જામનગર શહેર ભાજપે મહાનગરપાલિકા ચૂંટણી માટે તૈયારીનો શ્રીગણેશ કર્યો
આજથી ૬૪ બેઠકો માટે ફોર્મ વિતરણ — ગુરુવારે સેન્સ પ્રક્રિયા હાથ ધરાશે
જામનગર મહાનગરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા આગામી મહાનગરપાલિકા ચૂંટણી માટે આજથી સત્તાવાર રીતે તૈયારીનો શ્રીગણેશ કરવામાં આવશે. શહેર ભાજપ કાર્યાલય પરથી તમામ ૧૬ વોર્ડની કુલ ૬૪ બેઠકો માટે ઉમેદવારીના ફોર્મનું વિતરણ શરૂ કરવામાં આવશે.
શહેર ભાજપ અધ્યક્ષ બીનાબેન કોઠારીના જણાવ્યા મુજબ, આજ સવારે ૧૦:૦૦ વાગ્યાથી શહેર ભાજપ કાર્યાલય પરથી ફોર્મ વિતરણ કરવામાં આવશે. સમગ્ર દિવસ દરમિયાન ચૂંટણી લડવા ઈચ્છુક ઉમેદવારો ફોર્મ મેળવી શકશે.
ત્યારબાદ ગુરુવારે પ્રદેશ નિરીક્ષકોની ટીમ જામનગર પહોંચશે અને તમામ વોર્ડ માટે સેન્સ (ઇન્ટરવ્યુ) પ્રક્રિયા હાથ ધરશે. વોર્ડ નંબર ૧ થી ૮ માટે સેન્સ પ્રક્રિયા દિગજામ સર્કલ પાસે આવેલા ફ્રેન્ડઝ હોલ ખાતે વહેલી સવારે શરૂ થશે અને દિવસભર ચાલશે. દરેક વોર્ડના દાવેદારોની ક્રમશઃ સેન્સ લેવામાં આવશે.
તે જ રીતે, વોર્ડ નંબર ૯ થી ૧૬ માટેની સેન્સ પ્રક્રિયા શહેર ભાજપના મધ્યસ્થ કાર્યાલય ખાતે સવારે ૯:૩૦ વાગ્યાથી શરૂ થશે. અહીં પણ નિરીક્ષકોની ટીમ હાજર રહી તમામ દાવેદારોની પ્રક્રિયા પૂર્ણ કરશે.
આગામી ચૂંટણીને લઈને શહેર ભાજપ કાર્યાલયમાં ભારે જમાવડો જોવા મળી રહ્યો છે. શહેર ભાજપ અધ્યક્ષ બીનાબેન કોઠારી સાથે મહામંત્રી વિજયસિંહ જેઠવા, મૃગેશભાઈ દવે, ભાવેશભાઈ ઠુમમર અને સંગઠનની ટીમ સમગ્ર પ્રક્રિયા સંભાળી રહી છે.