જ્યોતિ CNC રાજકોટમાં અઠવાડિયાના ૧૦૦૦ વેન્ટીલેટર બનાવશે

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોરોના સામેની લડતમાં રાજકોટના ઉદ્યોગપતિ પરાક્રમસિંહ જાડેજાએ બેમિસાલ યોગદાન આપ્યું છે અને જ્યોતિ સીએનસી દર અઠવાડીયે ૧૦૦૦ વેન્ટીલેટરનું ઉત્પાદન કરશે તેવો નિર્ણય લીધો છે.આ અંગે રાજકોટ જિલ્લા કલેકટર રેમ્યા મોહને જણાવ્યું હતું કે કોરોનાની વર્તમાન પરિસ્થિતિમાં રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં વેન્ટીલેટરની જરૂરિયાતને ધ્યાનમાં રાખી રાજકોટમાં દર સપ્તાહે ઓછામાં ઓછા ૧૦૦૦નુ ઉત્પાદન થાય તે દિશામાં પ્રયાસો શરૂ કરાયા છે આવતીકાલથી આ કામગીરી શરૂ થઇ જશે.


કલેક્ટરે વધુમાં જણાવ્યું હતું કે સમગ્ર રાજ્યમાં વેન્ટિલેટરની જરૂરિયાત ઊભી થાય તે મુજબ રાજકોટમાં જો જરૂરિયાત ઓછી હશે તો આવા વેન્ટિલેટર રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ મોકલવામાં આવશે.રાજકોટ શહેર અને જિલ્લામાં કોરોના સંદર્ભે હાલ પરિસ્થિતિ સારી છે. પરંતુ આમ છતાં ભવિષ્યમાં કદાચ જરૂર પડે તો આગોતરા આયોજનના ભાગરૂપે ડોક્ટરો અને પેરામેડિકલ સ્ટાફની ભરતી કરવામાં આવશે. આ માટે જિલ્લા આરોગ્ય અધિકારીને સરકાર દ્વારા તે અંગેના પાવર આપવામાં આવ્યા છે. અમદાવાદ, જામનગર, સુરત અને ભાવનગરની માફક રાજકોટમાં પણ કોરોનાના સેમ્પલના ટેસ્ટિંગ માટે લેબોરેટરીની સ્થાપના કરવાનો નિર્ણય લેવાઈ ગયો છે. તે અંગેના સાધનની ખરીદી થઈ ગઈ છે. આ સાધનો મુંબઈથી રાજકોટ મોકલવામાં આવશે અને ગુજરાતમાં રાજકોટ ઉપરાંત વડોદરા ખાતે પણ ટેસ્ટીંગ લેબોરેટરી શરૂ કરવામાં આવશે તેમ પણ કલેક્ટરે જણાવ્યું હતું. કોરોનાના સેમ્પલ માઇનસ ૭૦ ડિગ્રીમાં રહી શકે તે પ્રકારના ખાસ ડીપ ફ્રીજ અને અન્ય સાધનસામગ્રી ખરીદવામાં આવી છે અને ટૂંક સમયમાં રાજકોટ ખાતે પણ લેબોરેટરી શરૂ થઇ જશે.

આજે ફાઈનલ જાહેરાત: પરાક્રમસિંહ
જયોતી સીનેઅસીના માલિક અને ટેકનોક્રેટ પરાક્રમસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, કોરોના સામે લડવા માટે વેન્ટિલેટર અત્યંત આવશ્યક સાધન છે. દેશભરમાં માત્ર ૪૦,૦૦૦ જેટલાં જ વેન્ટિલેટર છે એટલે જો કોરોનાની મહામારી વકરે તો પરિસ્થિતિ વધુ કપરી બને. આ પરિસ્થિતિને ટાળવા માટે અને તાત્કાલિક ધોરણે વેન્ટિલેટર બનાવવાનો નિર્ણય કર્યો છે. અઠવાડિયે ૧૦૦૦ જેટલા વેન્ટિલેટર બનાવવાની અમારી નેમ છે. કેટલું પ્રોડકશન થશે એની ફાઈનલ જાહેરાત આજ સુધીમાં અમે કરીશું.

ઉદ્યોગો માટે ટોલ ફ્રી નંબર જાહેર કરાશે
સેનીટાઈઝર,માસ્ક અને અન્ય જીવન જરૂરી ચીજ વસ્તુઓના ઉત્પાદન સાથે જોડાયેલા ઉદ્યોગપતિઓને લોકડાઉનના આ સમયગાળામાં પણ ધંધા રોજગાર ચાલુ રાખવા છૂટ આપવામાં આવી છે. પરંતુ પ્રોડક્શન થયા બાદ તે માલના પરિવહન માટે મુશ્કેલી ઉભી થઈ રહી છે. આ પરિસ્થિતિ નિવારવા માટે જીવનજરૂરી ચીજવસ્તુઓ અને માસ્ક તથા સેનીટાઈઝર જેવી ચીજવસ્તુઓ પરિવહન થતું હોય તો તેને ન અટકાવવા પોલીસ સહિતના તંત્રને સૂચના આપવામાં આવશે. સાથોસાથ ઉદ્યોગપતિઓ માટે ખાસ નવો ટોલ ફ્રી નંબર આજ સાંજ સુધીમાં જાહેર કરવામાં આવશે .જો કોઇ ને કોઇ પ્રકારની સમસ્યા હોય તો ઉદ્યોગપતિ ટોલ ફ્રી નંબર પર સંપર્ક સાધી શકશે. કલેક્ટરે વધુમાં જણાવ્યું હતું કે મને વિવિધ ઉધોગપતિઓ તરફથી આજના દિવસમાં જ ૫૦ જેટલી ફરિયાદો મળી છે અને તેથી તેના નિકાલ માટે ટોલ ફ્રી નંબર ની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

ગરીબ પરિવારોને અનાજ માટે નિયમની ઉપરવટ નિર્ણય
જે વ્યક્તિનો પરિવાર બીપીએલ કાર્ડ ધરાવતો હોય અને આ યોજના અંતર્ગત રેશન કાર્ડ હોય તો જ સરકારની જાહેર વિતરણ વ્યવસ્થા મુજબનો ઘઉં-ચોખા ખાંડ જેવી ચીજવસ્તુઓનો પુરવઠો મળતો હોય છે. પરંતુ હાલ જંગલેશ્વર વિસ્તારમાં ૯૭ પરિવારને તેમની પાસે કોઈ પ્રકારનું કાર્ડ ન હોય તો પણ તમામ ચીજ વસ્તુઓ આપવામાં આવે છે તેમ કલેક્ટરે જણાવ્યું હતું.

સફાઈ કામદારોને લેવા-મૂકવા ખાસ વ્યવસ્થા કરાશે
લોકડાઉનની વર્તમાન પરિસ્થિતિને કારણે સફાઈ કામદારોને પોતાની કામગીરીના સ્થળે જવા આવવા માટે કોઈ સમસ્યા ઉભી ન થાય તે માટે લાવવા અને મૂકવા સહિતની વ્યવસ્થા ગોઠવવામાં આવનાર છે. આ માટે મ્યુનિસિપલ કમિશનર સાથે મિટિંગ કરીને સાંજ સુધીમાં નિર્ણય લેવા જશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS