શહેરમાં આડેધડ ખોદકામથી અન્ડરગ્રાઉન્ડ વીજ કેબલિંગમાં સર્જાતાં ફોલ્ટથી જનતા ત્રાહિમામ

  • March 04, 2021 03:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આ સમસ્યાના નિવારણ માટે વોટ્સએપ ગ્રુપ બનાવી સંતોષ માનતાં પીજીવીસીએલના એમડી


રાજકોટવાસીઓને કોઈ અડચણ વગર વીજ પુરવઠો મળતો રહે તે માટે લગભગ 300 કરોડનાં ખર્ચે આઇપીડીએસ સ્કીમ અંતર્ગત તમામ એચટી લાઈન અન્ડરગ્રાઉન્ડ કરવામાં આવી છે. જો કે શહેરમાં આડેધડ થઈ રહેલાં ખોદકામને લીધે અવારનવાર અન્ડરગ્રાઉન્ડ કેબલિંગમાં ફોલ્ટ સર્જાઈ રહ્યો છે. તાજેતરમાં ગણતરીના દિવસોમાં જ રૈયા ચોકડીથી રૈયા એક્સચેન્જ, સાધુ વાસવાણી રોડ પર ખોદકામને કારણે અન્ડરગ્રાઉન્ડ કેબલિંગને નુકશાન થતાં કલાકો સુધી વીજપુરવઠો ખોરવાયો હતો.

 


ચોમાસા, અકસ્માત તથા મકરસંક્રાંતિના તહેવારે પતંગો ફસાતાં વીજળી ગુલ થવાની સમસ્યાથી રાજકોટવાસીઓને મુક્તિ મળે તે માટે વર્ષ 2018માં અન્ડર ગ્રાઉન્ડ કેબલિંગની શરૂઆત થઈ હતી. જેમાં 11 કિલો વોટ વીજના તાર અને વીજ પોલ દૂર કરી અન્ડરગ્રાઉન્ડ કેબલિંગ પાથરવામાં આવનાર છે. હકિકતમાં સુવિધા આપતી આ સિસ્ટમ હાલ શહેરમાં આડેધડ ખોદાઈ રહેલાં ખાડાને પગલે સમસ્યાજનક બની છે. કોન્ટ્રાકટરો દ્વારા યોગ્ય સંકલનના અભાવે થઈ રહેલી કામગીરીને પગલે અન્ડરગ્રાઉન્ડ કેબલને નુકશાન પહોંચતા જે તે વિસ્તારમાં વીજ પુરવઠો ગુલ થવાની ઘટનાઓમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે.

 


તાજેતરમાં જ રૈયા ચોકડીથી રૈયા એક્સચેન્જ પાસે, સાધુવાસવાણી રોડ ઉપર ઓસ્કાર સીટી અને ગાર્ડન સીટી પાસેની શેરીમાં અન્ડરગ્રાઉન્ડ કેબલને નુકશાન થતાં 10 ટીસી બંધ કરવા પડ્યા હતાં. પીજીવીસીએલના સૂત્રો અનુસાર, શહેરમાં મંજુરી કે જાણ વગર ખોદકામની કામગીરી ચાલી રહી છે. જેને લીધે અવારનવાર કેબલ ડેમેજ થાય છે. પરિણામે તાત્કાલિક પાવર બીજા ફીડરમાં ફેરવવા માટે બંને ફીડર બંધ કરવા પડે છે અને ત્યાર બાદ કેબલ રીપેર થઇ જાય ત્યારે પાછું રાબેતા મુજબ કરવા પાછા આ બંને ફીડર બંધ કરવા પડે છે. આમ કરોડોનો ખર્ચ કયર્િ પછી પણ પાવર ચાલુ બંધ કરવાની પરિસ્થિતિ જેમની તેમ રહી છે. આ અંગે પીજીવીસીએલના એમડી શ્વેતા તિઓટીયાને આ અંગે પૂછતાં તેમણે જણાવ્યું હતું કે, આવી પરિસ્થિતિ ન સર્જાય તે માટે અમે વોટ્સએપમાં ગ્રૃપ બનાવ્યું છે અને તેના માધ્યમથી અધિકારીઓ સાથે સંકલન કરીને ફરિયાદના નિકાલ માટે કાર્યવાહી કરવામાં આવે છે. ! તેમ છતાં કોન્ટ્રાકરો દ્વારા સંકલનના અભાવે અવારનવાર આવી પરિસ્થિતિ સર્જાય છે.

 

 

ગત વર્ષે ખોદકામને લીધે જેસીબીમાં આગ ભભૂકી ઊઠી હતી !
શહેરમાં ગત વર્ષે 150 ફૂટ રીંગ રોડ પર સ્પિડવેલ પાર્ટી પ્લોટ પાસે આડેધડ ખોદકામ ચાલી રહ્યું હતું. જેને પગલે ગેસની લાઈન લિકેજ થતાં જેસીબી મશીનમાં આગ ભભૂકી ઊઠી હતી. સદભાગ્યે ગેસ પુરવઠો સમયસર બંધ કરી દેવામાં આવતાં મોટી દુર્ઘટના સહેજમાં ટળી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS