BREAKING NEWS

જામનગરની ૧૮૧ મહિલા હેલ્પલાઈન ટીમે મહિલા કંડક્ટર સાથે અભદ્ર વર્તન કરનાર વૃદ્ધને કાયદાનું ભાન કરાવ્યું

  • March 28, 2026 10:08 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરની ૧૮૧ મહિલા હેલ્પલાઈન ટીમે મહિલા કંડક્ટર સાથે અભદ્ર વર્તન કરનાર વૃદ્ધને કાયદાનું ભાન કરાવ્યું

​બસમાં ટિકિટ લેવા બાબતે ઉશ્કેરાઈને હાથ ઉગામનાર ૬૦ વર્ષીય વૃદ્ધે પોતાની ભૂલ સ્વીકારી પીડિતાની માફી માંગી: અભયમની ટીમે સ્થળ પર જ સુખદ સમાધાન કરાવ્યું

​જામનગર શહેરમાં મહિલાઓની સુરક્ષા અને સહાય માટે કાર્યરત ૧૮૧ મહિલા હેલ્પલાઈનની ટીમે આજે એક મહિલા કંડક્ટરની વહારે આવી માનવીય અભિગમ સાથે કાયદાકીય સમજ પૂરી પાડી હતી. આ બનાવની વિગતો મુજબ, બસમાં ફરજ બજાવતા મહિલા કંડક્ટર જ્યારે મુસાફરોની ટિકિટ કાપી રહ્યા હતા ત્યારે એક ૬૦ વર્ષીય વૃદ્ધ મુસાફર સાથે ટિકિટના પેમેન્ટ બાબતે બોલાચાલી થઈ હતી. વૃદ્ધે રાજકોટની ટિકિટ લીધા બાદ ઓનલાઈન પેમેન્ટ કરવાનું કહેતા મહિલા કંડક્ટરે વિનમ્રતાથી જણાવ્યું હતું કે અંકલ, ટિકિટ કપાઈ ગઈ છે તે પહેલા જણાવવું જોઈતું હતું. આ સાંભળતા જ વૃદ્ધ ઉશ્કેરાઈ ગયા હતા અને ભરી બસમાં અન્ય મુસાફરોની હાજરીમાં મહિલા કંડક્ટર સાથે અપશબ્દો બોલી ઝઘડો કરવા લાગ્યા હતા.મામલો એટલો બિચક્યો હતો કે વૃદ્ધે મહિલા પર હાથ ઉગામ્યો હતો અને રાજકોટ પહોંચ્યા બાદ જોઈ લેવાની ધમકી આપી હતી.

​અત્યંત ભયભીત થયેલી પીડિત મહિલાએ તુરંત ૧૮૧ હેલ્પલાઈન પર કોલ કરી મદદ માંગતા કાઉન્સેલર ઈશિતા પરમાર, કોન્સ્ટેબલ ગીતાબેન ધારવિયા અને પાયલોટ રામજીભાઈ સિયારની ટીમ તત્કાલ ઘટનાસ્થળે પહોંચી હતી.અભયમની ટીમે સૌપ્રથમ પીડિતાને શાંત પાડી આશ્વાસન આપ્યું હતું અને ત્યારબાદ ઉદ્ધત વર્તન કરનાર વૃદ્ધ પુરુષને કાયદાકીય જોગવાઈઓ તેમજ સ્ત્રીની ગરિમા જાળવવા બાબતે ગંભીરતાથી સમજ આપ્યા હતા. ૧૮૧ની ટીમ દ્વારા આપવામાં આવેલી કાયદાકીય સમજ અને સલાહ-સૂચનો બાદ વૃદ્ધને પોતાની ભૂલ સમજાઈ હતી અને તેમણે જાહેરમાં પીડિતાની માફી માંગી હતી તેમજ ભવિષ્યમાં કોઈ પણ મહિલા સાથે આવો વ્યવહાર નહીં કરવાની બાહેધરી આપી હતી. પીડિત મહિલાએ પણ ઉદારતા દાખવી વૃદ્ધને માફ કર્યા હતા અને મુશ્કેલ સમયે ત્વરિત મદદ કરવા બદલ ૧૮૧ મહિલા હેલ્પલાઈનનો આભાર માન્યો હતો, આમ આ સમગ્ર મામલે સ્થળ પર જ સુખદ સમાધાન આવ્યું હતું.
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News