રાજકોટમાં સરકાર લોકડાઉન નહીં કરે તો ચેમ્બર કરશે

  • April 09, 2021 05:24 AM 

રાજકોટમાં કોરોનાનું સંક્રમણ બમણી-ત્રણ ગણી ગતિએ વધી રહ્યું છે અને મૃત્યુઆંક પણ ખતરનાક રીતે વધી રહ્યો છે ત્યારે માત્ર કરફયુ નાખવો અપુરતો છે તેવું રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ માને છે અને લોકડાઉનને અત્યંત જરી માને છે. ચેમ્બર ઓફ કોમર્સે કહ્યું છે કે, રાજકોટમાં રાત્રી કરફયુના બદલે સરકારે અમુક દિવસો પુરતું લોકડાઉન જાહેર કરે તે જરી છે. જો સરકાર બે-ત્રણ દિવસમાં આ અંગે કોઈ નિર્ણય નહીં લે તો ચેમ્બર ઓફ કોમર્સ રાજકોટમાં સ્વયંભૂ લોકડાઉન જાહેર કરશે.

 


રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વી.પી.વૈષ્ણવે આજકાલ સાથેની વાતચીતમાં આ બાબતને સમર્થન આપ્યું છે. તેમણે કહ્યું હતું કે, રાજ્ય સરકારે કોરોનાનું સંક્રમણ રોકવા માટે રાજકોટ સહિત 20 શહેરોમાં રાત્રે 8 થી સવારે 6 વાગ્યા સુધીનો કરફયુ લાગુ કર્યો છે પરંતુ કેસની સંખ્યા ચિંતાજનક રીતે વધી રહી છે. મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. આવા સંજોગોમાં કોરોનાની ચેઈન તોડવા માટે કરફયુ અપુરતો છે. જો રાજકોટમાં લોકડાઉન નાખવામાં આવે તો જ વાયરસના સંક્રમણને કાબુમાં લઈ શકાય તેવું મોટાભાગનો વેપારી વર્ગ માને છે. વેપારીઓની સંસ્થા ચેમ્બર ઓફ કોમર્સ પણ આ જ મતની છે.

 


તેમણે ઉમેર્યું હતું કે, આ અંગે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાથે પણ વાત કરવામાં આવી છે. મુખ્યમંત્રીને સ્પષ્ટ કહેવાયું છે કે, જો રાજ્ય સરકાર લોકડાઉન અંગે આગામી બે-ત્રણ દિવસમાં કોઈ કાર્યવાહી કે વિચારણા નહીં કરે તો ચેમ્બર ઓફ કોમર્સ રાજકોટમાં સ્વયંભૂ લોકડાઉન જાહેર કરશે.

 


સુત્રોના જણાવ્યા અનુસાર ચેમ્બર કોમર્સની જાહેરાત અનુસાર જો સ્વયંભૂ લોકડાઉન નાખવામાં આવે તો તેનો સોમવારથી અમલ થઈ શકે તેમ છે. જો કે, પ્રશ્ર્ન એ છે કે, ચેમ્બર સ્વયંભૂ લોકડાઉન જાહેર કરે તો નાના વેપારીઓની સહકાર મળશે કે કેમ ? ગયા વર્ષે લાગુ કરવામાં આવેલા લોકડાઉન દરમિયાન અર્થતંત્ર સંપૂર્ણપણે બેસી ગયું હતું અને મંદીએ અનેકના હાલ બેહાલ કરી દીધા હતા. સંપૂર્ણ લોકડાઉનથી વાયરસને નિયંત્રણમાં લઈ શકાય છે તેવો પાછલો અનુભવ છે પરંતુ એક વખત પાટે ચડેલી અર્થતંત્રની ગાડી ફરી એક વખત ડગમગી જાય તો શું ? તેવો સવાલ પણ ઉઠી રહ્યો છે.

 


અત્રે ઉલ્લેખનીય છે કે, મોરબીમાં વેપારીઓએ બપોરે 2 પછી સ્વયંભૂ લોકડાઉનની જાહેરાત કરી છે અને તેઓ બંધ પણ પાડી રહ્યા છે. આ જ રીતે આણંદમાં પણ સ્વયંભૂ લોકડાઉન છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS