બેટ દ્વારકામાં સ્થિત મંદિરમાંથી દાગીના-રોકડની ચોરી
અન્ય એક રહેણાંક મકાનમાં ખાતર પાડતા તસ્કરો
ઓખા મંડળના બેટ દ્વારકા વિસ્તારમાં આવેલા શ્રી આવડ માતાજીના મંદિરે તેમજ શ્રી સિંધણી (સિકોતેર) માતાજીના મંદિરે ગઈકાલે શુક્રવારે કોઈ તસ્કરોએ પ્રવેશ કરી અને આવળ માતાજીના મંદિરની દાન પેટીમાં રહેલા આશરે ૧,૫૦૦ રોકડા તથા નજીક આવેલા શ્રી સિંધણી (સિકોતર) માતાજીના મંદિરની મૂર્તિ પર લગાવવામાં આવેલા આશરે ૩,૦૦૦ની કિંમતના સોનાના બે ચાંદલા ચોરી કરીને લઈ ગયા હોવાનું ખુલવા પામ્યું છે. આ સમગ્ર બનાવ અંગે બેટ દ્વારકાના રહીશ નીતિનભાઈ દેવજીભાઈ ધાવરીયાની ફરિયાદ પરથી કુલ રૂ. ૩,૦૦૦ ની કિંમતના મુદ્દામાલની ચોરી થવા બેટ દ્વારકા પોલીસે ધોરણસર ગુનો નોંધી, આગળની તપાસ ઈન્ચાર્જ પી.આઈ. કે.કે. મારુ દ્વારા હાથ ધરવામાં આવી છે.
અન્ય એક પ્રકરણમાં બેટ દ્વારકામાં લાયન્સ ક્લબ સોસાયટીની પાછળના ભાગે રહેતા પંકજભાઈ હરજી ભાઈ ધાવરિયા નામના ૩૦ વર્ષના વેપારી યુવાનના રહેણાંક મકાનમાં શુક્રવારે અજાણ્યા તસ્કરો એ ખાતર પાડી, આ મકાનનું તાળું તોડી, અંદર પ્રવેશ કર્યો હતો.
આ મકાનની અંદર રહેલા કબાટમાં રહેલી તિજોરી તોડીને અહીં રાખવામાં આવેલી રૂ. ૧૨ હજારની રોકડ રકમ તથા ઘરના મંદિર પાસે રાખવામાં આવેલા રૂ. ૨ હજાર મળી, કુલ રૂ. ૧૪ હજારની રોકડ મત્તા ચોરી કરીને લઈ ગયા હોવાનું ખુલવા પામ્યું છે. જે અંગે પોલીસે અજાણ્યા તસ્કરો સામે બી.એન.એસ.ની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, બેટ દ્વારકાના પી.આઈ. કે.કે. મારુ દ્વારા તસ્કરોને ઝડપી લેવા માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.