કોરોના દર્દીઓ માટેના બેડની સંખ્યામાં મોટા પાયે વધારો કર્યા બાદ પણ 555 બેડ ઘટયા !!

  • March 24, 2021 11:31 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ શહેર-જિલ્લામાં સરકારી તંત્રનો જાદુ
29માંથી માત્ર 14 ખાનગી હોસ્પિટલો ચાલુ હોવાની તંત્રને મોડે મોડે જાણ કે પછી મોતના આંકડા અને કેસની સંખ્યાની માફક બેડની માહિતી પણ છૂપાવી

 

કોરોનાના પ્રારંભિક કાળથી જ કેસની સંખ્યા અને મૃત્યુ પામનાર દર્દીઓની આંકડાકીય માહિતીમાં ગોલમાલ કરીને એ છુપાવનાર રાજકોટ જિલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા બેડની માહિતીમાં પણ ગોલમાલ કરવામાં આવી હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે. છેલ્લા થોડા સમયથી કોરોના ના દર્દીઓની સંખ્યામાં સતત વધારો થતો હોવાના કારણે રાજકોટ શહેર અને જિલ્લાના આરોગ્ય વિભાગના સત્તાવાળાઓએ બંધ કરી દીધેલી હોસ્પિટલો નવેસરથી ચાલુ કરી છે અને તેના કારણે બેડની સંખ્યામાં વધારો થયો છે તેવા દાવા કરવામાં આવતા હતા પરંતુ આશ્ચર્યજનક રીતે એવી વિગતો બહાર આવી છે કે બેડની સંખ્યામાં વધારો કરવામાં આવેલ હોવા છતાં તેમાં ઘટાડો નોંધાયો છે.!!!

 

 

તારીખ 19 માર્ચના રોજ રાજકોટ શહેર અને જિલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા મિડિયાને અપાયેલી સત્તાવાર આંકડાકીય માહિતી મુજબ રાજકોટ શહેર અને જિલ્લામાં બેડ ની કુલ સંખ્યા 2020 છે જેમાં સિવિલ હોસ્પિટલમાં 590 વીમા યોજનાની હોસ્પિટલમાં 41 કેન્સર હોસ્પિટલમાં 192 ગોંડલમાં 54 જસદણમાં 24 ધોરાજીમાં 35 અને રાજકોટ શહેર તથા જિલ્લાની ખાનગી હોસ્પિટલોમાં 1084 બેડ ઉપલબ્ધ છે.

 

 

સત્તાવાર રીતે જાહેર કરાયેલી આ પ્રકારની માહિતીને પુરા 72 કલાક પણ પસાર થયા ન હતા ત્યાં તારીખ 22 માર્ચ ના રોજ આરોગ્ય વિભાગ દ્વારા એવી આંકડાકીય માહિતી જાહેર કરવામાં આવી છે કે રાજકોટ શહેર-જિલ્લામાં કોરોના દર્દીઓ માટેના બેડની સંખ્યા 1465 છે.

 

ગોંડલ ધોરાજી ઉપલેટા અને રાજકોટ ખાતે કેન્સર હોસ્પિટલમાં વધારાના બેડની વ્યવસ્થા કરવા છતાં બેડની કુલ સંખ્યામાં ઘટાડો કેમ થયો તે બાબતે તપાસ કરતા બહાર આવેલી ચોંકાવનારી વિગત મુજબ અગાઉના પત્રકમાં ખાનગી હોસ્પિટલમાં 1084 બેડ ઉપલબ્ધ હોવાનું જણાવવામાં આવ્યું હતું પરંતુ વાસ્તવમાં ખાનગી હોસ્પિટલમાં માત્ર 529 બેડ ઉપલબ્ધ છે. રાજકોટ શહેરમાં ખાનગી ક્ષેત્રે 29 હોસ્પિટલોમાં કોરોનાના દર્દીઓને સારવાર મળતી હતી પરંતુ કોરોના નબળો પડ્યા બાદ માત્ર 14 હોસ્પિટલો ચાલુ છે પરંતુ સરકારી ચોપડે તમામ 29 હોસ્પિટલો ચાલુ હોવાનું અને બેડની સંખ્યા પણ યથાવત્ હોવાનો જણાવવામાં આવ્યું હતું.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS