જામનગરમાં એરફોર્સના કર્મચારીને ૮૧.૭૧ લાખનું રોકાણ કરાવી છેતરપીંડી
૩ શખ્સો સામે પોલીસ ફરીયાદ : ધંધામાં ભાગીદાર બનાવી ઉંચા નફાની લાલચ આપી : અંદાજે ૧૦ લાખ જેટલી નફાની રકમ આપી બાકીની રકમ માંગતા ધમકી
જામનગરના એરફોર્સ-૨ ખાતે નોકરી કરતા એક યુવાનને લાલચ આપીને ધંધમાં ભાગીદાર બનાવી ૮૧.૭૧ લાખનું રોકાણ કરાવવામાં આવ્યુ હતું એ પછી ૧૦ લાખ જેવી નફાની રકમ આપીને બાકીની રકમની માંગણી કરતા આરોપીઓ દ્વારા ધાક ધમકી આપીને છેતરપીંડી કરવામાં આવતા મામલો પોલીસ મથકે પહોચ્યો છે જયાં કર્મચારી દ્વારા ૩ શખ્સ સામે પોલીસ ફરીયાદ નોંધાવવામાં આવી છે જેના આધારે તપાસ ચલાવવામાં આવી છે.
જામનગરના એરફોર્સ-૨ ખાતે રહેતા અને એરફોર્સમાં નોકરી કરતા ધનંજય ચંદ્રીકાપ્રસાદ મિશ્રા (ઉ.વ.૪૦)એ ગઇકાલે સીટી-સી ડીવીઝનમાં જામનગરના ધર્મેન્દ્રસિંહ જાડેજા, અર્જુનસિંહ અને સચિન પંચોલી નામના ૩ શખ્સો વિરુઘ્ધ છેતરપીંડી અને ધમકી દીધાની બીએનએસ કલમ ૩૧૬(૨), ૩૫૨, ૩૫૧(૨), ૫૪ મુજબ ફરીયાદ નોંધાવી છે.
૨૦૨૪ના સમયગાળા દરમ્યાન ફરીયાદી ધનંજયભાઇને આરોપી ધર્મેન્દ્રસિંહે અલગ અલગ લાલચ આપીને પોતાના ધંધામાં ફરીયાદીને ભાગીદાર બનાવી બે વર્ષના ગાળામાં કુલ રકમ ૮૧.૭૧.૮૩૨ જેટલુ રોકાણ કરાવી આશરે ૧૦ લાખ જેટલો નફો આપ્યો હતો. જયારે બાકીની રકમ પરત નહીં કરતા ફરીયાદીએ આરોપી પાસે પોતાની રકમની માંગણી કરી હતી.
દરમ્યાનમાં આરોપીઓએ ફરીયાદીને અપશબ્દો અને ધાક ધમકી દઇ રકમ પરત નહીં કરીને છેતરપીંડી આચરી એકબીજાને મદદગારી કરી હતી આથી મામલો પોલીસમાં લઇ જવામાં આવ્યો હતો જે ફરીયાદના આધારે સીટી-સી પીઆઇ ડાભીની સુચનાથી પીએસઆઇ કે.એચ. ચાવડા અને સ્ટાફ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે.
વધુમાં જાણવા મળેલી વિગત મુજબ ફરીયાદી ધનંજય મિશ્રા એરફોર્સ-૨માં નોકરી કરે છે અને આશરે ત્રણેક વર્ષ પહેલા ધર્મેન્દ્રસિંહ પટેલવાડીવાળા સાથે સંપર્ક થયો હતો તેમજ ઠેકેદાર તરીકે સચિનને મળાવેલ દરમ્યાનમાં સોલાર પ્લાન્ટમાં રોકાણ કરવુ હોય તો સારો એવો ફાયદો થશે એવી વાતચીત કરી હતી અને અર્જુન ધર્મેન્દ્રસિંહનું ફાઇનાન્સનું કામ સંભાળે છે. તમને સારો એવો લાભ મળશે એવી લાલચ આપી હતી એ પછી બેંક ખાતા મારફતે અલગ અલગ રકમની કાર અને મોબાઇલની લોન કરાવી તેમજ રોકડ રકમ આપી હતી.
ભાગીદારીમાં લોડરની ખરીદી કરી હતી જેમાં ૫૦ ટકા ભાગીદારીની વાત કરવામાં આવી હતી ત્યાર બાદ બાકીની રકમ પરત નહી આપીને છેતરપીંડી કરવામાં આવી હોવાનું ફરીયાદીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.