BREAKING NEWS

શૈક્ષણિક વર્ષ પૂર્ણ, જામનગર સહીત રાજયભરની શાળાઓમાં ગુણોત્સવના નામે મીંડું..!

  • May 20, 2026 03:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શૈક્ષણિક વર્ષ પૂર્ણ, જામનગર સહીત રાજયભરની શાળાઓમાં ગુણોત્સવના નામે મીંડું..!

આમાં કયાંથી ભણે ગુજરાત: ગુણોત્સવ ૨.૦ ફેઝ-૬ અંતર્ગત શાળાઓનું બાહ્ય અને સ્વ મૂલ્યાંકન ન થતાં શિક્ષણજગતમાં સવાલોની સાથે તરેહ-તરેહની ચર્ચા

અઘ્યયન અને અઘ્યાપન, સંશાધનોનો ઉપયોગ, શાળા વ્યવસ્થાપન સહીતના મુદાઓનું મૂલ્યાંકન કરી શાળાઓને ગ્રેડ આપવામાં આવે છે

જામનગર સહીત રાજયભરની શાળાઓમાં શૈક્ષણીક વર્ષ પૂર્ણ થઇ ગયું છે વેકેશન ચાલી રહ્યું છે. આમ છતાં ચાલુ વર્ષે શાળાઓમાં ગુણોત્સવની કામગીરી થઇ નથી. ગુણોત્સવ ૨.૦ ફેઝ-૬ અંતર્ગત શાળાઓનું બાહ્ય અને સ્વ મૂલ્યાંકન ન થતાં શિક્ષણજગતમાં સવાલોની સાથે તરેહ-તરેહની ચર્ચાઓ ચાલી રહી છે. ગુણોત્સવમાં   અઘ્યયન અને અઘ્યાપન, સંશાધનોનો ઉપયોગ, શાળા વ્યવસ્થાપન સહીતના મુદાઓનું મૂલ્યાંકન કરી શાળાઓને ગ્રેડ આપવામાં આવે છે. ત્યારે મહત્વની કામગીરી પ્રત્યે શિક્ષણ વિભાગે બેદરકારી દાખવી કે કેમ તે સવાલ પણ જોરશોરથી ઉઠ્યો છે.

જામનગર સહીત રાજયભરની સરકારી પ્રાથમિક અને માઘ્યમિક શાળાઓ, કેજીબીવી શાળાઓ તથા ટ્રસ્ટ સંચાલીત ગ્રાન્ટેડ માઘ્યમિક શાળાઓમાં દર વર્ષે જીસીઇઆરટી દ્વારા ગુણોત્સવની કામગીરી કરવામાં આવે છે. જેમાં શાળાઓનું બાહ્ય અને સ્વ મૂલ્યાંકન કરવામાં આવે છે. સ્કૂલ ઇન્સપેકટરો દ્વારા ગુણોત્સવની કામગીરી અંતર્ગત અઘ્યયન અને અઘ્યાપન, સંશાધનોનો ઉપયોગ, શાળા વ્યવસ્થાપન સહીતના મુદાઓનું મૂલ્યાંકન કરવામાં આવે છે. આ મુદાઓના મૂલ્યાંકનના આધારે શાળાઓને ગુણ મળે છે. ગુણોત્સવમાં મળેલા કુલ ગુણના આધારે શાળાઓને એ,બી,સી અને ડી ગ્રેડ આપવામાં આવે છે. પરંતુ દર વર્ષે ગુણોત્સવની કામગીરી કોઇને કોઇ કારણોસર વિવાદોમાં ઘેરાયેલી રહે છે. આમ છતાં શિક્ષણ વિભાગ દ્વારા કોઇ બોધપાઠ લેવામાં આવતો ન હોય તેવી સ્થિતિ પ્રર્વતી રહી છે. 

કારણ કે, જામનગર સહીત રાજયભરની જે શાળાઓમાં ગુણોત્સવની કામગીરી હાથ ધરવામાં આવે છે તે તમામ શાળાઓમાં શૈક્ષણીક વર્ષ પૂર્ણ થઇ ગયું છે. આમ છતાં શાળાઓમાં ગુણોત્સવ ૨.૦ ફેઝ-૬ અંતર્ગત મૂલ્યાંકન કરવામાં આવ્યું નથી. આથી શાળાઓના બાહ્ય અને સ્વ મૂલ્યાંકન થયું નથી એટલે કે ગુણોત્સવ થયો નથી. આથી શિક્ષણજગતમાં અનેક સવાલોની સાથે તરેહ તરેહની ચર્ચાઓ ચાલી રહી છે. અત્રે નોંધનીય છે કે, ગત વર્ષે જાન્યુઆરી મહીનામાં શાળાઓમાં ગુણોત્સવની સ્વ.મૂલ્યાંકનની કામગીરી થઇ હતી. પરંતુ ચાલુ વર્ષે તો ગુણોત્સવ જ કોરાણે મૂકવામા આવ્યો છે. નવાઇની વાત તો એ છે કે, ગુણોત્સવ જેવી શાળાઓના મૂલ્યાંકનની મહત્વની બાબતે શિક્ષણ વિભાગ દ્વારા ઘોર બેદરકારી દાખવામાં આવી છે કે કેમ તે તપાસનો વિષય બન્યો છે. બીજી બાજુ શાળાઓના મૂલ્યાંકન માટે મહત્વની ગુણોત્સવની કામગીરી ન થતાં આમાં કયાંથી ભણે ગુજરાત તે સવાલ પણ જોરશોરથી ઉઠ્યો છે. 

​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application