડિયાને હજુ વધુ વિકસાવશે.
 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application