જામનગરમાં એકાંતરા પાણી વિતરણમાં ધાંધિયા, મહિલાઓ મનપાની કચેરીએ દોડી આવી
જામનગરમાં એકાંતરા પાણી વિતરણમાં ધાંધિયાથી રોષે ભરાયેલી મહીલાઓ આજે મહાનગરપાલીકાની કચેરીએ રજૂઆત અર્થે દોડી આવી હતી. મહાપ્રભુજી બેઠક પાસુેના વિસ્તારોમાં પાણી વિતરણનો કોઇ ચોકકસ સમય ન હોવાની અને ઓછા ફોર્સથી પાણી આવતું હોવાની રાવ વોટર વર્કસ વિભાગના અધિકારીઓને કરી હતી. વરસાદમાં વિલંબ વચ્ચે મનપા દ્વારા શહેરમાં પૂરતું પાણી આપવામાં ન આવતું હોવાની થોકબંધ ફરિયાદો ઉઠી છે. આથી શહેરીજનો ભારે હેરાન-પરેશાન થઇ ગયા છે.
જામનગરમાં ચોમાસામાં વિલંબ થયો છે. આટલું જ નહીં હજુ સુધી મેઘરાજા મનમૂકીને વરસ્યા નથી. આથી ધીમે ધીમે પાણીની મોકાણ સર્જાઇ રહી છે. શહેરને પાણી પુરૂ પાડતા જળાશયોમાં ૩૧ જુલાઇ સુધી પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. આથી મનપા દ્વારા શહેરના જે ૬ ઝોનમાં દૈનીક પાણી વિતરણ કરાતું હતું તે બંધ કરી તમામ ૧૨ ઝોનમાં એકાંતરા પાણી વિતરણ કરવાનો નિર્ણય કર્યો છે. પરંતુ એકાંતરા પાણી વિતરણમાં પણ ધાંધિયાની થોકબંધ ફરિયાદો શહેરીજનોમાં ઉઠી છે. આ સ્થિતિમાં શહેરમાં કાલાવડ નાકા બહાર મહાપ્રભુજી બેઠક પાસે આવેલી આરાધના ગ્રીન્સ સોસાયટીમાં એકાંતરા પાણી વિતરણ સમયસર કરવામાં ન આવતા રોષે ભરાયેલી મહીલાઓ સોમવારે રજૂઆત અર્થે મનપાની કચેરીએ દોડી આવી હતી. તમામ મહીલાઓએ પાણી પ્રશ્ર્ને વોટર વર્કસ વિભાગના અધિકારીઓને રજૂઆત કરી હતી.
મહીલાઓએ એકાંતરા પાણી વિતરણનો કોઇ ચોકકસ સમય નથી. રાત્રીના ૧૨ કલાકે પાણી આપવામાં આવે છે અને તે પણ ફકત અડધી કલાક આપવામાં આવતી હોવાની ફરિયાદો કરી હતી. તદઉપરાંત પાણી ખૂબજ ઓછા ફોર્સથી અને અમુક દીવસે જાણ કર્યા વગર પાણી કાપ ઝીંકવામાં આવતો હોવાની રાવ પણ કરી હતી. સાથે સાથે ચોકકસ સમયે અને પૂરતા ફોર્સથી તથા એકાંતરા પાણી વિતરણ યોગ્ય રીતે કરવા માંગણી કરી હતી. અત્રે નોંધનીય છે કે, મહાપ્રભુજીની બેઠકની જેમ જ વોર્ડ નં.૯ ના ભરાણીનો ડેલો, હવેલી રોડ, વજુકંદોઇનો ડેલો સહીતના વિસ્તારોમાં અંદરની શેરીઓમાં તો તદન ઓછા ફોર્સથી પાણી આવે છે. નવાઇની વાત એ છે કે, વોટર વર્કસ વિભાગના કર્મચારીઓ સ્થળ નીરીક્ષણ કરી ગયા છે અને ફોટા પણ પાણી ગયા છે. આમ છતાં આ સમસ્યાનો હજુ સુધી કોઇ ઉકેલ આવ્યો નથી. આથી એકાંતરા પાણી પણ પૂરતું ન આવતા રહેવાસીઓ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. શહેરના અન્ય વિસ્તારોમાં પણ એકાંતરા પાણી વિતરણની ફરિયાદો ઉઠી છે. ત્યારે આ બાબતે તાકીદે ઘટતું કરી પાણીની પ્રાથમિક સુવિધા શહેરીજનોને યોગ્ય રીતે મળી રહે તેવી માંગણી જોરશોરથી ઉઠી છે.